ભૂઊર્ધ્વવળાંક

January, 2001

ભૂઊર્ધ્વવળાંક (geanticline) : ભૂસંનતિમય થાળાને જરૂરી નિક્ષેપદ્રવ્ય પૂરું પાડતો નજીકમાં રહેલો વિશાળ ભૂમિભાગ. અગાઉના સમયમાં તે ભૂઊર્ધ્વવાંકમાળાના સમાનાર્થી અને ભૂઅધોવાંકમાળાના વિરોધાર્થી શબ્દ તરીકે વપરાતો હતો. ભૂસંનતિની બાજુઓ પરની બંને કે એક કિનારી પરના પહોળા, ઉત્થાન પામેલા વિસ્તારને ભૂઊર્ધ્વવળાંક તરીકે ઓળખાવી શકાય. ઊંચાઈએ રહેલા આવા વિભાગો ભૂસંનતિમય થાળાને કણજમાવટ માટે ઘસારાજન્ય શિલાચૂર્ણનો પર્યાપ્ત જથ્થો પૂરો પાડતા રહે છે. ભૂસંનતિ એ એક વિશાળ પરિમાણ ધરાવતું થાળું હોવા છતાં તે તેના એક છેડાથી બીજા છેડા સુધી સરળ, સળંગ ગર્તલક્ષણવાળું હોઈ શકતું નથી, પરંતુ તેમાં વચ્ચે ઉત્થાન પામેલા, ઊંચાઈવાળા વિભાગો પણ હોઈ શકે છે; તે પર્વતનિર્માણ તબક્કાની પ્રારંભિક કક્ષામાં ઊંચકાઈ આવેલા હોય છે. તે સામાન્ય રીતે તો જ્વાળામુખી-પ્રક્રિયા સાથે સંકળાયેલા હોય છે. આ સંદર્ભમાં એવું પણ સૂચન કરવામાં આવેલું છે કે દ્વીપચાપના વિભાગોને તેમનાં લક્ષણો મુજબ ભૂઊર્ધ્વવળાંક તરીકે ઘટાવી શકાય છે. પશ્ચિમ પૅસિફિક વિભાગમાં આવેલી દ્વીપચાપને ભૂઊર્ધ્વવળાંકના ઉદાહરણ રૂપે લઈ શકાય. કૉર્ડિલેરન આંતરપર્વતીય વિભાગને પણ ભૂઊર્ધ્વવળાંક કહેવાય છે.

ભૂઊર્ધ્વવળાંક

ગિરીશભાઈ પંડ્યા