ભુજિયો : કચ્છના જિલ્લા મથક ભુજથી થોડાક અંતરે ડુંગર ઉપર આવેલો કિલ્લો. ડુંગરના મથાળાનો ભાગ ખૂબ મજબૂત નીચી દીવાલથી ઘેરાયેલો છે. તેમાં દાખલ થવા માટે એક જ પ્રવેશદ્વાર છે. કિલ્લાનો અંદરનો ભાગ ઊંચો-નીચો છે. કિલ્લામાં કેટલાંક મકાનો પણ આવેલાં છે. અંદરના ચોકમાં એક ખૂણામાં ચોકી કરવા માટેનો ટાવર છે. વાસ્તવમાં તે ભુજિયા નાગનું સ્મારક છે. આ ભુજિયો નાગ પાતાળલોકના અધિપતિ શેષનાગનો ભાઈ હોવાની કિંવદન્તી છે. આ ભુજિયો નાગ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢથી આવ્યો હતો. તેણે કચ્છને દૈત્યો અને રાક્ષસોના ત્રાસથી મુક્ત કર્યું હતું.

કચ્છના રાજવી ગોડજી પહેલા(1715–18)ના શાસન દરમિયાન ભુજનો કિલ્લો બાંધવાનું શરૂ થયું હતું. તેમના અનુગામી રાવ દેશળજીના શાસન દરમિયાન દીવાન દેવકરણે ભુજના આ કિલ્લાનું બાંધકામ 1723માં પૂર્ણ કરાવ્યું હતું. અહીં ડુંગરની ટોચ પર કિલ્લામાં ભુજિયા નાગનું મંદિર છે. વળી રાજધાની ભુજના રક્ષણ માટે શહેરને ફરતા કિલ્લાનું વિસ્તરણ કરાયું હતું. નાગપંચમીને દિવસે અથવા શ્રાવણ સુદ પાંચમના દિવસે અહીં મેળો ભરાય છે. કિલ્લો શહેરની પૂર્વ દિશાએ આવ્યો છે. તેનો દેખાવ ભવ્ય છે. કિલ્લામાં ગૉથિક શૈલીનો સુંદર રાજમહેલ આવેલો છે. વિલિયમ કોરની લશ્કરી ટુકડીએ આ કિલ્લો 1819માં કબજે કર્યો હતો.

ભુજિયા કિલ્લાનું પ્રવેશદ્વાર

ભુજિયો નાગ ભુજનો નગરરક્ષક દેવ ગણાય છે. લગ્ન બાદ કેટલાક લોકો છેડાછેડી માટે પગે લાગવા આવે છે. 1822 સુધી ભુજનો કિલ્લો અંગ્રેજ લશ્કરી ટુકડીના કબજામાં હતો. ખોસા લૂંટારુઓની લૂંટફાટ અટકાવવા તથા ભાયાતો અને મહારાવ વચ્ચે ઘર્ષણ થતું રોકવા બ્રિટિશ લશ્કરને ભુજિયા કિલ્લામાં રખાયું હતું.

શિવપ્રસાદ રાજગોર