ભુસ્નુરમઠ, એસ. એસ.

January, 2001

ભુસ્નુરમઠ, એસ. એસ. (જ. 1911, નિડાગુંડી, ધારવાર) : કન્નડ લેખક. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ બેલગામ અને કૉલેજ-શિક્ષણ ધારવાડમાં. ધારવાડમાં એમ. એ. ની પરીક્ષામાં પ્રથમ વર્ગ મળવાથી પોતાની જ કૉલેજમાં વ્યાખ્યાતા તરીકે નિયુક્તિ. પાછળથી કર્ણાટક યુનિવર્સિટીમાં કન્નડના પ્રાધ્યાપક થયા. ‘વીરશૈવ સંપ્રદાય’ એમનો શોધપ્રબંધ હોવાથી, એ સંપ્રદાયના સાહિત્યના તે નિષ્ણાત છે.

એમણે એમના ‘શૂન્યસંપ્રદાયને પરમાર્શે’ ગ્રંથમાં વીરશૈવ સંપ્રદાયના સિદ્ધાંતો, સંતોના ઉપદેશ, ચમત્કારો, એનો ક્રમિક વિકાસ, તેની ભૂમિકા, અન્ય સંપ્રદાયોના સિદ્ધાંતો સાથે તુલના, એનો આધ્યાત્મિક વિકાસ ઇત્યાદિનું વિસ્તૃત વિવરણ કર્યું છે. એ ગ્રંથને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1972નો કન્નડ સાહિત્યના શ્રેષ્ઠ પુસ્તક તરીકે ઍવૉર્ડ મળ્યો છે. મહાકાવ્ય સમા એમના ‘ભવ્ય માનવ’ કાવ્યગ્રંથમાં માનવના આધ્યાત્મિક વિકાસનો ક્રમ દર્શાવી એ પૂર્ણતાએ શી રીતે પહોંચે તે દર્શાવ્યું છે. એ પુસ્તકને કર્ણાટક સાહિત્ય અકાદમીનો 1983નો પુરસ્કાર મળ્યો હતો. એમણે વીરશૈવ સંપ્રદાય વિશે અન્ય 3 ગ્રંથો લખ્યા છે – ‘પરામર્શ’, ‘કાશ્મીરી ડિંઘ’ અને ‘કલ્યાણક’. તેમાં વીરશૈવ સંપ્રદાયનું વિગતે વિવરણ છે.

ચન્દ્રકાન્ત મહેતા