ભુજ (શહેર)

January, 2025

ભુજ (શહેર) : ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાનું અને ભુજ તાલુકાનું વડું વહીવટી મથક અને શહેર.

ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ : તે 23 15´ ઉ. અ. અને 69 48´ પૂ. રે. પર સ્થિત છે. તે સમુદ્ર સપાટીથી આશરે 110 મીટર ઊંચાઈએ આવેલું છે. તેનો વિસ્તાર આશરે 56 ચો.કિમી. છે. આ શહેરની પૂર્વે ભુજિયો પર્વત, બીજી બાજુ ભુજનો કિલ્લો અને માધાપર ગામથી તે જુદું પડે છે. ભુજિયો પર્વત 251.50 મીટરની ઊંચાઈ ધરાવે છે. તે લગભગ 8 કિમી.નો ઘેરાવો ધરાવે છે. તેનો વિસ્તાર આશરે 4 કિમી. છે. આ પર્વત જુરાસિક વયના ખડકોથી રચાયેલો છે. ભુજ શહેર પણ રેતીખડકો પર વસેલું છે. આ શહેરને હમીરસર સરોવર અને દેશાદસર સરોવરનો લાભ મળે છે. (જે માનવરચિત છે.)

હમીરસર સરોવર

આબોહવા : આ શહેરની ઉત્તરેથી કર્કવૃત્ત પસાર થાય છે. ઉત્તરમાં કચ્છનું રણ આવેલું છે. અહીંની આબોહવા ગરમ પણ અશંતઃ રણ પ્રકારની કહી શકાય. ઉનાળામાં મે માસનું સરેરાશ મહત્તમ અને લઘુતમ દૈનિક તાપમાન અનુક્રમે 38.8 સે. અને 25 સે. જેટલું રહે છે, પરંતુ ક્યારેક 44 સે.થી 47 સે. સુધી પહોંચે છે. 1986ના મે માસની 26મી તારીખે તાપમાન 47.7 સે. નોંધાયું હતું. શિયાળામાં જાન્યુઆરીનું સરેરાશ મહત્તમ અને લઘુતમ દૈનિક તાપમાન અનુક્રમે 26.2 સે. અને 11.2 સે. જેટલું રહે છે. ક્યારેક ઘટીને 5 સે.થી 2 સે. પણ નીચું અનુભવાય છે. 1979ના વર્ષમાં 0.8 સે. જેટલું નીચું નોંધાયું છે. અહીં વરસાદની બાબતમાં ઘણી વિભિન્નતા નોંધાયેલી છે. ઈ. સ. 1899માં વરસાદ ફક્ત 21.9 મિમી. પડ્યો હતો, જ્યારે 1926માં 1,177 મિમી. અને 1959માં 1,160 મિમી. નોંધાયો હતો. મહદ્અંશે દર દસ વર્ષના ગાળા દરમિયાન બે કે ત્રણ વર્ષ વરસાદની અછત અથવા દુષ્કાળ પણ અનુભવાય છે. અહીં એકંદરે વરસાદના દિવસ ફક્ત 15 જ ગણાય છે. અહીં સરેરાશ વરસાદ માત્ર 450 મિમી. જેટલો પડે છે. ચોમાસા દરમિયાન વાતાવરણમાં ભેજનું પ્રમાણ અધિક રહે છે. એકંદરે આ શહેરમાં દિવસ દરમિયાન અસહ્ય ગરમી અનુભવાય છે, પરંતુ રાત્રિ પ્રમાણમાં ઠંડી હોય છે.

અર્થતંત્ર : કચ્છ જિલ્લામાં કપાસ અને મગફળીનો પાક થાય છે. અહીં ત્રણેક તેલમિલો, જિન-પ્રેસ, સાબુનું કારખાનું, આટાની મિલો તથા ખેતીનાં ઓજારોનાં સમારકામનાં કારખાનાં આવેલાં છે. બાંધણીના ગૃહઉદ્યોગ દ્વારા આશરે 25,000 જેટલા કારીગરોને રોજી મળે છે. ચપ્પુ, સૂડી, કાતર બનાવવાના તથા બાટીકકામ, મોચીભરત, અજરખ અને કણબીભરતના ગૃહઉદ્યોગો પણ વિકસ્યા છે. વર્ષો પહેલાં રાવ ગોડજીના શાસન દરમિયાન રામજી માલમે અહીંના સ્થાનિક કારીગરોને ભરતકામ, ચાંદીનાં આભૂષણો, મીનાકારી, ગિલેટકામ તેમજ વિવિધ કલાકારીગરીની ચીજવસ્તુઓ બનાવવામાં માહેર કરેલા; તે પૈકીની મોટા ભાગની કારીગરી તેમના વંશજો આજે પણ કરે છે. આ ઉપરાંત કચ્છમાં મળતી કાચરેતી, બેન્ટોનાઇટ, ચિરોડી, ફટકડી માટેના કાચા માલ સાથે સંકળાયેલા એકમો કાર્યરત છે.

ભુજ સમગ્ર કચ્છ જિલ્લા માટે ખરીદ-વેચાણ માટેનું વિતરણ-કેન્દ્ર છે. અહીંના બજાર-પીઠામાં કાપડ, દવાઓ, રંગ, રસાયણો, લોખંડનો સામાન, ઘઉં, બાજરી, મગફળી, એરંડા, ચા, ખાંડ, ગોળ, વનસ્પતિ, ઘી જેવા માલની આયાત-નિકાસ થાય છે. ઉદ્યોગ, વેપાર અને ખેતી અંગેના ધિરાણ માટે કૉમર્શિયલ બૅંકો, જિલ્લા મધ્યસ્થ સહકારી બૅંક અને જમીન વિકાસ બૅંકોની સુવિધા પણ છે.

પરિવહન : આ શહેર પશ્ચિમ વિભાગનું અમદાવાદ-ભુજ બ્રૉડગેજ રેલમાર્ગનું આખરી જંકશન છે. તે અમદાવાદ, વડોદરા, સૂરત, મુંબઈ, કંડલા, જામનગર, રાજકોટ, દિલ્હી, કૉલકાતા, પુણે, ગાઝિયાબાદ, જયપુર, અજમેર, હાપુર, મોરાદાબાદ, બરેલી, ખડગપુર અને ઉજ્જૈન શહેર સાથે રેલમાર્ગથી સંકળાયેલ છે. રાજ્ય પરિવહન – બસ સેવા દ્વારા તે જિલ્લાનાં તાલુકામથકો અને બંદરો સાથે તેમજ રાજ્યનાં બધાં જ શહેરો સાથે સંકળાયેલ છે. અહીં ખાનગી બસોની પણ સુવિધા ઉપલબ્ધ છે. ભુજ અમદાવાદ, મુંબઈ, રાજકોટ શહેરો સાથે આંતરદેશીય વિમાની સેવાઓ સાથે પણ સંકળાયેલ છે. પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સીમા ભુજથી લગભગ 150 કિમી. અંતરે આવેલી છે. ભુજ અને કરાંચી વચ્ચેનું અંતર 337 કિમી. છે. પરિણામે ભારતે ભુજ ખાતે પશ્ચિમ વિભાગનો હવાઈ બેડો તૈયાર કર્યો છે. ભુજ ખાતે રેડિયોસ્ટેશન અને ટેલિવિઝન કેન્દ્ર કાર્યરત કર્યું છે.

વસ્તી : આ બૃહદ શહેરની વસ્તી (2025 મુજબ) આશરે 3 લાખ છે. જ્યારે શહેરની વસ્તી 2,72,000 જેટલી છે. આ શહેરમાં ધર્મને અન્વયે વસ્તી જોઈએ તો હિન્દુ (68.62%), મુસ્લિમ (25.64%), જૈન (4.02%), શીખ (0.59%), ક્રિશ્ચિયન (0.45%) જ્યારે અન્યની વસ્તી (0.68%) છે. સેક્સ રેશિયો દર 1000 પુરુષોએ 914 મહિલાઓ છે. સાક્ષરતાનું પ્રમાણ લગભગ 70% છે. અહીં મોટે ભાગે કચ્છી, ગુજરાતી, હિન્દી, સિંધી ભાષાનો ઉપયોગ અધિક થાય છે.

કચ્છી ભરતકામ

આ શહેર કચ્છી ભરતકામ, બાંધણી, રોગન કળા, ચર્મની વિવિધ બનાવટો માટે જાણીતું છે. ભુજની નજીક આવેલું ‘ભુજોડી’ ગામ જ્યાં કચ્છી ભરતકામની દુકાનોનું પ્રમાણ અધિક છે. આ શહેર ખાવડાના માવાની અનેક મીઠાઈઓ માટે જાણીતું છે. ખાસ કરીને અહીંનો ગુલાબપાક વધુ જાણીતો છે. આ સિવાય ચિક્કી, દાબેલી અને શાકાહારી બર્ગર પણ વધુ વખણાય છે.

ભુજ શહેરમાં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિકની અનેક શાળાઓ આવેલી છે. જેમાં માતૃછાયા કન્યા વિદ્યાલય, શેઠ વી. ડી. હાઈસ્કૂલ, આર્મી પબ્લિક સ્કૂલ, આલ્ફ્રેડ હાઈસ્કૂલ, ભુજ ઇંગ્લિશ સ્કૂલ, શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય, શિશુકુંજ ઇન્ટરનેશનલ સ્કૂલ વગેરે જાણીતા છે. ક્રાંતિગુરુ સ્વામીજી ક્રિશ્ના વર્મા કચ્છ યુનિવર્સિટી આવેલી છે. 41 કૉલેજો જે આ યુનિવર્સિટી સાથે સંકળાયેલી છે. ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ પણ આવેલ છે. આ સિવાય ગવર્નમેન્ટ પોલિટૅકનિક, શ્રી આર. આર. લાલન કૉલેજ, ઇન્ડસ્ટ્રિયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, જે. બી. ઠાકર કૉમર્સ કૉલેજ વગેરે સંસ્થાઓ આવેલી છે.

ભુજમાં આવેલો કિલ્લો

જોવાલાયક સ્થળો : ભુજનો કિલ્લો, હમીરસર તળાવ, કચ્છ મ્યુઝિયમ, પ્રાગ મહેલ, અંજના મહેલ, શરદબાગ પૅલેસ, રામકુંડ, છત્રાદિ, ભારતીય સંસ્કૃત મ્યુઝિયમ, સ્વામિનારાયણ મંદિર, ભુજિયો કિલ્લો અને ભુજિયા ટેકરી ઉપર આવેલ સ્મૃતિવન, રિજિયોનલ સાયન્સ સેન્ટર, હિલ ગાર્ડન, ત્રિમંદિર, ટપકેશ્વરી ટેમ્પલ, વંદે માતરમ્ મેમોરિયલ (ભુજોડી) અને સ્મૃતિવન અર્થક્વેક મેમોરિયલ ઍન્ડ મ્યુઝિયમ વધુ જાણીતાં છે.

સ્મૃતિવન

આ સિવાય ગુજરાતનું સર્વપ્રથમ સંગ્રહાલય અહીં ખેંગારજી ત્રીજાના શાસન દરમિયાન 1877માં શરૂ કરવામાં આવેલું, તેનું જૂનું નામ ફરગ્યુસન મ્યુઝિયમ છે. હમીરસર તળાવને કિનારે ઇટાલિયન સ્થપતિએ તેની ઇમારતનું બાંધકામ કરેલું. તેમાં વિવિધ હસ્તપ્રતો, ચિત્રપોથીઓ, હડપ્પા સંસ્કૃતિના તથા અન્ય કાળના પુરાતત્ત્વીય અવશેષો, પાળિયાઓ, ખનિજ-નમૂનાઓ કલાકારીગરીના નમૂનાઓ, તામ્રપત્રો, શિલાલેખો વગેરેના વિભાગો છે. અહીં ઇન્ડોગ્રીક, ઇન્ડોરોમન, પાર્થિયન, ક્ષત્રપ, હૂણ, ગુપ્ત, ઇન્ડોસાસાનિયન, મુઘલ, મરાઠા અને બ્રિટિશ કાળના 15,000 જેટલા સિક્કાઓ છે. જૂની સલાટી શૈલીનાં ચિત્રો, આભૂષણો, જુદી જુદી કોમોના વિશિષ્ટ પહેરવેશો તેમજ વિવિધ શસ્ત્રસંગ્રહ જોવાલાયક છે. શહેરનાં અન્ય જોવાલાયક સ્થળો પૈકી કચ્છના ક્રૉમવેલ તરીકે ઓળખાતા ફતેહમામદ જમાદારની કબર, પન્ના મસ્જિદ, રાવ પ્રાગમલજીનો મહેલ, આયના મહલ, રાવ લાખાની છત્રી, ભુજિયા નાગનું મંદિર અને દુર્ગ વિશેષ ઉલ્લેખનીય છે. અહીં હમીરસર, દેશલસર અને પ્રાગસર નામનાં ત્રણ તળાવો આવેલાં છે, તેમની જલસંગ્રહક્ષમતા અનુક્રમે 6,87,50,000 ગૅલનની, 2,42,78,000 ગૅલનની છે, જ્યારે પ્રાગસર ક્રમે ક્રમે સુકાતું ગયેલું છે. અહીં પાંચ બગીચા, સ્વામિનારાયણ મંદિર, હાટકેશ્વર મંદિર, આશાપુરા મંદિર તથા સંભવનાથ જૈન મંદિર છે. અહીં શિવરાત્રિ, નાગપંચમી, જન્માષ્ટમીના, મુસ્લિમ તહેવારોના તથા ઉરસપ્રસંગના મેળા ભરાય છે.

ભટ્ટાર્ક નગરની એક વિશેષતા તેની 1749માં સ્થપાયેલી ‘કવિતાની શાળા’ છે. ગુજરાતની આ પ્રકારની એ પહેલી શાળા હતી. મહારાવશ્રી લખપતજીએ તેની સ્થાપના કરી હતી. કનક કુશળ તેના પ્રથમ ભટ્ટાર્ક કે આચાર્ય નિમાયા. ત્યાં દેશભરમાંથી વિદ્યાર્થીઓ આવતા. 30 પાઠ્યપુસ્તકોમાં કવિતાને સ્પર્શતા સઘળા વિષયો આદરી લેવાયા હતા. શિક્ષણ ભોજન નિવાસ આદિ નિ:શુલ્ક હતાં. દલપતરામ તથા બ્રહ્માનંદ જેવા અહીં ભણ્યા હતા, આમ ભુજ સમગ્ર કચ્છનું મહત્ત્વનું સંસ્કારધામ અને ઐતિહાસિક નગર બની રહેલું છે. 1819માં થયેલા ભૂકંપથી ભુજનાં 7,000 જેટલાં ઘર પડી ગયેલાં તથા શહેરનાં ત્રીજા ભાગનાં મકાનોને નુકસાન પહોંચેલું. 1723માં રાવ ગોડજીએ શહેરને ફરતા બંધાવેલા કોટની ઉત્તર તરફની દીવાલ પણ પડી ગયેલી.

ઇતિહાસ : ભુજની સ્થાપના 1548માં થયેલી છે. 1620માં તત્કાલીન રાજવીએ કચ્છના પ્રદેશ પૂરતું કોરીનું ચલણ અમલમાં મૂકેલું, જે માટે ત્યાં ટંકશાળ પણ બનાવરાવેલી તે હજી આજે પણ જોવા મળે છે. 1723માં શહેર ફરતે દુર્ગ બાંધવામાં આવેલો. 1803ના ગાળા દરમિયાન અહીં જમાદાર ફતેહમામદનું ભારે વર્ચસ્ હતું. 1809માં અંગ્રેજો કચ્છમાં પહેલી વાર આવેલા. 1823માં અહીં દુકાળ પડેલો. 1925માં ગાંધીજીએ કચ્છની મુલાકાત લીધેલી. 1948માં કચ્છ-ભુજનું ગુજરાત રાજ્યમાં વિલીનીકરણ કરવામાં આવેલું છે.

શિવપ્રસાદ રાજગોર

નીતિન કોઠારી