ભૂઆકૃતિવિજ્ઞાન

January, 2001

ભૂઆકૃતિવિજ્ઞાન (geomorphology) : પૃથ્વીની સપાટી પરનાં ભૂમિસ્વરૂપો કે ભૂમિઆકારો(landforms)નું વર્ણન કરતું વિજ્ઞાન. તે જુદાં જુદાં ભૂમિસ્વરૂપોની ઉત્પત્તિ (રચના) અને ઇતિહાસની સમજ આપે છે. તેનો પદ્ધતિસરનો અભ્યાસ કરવાથી ક્રમબદ્ધ રચાયેલા ખડકસ્તરોનો ખ્યાલ આવી શકે છે, તદુપરાંત તેમના ઉપર થતો ઘસારો, ખવાણ, ધોવાણ તેમજ અન્ય પ્રક્રિયાઓનો તાગ મેળવી શકાય છે. આ બધી બાબતોના સંદર્ભમાં જોતાં ભૂઆકૃતિવિજ્ઞાન ભૂસ્તરશાસ્ત્ર અને ભૂગોળના વિષયોનો સમન્વય કરતું શાસ્ત્ર ગણાય. બહોળા અર્થમાં તેને ભૂરચનાશાસ્ત્ર તરીકે પણ ઘટાવી શકાય. અમેરિકી વૈજ્ઞાનિકો ભૂઆકૃતિવિજ્ઞાનને ભૂપૃષ્ઠવિજ્ઞાન (physiography) સાથે પણ સાંકળે છે. જુદાં જુદાં ભૂમિસ્વરૂપોની રચના અને તેમાં થતા રહેતા ફેરફારો માટે આબોહવા, જળ વગેરે જેવાં પરિબળો કારણભૂત બને છે. વિજ્ઞાનના વિકાસની સાથે સાથે આબોહવાશાસ્ત્ર, જળશાસ્ત્ર તેમજ પ્રકૃતિશાસ્ત્રનો પણ ઊંડો અભ્યાસ થતો ગયો છે. આમ ભૂઆકૃતિવિજ્ઞાન આ બધી વિષયશાખાઓ સાથે પણ સંકળાયેલું હોવાથી તેનો અભ્યાસ વિશિષ્ટ રીતે કરવામાં આવે છે.

ભૂઆકૃતિવિજ્ઞાન માટેનો અંગ્રેજી શબ્દ geomorphology  મૂળ ગ્રીક ભાષાના ત્રણ શબ્દ–geo એટલે પૃથ્વી, morphe એટલે આકૃતિ અથવા સ્વરૂપ અને logos એટલે વિજ્ઞાન–માંથી તૈયાર થયેલો છે. પૃથ્વીની સપાટી પર જોવા મળતા સ્થળર્દશ્યોના વિવિધ આકારોના અભ્યાસમાંથી આ વિજ્ઞાન વિકસતું ગયેલું છે; અર્થાત્, તે ભૂપૃષ્ઠની આકારિકીની વિશિષ્ટતાઓની સમજ પૂરી પાડે છે. ભૂઆકૃતિવિજ્ઞાનનો વ્યાપ પણ વિશાળ છે. તે ભૂસ્તરશાસ્ત્રની શાખાઓ–ભૂગતિવિજ્ઞાન, રચનાત્મક ભૂસ્તરશાસ્ત્ર, ખડકવિદ્યા, સ્તરવિદ્યા વગેરે સાથે પણ ઘનિષ્ઠ સંબંધ ધરાવે છે, કારણ કે ભૂમિસ્વરૂપોની આકારિકી ખડકસ્તરોની રચના, તેમનાં ભૌતિક-રાસાયણિક લક્ષણો, બંધારણ, આંતરિક અને બાહ્ય બળોની ક્રિયા-પ્રક્રિયા અને અસરો પર આધાર રાખે છે. ભૂઆકૃતિ-વિજ્ઞાનના વિષયવસ્તુમાં ભૂમિસ્વરૂપોના ક્રમબદ્ધ અભ્યાસનો સમાવેશ થાય છે, અર્થાત્, આ અભ્યાસમાં તેમનાં ઉત્પત્તિ, વિકાસ અને વર્તમાન સ્વરૂપોના મહત્વ પર ભાર મુકાય છે. ભૂમિસ્વરૂપો પૃથ્વીની સપાટી પર મળતાં હોવાથી આ વિજ્ઞાન ભૂગોળનું પણ એક અવિભાજ્ય અંગ ગણાય છે. આમ ભૂસ્તરશાસ્ત્રીઓ અને ભૂગોળવિદો તેને પોતપોતાના વિષયની શાખા માને છે.

ભૂમિઆકારોની ઉત્ક્રાંતિના અભ્યાસને અનાચ્છાદનની ક્રમબદ્ધતા અથવા ધોવાણની કાળગણના (denudation chronology) કહે છે. ભૂમિસ્વરૂપોમાં સમયની સાથે ક્રમબદ્ધ પરિવર્તન આવતું જતું હોય છે, તેમની આધાર-સપાટી આબોહવાનાં પરિવર્તનો સાથે સંકળાયેલી હોય છે. પવનો, સમુદ્રમોજાં, હિમનદીઓ અને નદીઓ દ્વારા ભૂમિઆકારોમાં ફેરફારો થતા રહે છે એ જ રીતે હિમયુગો દરમિયાન તથા તે પછીથી આબોહવામાં થતા ગયેલા ફેરફારોથી પણ ભૂમિઆકારોમાં પરિવર્તનો આવેલાં છે. હિમઅશ્માવલિઓ, હિમનદ-ટીંબા એ હિમનદીજન્ય ભૂમિઆકારો છે, તો કાંપનાં મેદાનો, પંખાકાર કાંપ, ઢાળનિક્ષેપો, ત્રિકોણપ્રદેશો, સમુદ્ર-ભેખડો, સમુદ્રકંઠાર-પ્રદેશો એ નદીજન્ય કે સમુદ્રજન્ય ભૂમિઆકારો છે. આમ ભૂમિઆકારોમાં ઘસારો, સ્થાનાંતર, ધોવાણ, નિક્ષેપણ જેવી ક્રિયાઓ સતત થતી રહે છે. તેથી ભૂમિઆકારો પણ ફેરફાર પામતા રહે છે. તેમના અભ્યાસ પરથી તેમની ઉત્પત્તિસ્થિતિ, તેમનો ઇતિહાસ, કાળગણના, સંજોગો વગેરેની જાણકારી મેળવી શકાય છે અને કાલાનુસાર તેમનાં અર્થઘટન કરી શકાય છે.

ભૂમિસ્વરૂપોની રચના સમજવામાં મહત્વ ધરાવતાં વિદારણ (weathering), ઘસારો (erosion), ધોવાણ (denudation) તથા નિક્ષેપણ (accumulation) જેવાં પરિબળોનો વિગતે અભ્યાસ કરવામાં આવે છે. પાણી, હિમ, પવન વગેરે જેવાં કુદરતી પરિબળો દ્વારા ઉપર્યુક્ત ક્રિયાઓ થાય છે. આ પરિબળો જ તેમના આકારોમાં ફેરફારો લાવે છે. આમ ભૂમિસ્વરૂપો સાથે સંકળાયેલું ભૂઆકૃતિવિજ્ઞાન વિવિધ ઘટનાઓ સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવે છે.

ભૂઆકૃતિવિજ્ઞાનનો વ્યાપ વિશાળ હોવાથી તેનો વ્યવસ્થિત અભ્યાસ કરવા માટે પૃથ્વીની સપાટી પર જોવા મળતી અગણિત ધરાકૃતિઓને ત્રણ શ્રેણી(ક્રમ–order)માં વિભાજિત કરેલી છે :

1. પ્રથમ શ્રેણીની ભૂઆકૃતિઓ : પૃથ્વીની ઉત્પત્તિ માટેના જુદા જુદા સિદ્ધાંતો અનુસાર પૃથ્વી વાયુસ્વરૂપમાંથી ઠરીને ઘનસ્વરૂપમાં પરિણમી અને કાળક્રમે તેમાંથી વિશાળ ભૂમિખંડો અને મહાસાગર-થાળાં રચાતાં ગયાં. પૃથ્વીની સપાટી પર જોવા મળતા મોટા પાયા પરના આ વિશિષ્ટ ભૂમિઆકારો પ્રથમ શ્રેણી(ક્રમ)ના આકારો તરીકે ઓળખાય છે. તેમાં પોપડા(ખંડીય પોપડા અને સમુદ્રીય પોપડા)નો અભ્યાસ પણ થાય છે; તેમની આંતરિક રચના અને તેમનું સ્વરૂપ, ભૂસપાટીની ઉત્ક્રાંતિ, ભૂકવચ, ભૂસંનતિ, ખંડપ્રવહન, ભૂતકતી-સંચલન વગેરેની સમીક્ષા પણ કરવામાં આવે છે.

2. દ્વિતીય શ્રેણીની ભૂઆકૃતિઓ : પૃથ્વીનાં આંતરિક બળોના કાર્યથી કે ભૂસંચલનથી રચાયેલી ભૂઆકૃતિઓનો દ્વિતીય ક્રમની શ્રેણીમાં સમાવેશ કરવામાં આવેલો છે. તેમાં ભૂસંચલનજન્ય પર્વતો, ઉચ્ચપ્રદેશો, ફાટખીણો, જ્વાળામુખીઓનાં વિવિધ સ્વરૂપો, મેદાનો વગેરેનો સમાવેશ થાય છે.

3. તૃતીય શ્રેણીની ભૂઆકૃતિઓ : દ્વિતીય ક્રમની ભૂઆકૃતિઓ પર નદી, હિમનદી, પવન, ભૂગર્ભજળ, સમુદ્રમોજાં જેવાં બાહ્ય બળોનાં ઘસારા, ધોવાણ, સ્થાનાંતર કે નિક્ષેપણથી જે જે વિવિધ ભૂમિસ્વરૂપો રચાયાં છે, તેમનો તૃતીય ક્રમની ભૂઆકૃતિઓમાં સમાવેશ કરવામાં આવેલો છે. તેમાં V કે U આકારની ખીણો, ત્રિકોણપ્રદેશો, કિનારાનાં મેદાનો, જળધોધનિર્મિત સ્વરૂપો, ભેખડો, સમુત્પ્રપાતો, રેતપટ, રેતીના ઢૂવા, હિમઅશ્માવલિઓ, કોટરો અને ગહ્વરો, ચૂનાખડકોમાં જોવા મળતાં લાક્ષણિક કાર્સ્ટ સ્થળ ર્દશ્યો, ફિયૉર્ડ વગેરેનો સમાવેશ કરી શકાય.

ભૂ-આકૃતિવિજ્ઞાન–વિચારધારાઓના વિકાસનો ઇતિહાસ : ભૂઆકૃતિવિજ્ઞાનનું વિષયવસ્તુ સ્થગિત બનતાં ક્રમે ક્રમે નવા નવા સિદ્ધાંતો, સંકલ્પનાઓ, નિયમો વગેરેનું ઉમેરણ થતું ગયું. પરિણામે તેનું વિષયવસ્તુ વિસ્તરતું ગયું. ભૂઆકૃતિવિજ્ઞાનનું વ્યવસ્થિત સ્વરૂપ તો ઓગણીસમી સદીના આરંભે રચાયું છે, પરંતુ પ્રાચીન કાળમાં ગ્રીસ, ઇજિપ્ત અને રોમમાં આ વિષયના વિચારોની શરૂઆત થયેલી. ઈ. પૂ. 485થી 425ના ગાળામાં ગ્રીસના ઇતિહાસકાર હેરૉડોટસે ભૌગોલિક નિરીક્ષણોની કરેલી નોંધનું મહત્વ વધુ અંકાય છે. તેમણે ઇજિપ્તનાં સ્થળોની તપાસ કરીને કેટલાંક સ્વરૂપો અને રચનાઓનો ખ્યાલ આપ્યો હતો. ઈ. પૂ. 384થી 322ના ગાળાના ઝરણાંના ઉદભવ સંબંધી ઍરિસ્ટૉટલે પોતાના વિચારો રજૂ કરેલા છે. સ્ટ્રેબોએ (ઈ. પૂ. 54થી 25) નિક્ષેપણથી રચાયેલા ત્રિકોણપ્રદેશો વિશે પોતાનો મત દર્શાવ્યો છે, જ્યારે સોનેકાએ (ઈ. પૂ. 2થી ઈ. સ. 65) નદીઓના ઉદભવ અને તેમાંથી થતા ઘસારા વિશે વિચારો રજૂ કરેલા છે.

રોમન સામ્રાજ્યના પતન પછીના એટલે કે પહેલી સદીથી ચૌદમી સદીના સમયગાળાને ભૂઆકૃતિવિજ્ઞાનના વિકાસ માટેનો સ્થગિત ગાળો અથવા અંધકારયુગ ગણાવી શકાય. આ સમયગાળા દરમિયાન માત્ર ગણ્યાગાંઠ્યા વિદ્વાનોએ પોતાના વિચારો રજૂ કર્યા હતા, જેમાં આરબ વિદ્વાન ઍવિસેના(Avicenna)એ રજૂ કરેલો પર્વતોની નિર્માણક્રિયા વિશેનો મત વિશેષ ઉલ્લેખનીય છે.

આધુનિક ભૂઆકૃતિવિજ્ઞાનની સંકલ્પનાઓનો ઉદય હટન(ઈ. સ. 1726થી 1797)ના સમયગાળાથી શરૂ થયો ગણાય. ભૂઆકૃતિવિજ્ઞાન એ એક વિશિષ્ટ શાખા છે એવી સમજ તો ઓગણીસમી સદી પછી ઊભી થઈ. સત્તરમીથી ઓગણીસમી સદી દરમિયાન ભૂઆકૃતિવિજ્ઞાનમાં જેમનો ફાળો નોંધપાત્ર છે એવા વિચારકોમાં લિયૉનાર્દો-દ-વિન્ચી, ફ્રેન્ચ વિદ્વાન બફન, ગ્વેથાર્ટ, દેસમારેસ્ટ (Desmarest), સ્કૉટલૅન્ડના જેમ્સ હટન, જૉન પ્લેફેર, ઇટાલીના ટારગીઓની ટોઝેટ્ટી, સ્વિટ્ઝર્લૅન્ડના દ સૉસુરે, નૉર્વેના એસ્માર્ક, જર્મનીના વૉલ્થેર પેન્ક અને ડબ્લ્યૂ. એમ. ડેવિસનો સમાવેશ થાય છે. 20મી સદીમાં પૉવેલ, જી. કે. ગિલ્બર્ટ, સી. ઈ. ડટન, ડી. ડબ્લ્યૂ. જૉનસન, સી.એ. મેલોટ, એ. કે. લૉબેક, ડબ્લ્યૂ. ડી. થૉર્નબરી વગેરેનો ફાળો પણ મહત્ત્વનો ગણાય છે.

ભારતમાં ભૂઆકૃતિવિજ્ઞાનનો પાયો નાખનાર રેનેલ હતા. ત્યારબાદ બુચાનન, ફર્ગ્યુસન, મેડલીકૉટ, બ્લૅનફૉર્ડ, હેડન, લા તુશ, ગ્રિનલિન્ટન, બુરાર્ડ હેરૉન, ઓલ્ડહામ, પાસ્કો, પિલગ્રિમ, કૃષ્ણન, ડી. એન. વાડિયા, એહમદ, પીઠાવાલા, એસ. પી. ચૅટરજી, એસ. સી. ચૅટરજી, આર. પી. સિંગ, બાગચી, સેનગુપ્તા, મુથ્થુસ્વામી, કલ્યાણસુંદરમ્, બિમલ ઘોષ, કે. આર. દીક્ષિત, વિદ્યાનંદ અને રાવનો ફાળો આગળપડતો રહ્યો છે.

ભૂઆકૃતિવિજ્ઞાનની ઉપયોગિતા : માનવજાતિના ઐતિહાસિક વિકાસમાં ભૂમિઆકારો નિર્ણાયક પરિબળો બની રહેલાં છે. માનવપ્રવૃત્તિઓ પર તેની અસર સ્પષ્ટ વરતાય છે. માનવીની શારીરિક, સામાજિક, આર્થિક અને રાજકીય વિવિધતા અને વિભિન્નતા જાણવા આ વિજ્ઞાન ઉપયોગી થઈ પડે છે.

ખનિજ સંપત્તિની અને જળભંડારોની માહિતી મેળવવા ભૂઆકૃતિઓનાં ભૂસ્તરીય રચના અને ઇતિહાસની જાણકારી મેળવવી પડે છે, જે આ વિજ્ઞાનની મદદ વગર થઈ શકે નહિ. કેટલાંક ખનિજો માટે વિદારણ અને નિક્ષેપક્રિયા જવાબદાર હોય છે. પાણીના સ્રોતો અને તેની જાણકારી મેળવવા ભૂઆકૃતિવિજ્ઞાન સહાયક બની રહે છે.

કોઈ પણ વિકાસયોજનાનો હેતુ માનવીના ઉપયોગ સાથે સંકળાયેલો હોય છે. વિકાસયોજનાઓમાં માર્ગો, બંધ, હવાઈ મથકો વગેરેનો સમાવેશ થાય છે, જેના નિર્માણ માટે ઇજનેરી શાખાનો ફાળો મહત્વનો છે, પરંતુ તેમનું નિર્માણકાર્ય ભૂસપાટીનાં લક્ષણો પર આધાર રાખે છે. આ માટે પ્રાદેશિક ઇતિહાસ અને રચના જાણવાં આવશ્યક છે, આ સાથે ભૂ-આકૃતિનો સાથ લેવો જરૂરી બને છે. અણુશક્તિની ક્ષમતા જાણવા કરવામાં આવતા અણુવિસ્ફોટો માટે પણ જે તે સ્થાનની ભૂરચના જાણવી પડે છે. રાજસ્થાનના પોખરણના સ્થાનની ભૌગોલિક, ભૂસ્તરીય અને પર્યાવરણીય સ્થિતિ વિજ્ઞાનીઓ દ્વારા પ્રથમ ચકાસાઈ, તથા પછી જ અણુવિસ્ફોટ કરવાનો નિર્ણય લેવાયો હતો.

નીતિન કોઠારી