ભુટ્ટો, ઝુલ્ફિકાર અલી

January, 2001

ભુટ્ટો, ઝુલ્ફિકાર અલી (જ. 5 જાન્યુઆરી 1928, લારખાના, સિંધ; અ. 4 એપ્રિલ 1979, રાવલપિંડી) : પાકિસ્તાનના પ્રમુખ અને વડાપ્રધાન. ઝુલ્ફિકાર અલીના પિતા શાહનવાઝ ભુટ્ટો જાગીરદાર હતા. જૂનાગઢ(ગુજરાત)ના નવાબ મહોબતખાન ત્રીજા(1911–1948)ના દીવાન તરીકે તેમણે કાર્ય કર્યું હતું. ઝુલ્ફિકારનું બાળપણ જૂનાગઢમાં વીત્યું હતું. ભારતના ભાગલા પછી જૂનાગઢના નવાબ મહોબતખાન પાકિસ્તાન ચાલ્યા ગયા અને જૂનાગઢ રાજ્ય ભારતીય સંઘમાં ભળી ગયું. દીવાન શાહનવાઝ ભુટ્ટોએ પણ કુટુંબકબીલા સાથે પાકિસ્તાન રહેવાનું પસંદ કર્યું.

ઝુલ્ફિકારે ઉચ્ચશિક્ષણ યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયા અને ઑક્સફર્ડ યુનિવર્સિટી – ઇંગ્લૅન્ડમાં લીધું હતું. અને બૅરિસ્ટરની પદવી હાંસલ કરી હતી. 1952–53માં તેમણે યુનિવર્સિટી ઑવ્ સાઉથમ્પ્ટનમાં આંતરરાષ્ટ્રીય કાયદાના વ્યાખ્યાતા તરીકે કાર્ય કર્યું. પાકિસ્તાનની સિંધ મુસ્લિમ લૉ કૉલેજમાં બંધારણીય કાયદાના વ્યાખ્યાતા તરીકે પણ કાર્ય કર્યું. 1958થી 1960 દરમિયાન બૅરિસ્ટર તરીકે પ્રૅક્ટિસ કરી અને

ઝુલ્ફિકાર અલી ભુટ્ટો

રાજકારણમાં રસ લેવા માંડ્યો. અય્યૂબખાનના શાસન પૂર્વે ભારતના પ્રદેશો કાશ્મીર, જૂનાગઢ અને માણાવદર અંગે પાકિસ્તાને ટપાલ-ટિકિટો બહાર પાડી, ત્યારે ઝુલ્ફિકારે ઝનૂની પાકિસ્તાની સંસ્થાઓ સાથે મળીને પાકિસ્તાનના એ પગલાને બિરદાવ્યું હતું. માર્શલ અય્યૂબખાનના શાસનકાળ (1958–1968) દરમિયાન તેઓ પાકિસ્તાનના વાણિજ્યપ્રધાન (1958–60) અને વિદેશપ્રધાન (1963–66) રહ્યા હતા. 1965ના ભારત–પાકિસ્તાન યુદ્ધ બાદ અય્યૂબખાને તેમને પ્રધાનમંડળમાંથી દૂર કર્યા. 1967ના ડિસેમ્બરમાં તેમણે ‘પાકિસ્તાન પીપલ્સ પાર્ટી’ની સ્થાપના કરી અને અયૂબખાનના લશ્કરી શાસન સામે 1968માં આંદોલન આરંભ્યું. નવેમ્બર 1968માં તેમની ધરપકડ થઈ. ફેબ્રુઆરી 1969માં તેઓ જેલમુક્ત થયા. માર્ચ 1969માં જનરલ મુહમ્મદ યાહ્યાખાને અય્યૂબખાનને પદભ્રષ્ટ કરી શાસનની ધુરા સંભાળી. યાહ્યાખાને પાકિસ્તાનમાં 1969થી 1971 સુધી શાસન કર્યું. તેમના શાસનકાળ દરમિયાન ઝુલ્ફિકાર અલી પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશપ્રધાન રહ્યા. 1970ની ચૂંટણીઓમાં પાકિસ્તાન. પીપલ્સ પાર્ટીને સફળતા મળી. રાષ્ટ્રીય ઍસેમ્બલીમાં 144 બેઠકોમાંથી પાકિસ્તાન પીપલ્સ પાર્ટીને 88 બેઠકો મળી; પરંતુ રાષ્ટ્રીય ધોરણે અવામી લીગને બહુમતી મળી, જેણે પૂર્વ પાકિસ્તાનને સ્વાયત્તતા આપવાની હિમાયત કરી હતી. પ્રમુખ યાહ્યાખાને ચૂંટણી રદ કરીને હિંસક આંતરવિગ્રહની ઉશ્કેરણી કરી. ભારતે પૂર્વ પાકિસ્તાનમાં જ પાકિસ્તાનના લશ્કરને હરાવ્યું. તેથી યાહ્યાખાને રાજીનામું આપી ભુટ્ટોને પ્રમુખ બનાવ્યા. પાકિસ્તાનમાં પુન: સત્તાપલટો થયો. 20 ડિસેમ્બર 1971માં ઝુલ્ફિકાર 44 વર્ષની વયે પાકિસ્તાનના પ્રમુખ બન્યા. તેઓ પાકિસ્તાનના સૌથી નાની વયના પ્રમુખ હતા.

પ્રમુખ તરીકે ભુટ્ટોએ નાગરિક અધિકારો અને લોકશાહી પદ્ધતિઓ પુન:સ્થાપિત કર્યાં. તેમણે જમીનની પુનર્વહેંચણી તથા દસ મોટા ઉદ્યોગો પર સરકારના અંકુશની ખાતરી આપી. રાષ્ટ્રસમૂહના દેશોએ બાંગ્લાદેશને માન્યતા આપ્યા બાદ, જાન્યુઆરી 1972માં પાકિસ્તાને રાષ્ટ્રસમૂહનું સભ્યપદ પાછું ખેંચી લીધું. જુલાઈ 1972માં વડાપ્રધાન ઇન્દિરા ગાંધી અને ભુટ્ટો તેમની સમાન સરહદોએથી લશ્કર પાછું ખેંચી લેવા કબૂલ થયાં. નવા બંધારણ મુજબ 1973માં ભુટ્ટો વડાપ્રધાન બન્યા.

ભુટ્ટો મહત્વાકાંક્ષી શાસક હતા. તેઓ વક્તૃત્વકલામાં નિપુણ અને લોકસંમોહક વ્યક્તિત્વ ધરાવતા હતા. તેમણે પાકિસ્તાનને ઇસ્લામી સમાજવાદી રાષ્ટ્ર બનાવવાની ઘોષણા કરી; પણ તેમાં તેમને સફળતા સાંપડી ન હતી. તેમના શાસનકાળ દરમિયાન પાકિસ્તાનમાં બે મહત્વનાં પગલાં લેવાયાં. પ્રથમ, 21 એપ્રિલ 1972ના રોજ ભુટ્ટોએ પાકિસ્તાનમાંથી માર્શલ લૉનો અંત આણ્યો. બીજું, પાકિસ્તાનમાં બંધારણીય સુધારણા કરવા વિરોધપક્ષો સાથે ચર્ચાવિચારણા આરંભી અને 14 ઑગસ્ટ 1973થી પાકિસ્તાનમાં લોકશાહી શાસનપદ્ધતિને અનુમોદન આપતું બંધારણ અમલમાં મુકાયું. 7 માર્ચ 1977ના રોજ પાકિસ્તાનમાં નવા બંધારણ મુજબ ચૂંટણીઓ યોજાઈ, જેમાં ભુટ્ટોની પાકિસ્તાન પીપલ્સ પાર્ટીને બહુમતી સાંપડી. ભુટ્ટો નવી ચૂંટાયેલી સરકારના પ્રથમ વડાપ્રધાન બન્યા.

‘અમારું રાજકારણ લોકશાહી છે, અમારું અર્થતંત્ર સમાજવાદી છે અને અમારો ધર્મ ઇસ્લામ છે.’ પાકિસ્તાનને આ સૂત્ર આપનાર ભુટ્ટોની ચૂંટાયેલી સરકાર વધુ સમય સત્તા પર ન રહી. મૂડીપતિઓના પ્રભાવમાં કાર્ય કરતી સરકાર પ્રત્યે પ્રજામાં રોષ વ્યાપક બન્યો. વળી, ચૂંટણીઓમાં ગેરરીતિઓ આચરવાના આક્ષેપો પણ તેમના પર થવા લાગ્યા. ધીમે ધીમે પાકિસ્તાનમાં હિંસા અને દમનનું વાતાવરણ પ્રસરવા લાગ્યું. અંતે પાકિસ્તાનમાં વ્યાપી રહેલી રાજકીય અને આર્થિક અરાજકતાને ટાળવા, આંતરવિગ્રહથી પાકિસ્તાનને બચાવવા ચીફ ઑવ્ ધી આર્મી સ્ટાફ જનરલ મોહંમદ ઝિયા-ઉલ-હક્કે (1924–1988) એ ‘ઑપરેશન ફેરપ્લે’ દ્વારા 5 જુલાઈ 1977ના રોજ ઝુલ્ફિકાર અલી ભુટ્ટોને પદભ્રષ્ટ કરી પાકિસ્તાનમાં પુન: લશ્કરી શાસનની સ્થાપના કરી અને તમામ રાજકીય પક્ષો પર પ્રતિબંધ મૂક્યો.

ઝિયા-ઉલ-હક્કે ઝુલ્ફિકાર અલી પર ચૂંટણીમાં આચરેલ ગેરરીતિઓ અને 1974માં કરેલ રાજકીય હત્યાઓનો આરોપ મૂકી તેમની ધરપકડ કરી. તેમના પર અદાલતમાં કેસ ચાલ્યો અને તેમને ફાંસીની સજા થઈ. લાહોરમાં તેમને ફાંસી આપવામાં આવી. ફાંસીને સમયે તેમની વય 50 વર્ષની હતી.

ઝુલ્ફિકાર અલી ભુટ્ટોએ લખેલાં ચાર પુસ્તકો ‘ધ મિથ ઑવ્ ઇન્ડિપેન્ડન્સ (69)’, ‘ધ ગ્રેટ ટ્રૅજેડી (71)’, ‘ધ થર્ડ વર્લ્ડ : ન્યૂ ડિરેક્શન’ અને ‘ઇફ આય એમ એસૅસિનેટેડ’ માંથી છેલ્લું પુસ્તક અંતિમ દિવસોમાં જેલમાં લખ્યું હતું. પાકિસ્તાનમાં તેના પ્રકાશન પર પ્રતિબંધ હતો એટલે જેલની દીવાલોમાંથી ગુપ્ત રીતે તેને બહાર લાવી ભારતની ખાનગી પ્રકાશનસંસ્થાએ તેનું પ્રકાશન કર્યું હતું.

મહેબૂબ દેસાઈ