ભુજ : ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાનું વડું વહીવટી મથક અને શહેર. ભૌગોલિક સ્થાન : 23° 15´ ઉ. અ. અને 69° 48´ પૂ. રે. આઝાદી પૂર્વેના કચ્છના દેશી રજવાડાનું રાજધાનીનું મથક. તે ભુજિયા પર્વતની તળેટીમાં વસેલું છે. નગરરક્ષક ગણાતા ભુજિયા નાગ(ભુજંગ)ના અહીં આવેલા સ્થાનક પરથી આ નગરનું નામ પડ્યું હોવાનું મનાય છે. મુસ્લિમ ઇતિહાસકારોએ તેનો ‘સુલેમાનનગર’ તરીકે ઉલ્લેખ કરેલો હોવાની નોંધ મળે છે. અહીંના રાજવી રાવ ખેંગારજી પહેલાએ 1548માં તેને કચ્છના પાટનગર તરીકે પસંદ કરેલું.

ભૂપૃષ્ઠ : ભુજ નગરની અડોઅડ પૂર્વમાં 251.50 મીટરની ઊંચાઈ, 8 કિમી.નો ઘેરાવો તેમજ 4 ચોકિમી. વિસ્તાર ધરાવતો ભુજિયો પર્વત આવેલો છે. તે જુરાસિક વયના ખડકોથી બનેલો છે, ભુજ શહેર પણ જુરાસિક રેતીખડકો પર વસેલું છે. ભુજિયા પર્વતને બાદ કરતાં નગર અને આજુબાજુનો પ્રદેશ સમુદ્રસપાટીથી 98.81 મીટરની સરેરાશ ઊંચાઈ ધરાવતો લગભગ સમતળ સપાટ છે. નગરની પશ્ચિમે હમીરસર નામનું ઘાટબંધ તળાવ આવેલું છે.

જમાદાર ફતેહમહમદનો મહેલ, ભુજ

આબોહવા : કર્કવૃત્ત ભુજની ઉત્તરે નજીકથી પસાર થાય છે. ઉત્તરમાં કચ્છનું રણ આવેલું હોવાથી અહીંની આબોહવા સૂકી અને વિષમ રહે છે. ઉનાળામાં મે માસનું સરેરાશ મહત્તમ અને લઘુતમ દૈનિક તાપમાન અનુક્રમે 38.8° સે. અને 25° સે. જેટલું રહે છે. પરંતુ ક્યારેક તે 44°થી 47° સે. સુધી પણ પહોંચે છે. 26-5-1986ના રોજ અહીં મહત્તમ વિક્રમ તાપમાન 47.8° સે. સુધી પહોંચેલું. શિયાળામાં જાન્યુઆરીનું સરેરાશ મહત્તમ અને લઘુતમ દૈનિક તાપમાન અનુક્રમે 26.2° સે. અને 11.2° સે. જેટલું રહે છે, જે ક્યારેક ઘટીને 5°થી 2° સે. સુધી પણ પહોંચે છે; 1979માં અહીં લઘુતમ વિક્રમ તાપમાન 0.8° સે. સુધી પહોંચેલું. આ નગર નૈર્ઋત્યના મોસમી પવનોના માર્ગથી દૂર આવેલું હોવાથી અહીં સરેરાશ વાર્ષિક વરસાદ માત્ર 350 મિમી.   જેટલો પડે છે. વરસાદી મોસમના બધા મળીને કુલ 14 દિવસો જ ગણાય છે. મોટાભાગનો વરસાદ જુલાઈમાં પડી જાય છે. દસ વર્ષના ગાળા દરમિયાન બે કે ત્રણ વર્ષ વરસાદની અછતનાં કે દુકાળનાં પણ આવી જાય છે. અહીં મોસમનો સૌથી વધુ વરસાદ 1926માં 1,178 મિમી. જેટલો પડેલો છે. જ્યારે એક જ દિવસમાં 461.9 મિમી. વરસાદ 15–7–1959માં પડેલો.

ઉદ્યોગ-વ્યવસાય : કચ્છ જિલ્લામાં કપાસ અને મગફળીનો પાક થાય છે. અહીં ત્રણેક તેલમિલો, જિન-પ્રેસ, સાબુનું કારખાનું, આટાની મિલો તથા ખેતીનાં ઓજારોનાં સમારકામનાં કારખાનાં આવેલાં છે. બાંધણીના ગૃહઉદ્યોગ દ્વારા આશરે 25,000 જેટલા કારીગરોને રોજી મળે છે. ચપ્પુ, સૂડી, કાતર બનાવવાના તથા બાટીકકામ, મોચીભરત, અજરખ અને કણબીભરતના ગૃહઉદ્યોગો પણ વિકસ્યા છે. વર્ષો પહેલાં રાવ ગોડજીના શાસન દરમિયાન રામજી માલમે અહીંના સ્થાનિક કારીગરોને ભરતકામ, ચાંદીનાં આભૂષણો, મીનાકારી, ગિલેટકામ તેમજ વિવિધ કલાકારીગરીની ચીજવસ્તુઓ બનાવવામાં માહેર કરેલા; તે પૈકીની મોટાભાગની કારીગરી તેમના વંશજો આજે પણ કરે છે. આ ઉપરાંત કચ્છમાં મળતી કાચરેતી, બેન્ટોનાઇટ, ચિરોડી, ફટકડી માટેના કાચા માલ સાથે સંકળાયેલા એકમો કાર્યરત છે.

વેપાર : ભુજ સમગ્ર કચ્છ જિલ્લા માટે ખરીદ-વેચાણ માટેનું વિતરણ-કેન્દ્ર છે. અહીંના બજાર-પીઠામાં કાપડ, દવાઓ, રંગ, રસાયણો, લોખંડનો સામાન, ઘઉં, બાજરી, મગફળી, એરંડા, ચા, ખાંડ, ગોળ, વનસ્પતિ, ઘી જેવા માલની આયાત-નિકાસ થાય છે. ઉદ્યોગ, વેપાર અને ખેતી અંગેના ધિરાણ માટે કોમર્શિયલ બૅંકો, જિલ્લા મધ્યસ્થ સહકારી બૅંક અને જમીન વિકાસ બૅંકોની સુવિધા પણ છે.

હમીરસર તળાવના તીરે આવેલાં પ્રાચીન સ્મારકો, સમાધિસ્થાન વગેરે

પરિવહન : ભુજ પશ્ચિમ રેલવિભાગનું અમદાવાદ–ભુજ મીટરગેજ રેલમાર્ગનું આખરી મથક છે. તે અમદાવાદ, પાલનપુર, કંડલા અને ઝુંડ સાથે રેલમાર્ગથી સંકળાયેલું છે. રાજ્ય-પરિવહન-બસસેવા દ્વારા તે જિલ્લાનાં તાલુકામથકો અને બંદરો સાથે તેમજ રાજ્યનાં બધાં જ મુખ્ય શહેરો સાથે જોડાયેલું છે. હવાઈ માર્ગ દ્વારા તે કંડલા, જામનગર, રાજકોટ અને મુંબઈ સાથે પણ જોડાયેલું છે. 1965થી અહીં રેડિયોમથક પણ શરૂ થયેલું છે.

પ્રવાસન : પ્રવાસન ક્ષેત્રે ગુજરાતમાં ભુજનું સ્થાન મહત્વનું છે. ગુજરાતનું સર્વપ્રથમ સંગ્રહાલય અહીં ખેંગારજી ત્રીજાના શાસન દરમિયાન 1877માં શરૂ કરવામાં આવેલું, તેનું જૂનું નામ ફરગ્યુસન મ્યુઝિયમ છે. હમીરસર તળાવને કિનારે ઇટાલિયન સ્થપતિએ તેની ઇમારતનું બાંધકામ કરેલું. તેમાં વિવિધ હસ્તપ્રતો, ચિત્રપોથીઓ, હડપ્પા સંસ્કૃતિના તથા અન્ય કાળના પુરાતત્વીય અવશેષો, પાળિયાઓ, ખનિજ-નમૂનાઓ કલાકારીગરીના નમૂનાઓ, તામ્રપત્રો, શિલાલેખો વગેરેના વિભાગો છે. અહીં ઇન્ડોગ્રીક, ઇન્ડોરોમન, પાર્થિયન, ક્ષત્રપ, હૂણ, ગુપ્ત, ઇન્ડોસાસાનિયન, મુઘલ, મરાઠા અને બ્રિટિશ કાળના 15,000 જેટલા સિક્કાઓ છે. જૂની સલાટી શૈલીનાં ચિત્રો, આભૂષણો, જુદી જુદી કોમોના વિશિષ્ટ પહેરવેશો તેમજ વિવિધ શસ્ત્રસંગ્રહ જોવાલાયક છે. શહેરનાં અન્ય જોવાલાયક સ્થળો પૈકી કચ્છના ક્રૉમવેલ તરીકે ઓળખાતા ફતેહમામદ જમાદારની કબર, પન્ના મસ્જિદ, રાવ પ્રાગમલજીનો મહેલ, આયના મહલ, રાવ લાખાની છત્રી, ભુજિયા નાગનું મંદિર અને દુર્ગ વિશેષ ઉલ્લેખનીય છે. અહીં હમીરસર, દેશલસર અને પ્રાગસર નામનાં ત્રણ તળાવો આવેલાં છે, તેમની જલસંગ્રહક્ષમતા અનુક્રમે 6,87,50,000 ગૅલનની, 2,42,78,000 ગૅલનની છે, જ્યારે પ્રાગસર ક્રમે ક્રમે સુકાતું ગયેલું છે. અહીં પાંચ બગીચા, સ્વામિનારાયણ મંદિર, હાટકેશ્વર મંદિર, આશાપુરા મંદિર તથા સંભવનાથ જૈન મંદિર છે. અહીં શિવરાત્રિ, નાગપંચમી, જન્માષ્ટમીના, મુસ્લિમ તહેવારોના તથા ઉરસપ્રસંગના મેળા ભરાય છે.

ભટ્ટાર્ક નગરની એક વિશેષતા તેની 1749માં સ્થપાયેલી ‘કવિતાની શાળા’ છે. ગુજરાતની આ પ્રકારની એ પહેલી શાળા હતી. મહારાવશ્રી લખપતજીએ તેની સ્થાપના કરી હતી. કનક કુશળ તેના પ્રથમ ભટ્ટાર્ક કે આચાર્ય નિમાયા. ત્યાં દેશભરમાંથી વિદ્યાર્થીઓ આવતા. 30 પાઠ્યપુસ્તકોમાં કવિતાને સ્પર્શતા સઘળા વિષયો આદરી લેવાયા હતા. શિક્ષણ ભોજન નિવાસ આદિ નિ:શુલ્ક હતાં. દલપતરામ તથા બ્રહ્માનંદ જેવાં અહીં ભણ્યા હતા, આમ ભુજ સમગ્ર કચ્છનું મહત્ત્વનું સંસ્કારધામ અને ઐતિહાસિક નગર બની રહેલું છે. 1819માં થયેલા ભૂકંપથી ભુજનાં 7,000 જેટલાં ઘર પડી ગયેલાં તથા શહેરનાં ત્રીજા ભાગનાં મકાનોને નુકસાન પહોંચેલું. 1723માં રાવ ગોડજીએ શહેરને ફરતા બંધાવેલા કોટની ઉત્તર તરફની દીવાલ પણ પડી ગયેલી.

વસ્તી : 1991 મુજબ પરાંઓ સહિત ભુજની વસ્તી 1,10,734 જેટલી છે. તે પૈકી 56,504 પુરુષો અને 54,230 સ્ત્રીઓ છે. અહીં કુલ 71,240 વ્યક્તિઓ અક્ષરજ્ઞાન ધરાવે છે. આ શહેરમાં બાલમંદિરો, પ્રાથમિક શાળાઓ તથા 6 જેટલી ઉચ્ચ/ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને વિનયન-વિજ્ઞાન-વાણિજ્યની કૉલેજો પણ આવેલી છે. સહકારી મંડળી સંચાલન માટે જરૂરી કાર્યકર્તાઓ તૈયાર કરવાની સહકારી શાળા, સરકારી જિલ્લા પુસ્તકાલય, સંગીત વિદ્યાલય, સંસ્કૃત પાઠશાળા, કુરાનના શિક્ષણ માટે મદ્રેસા, સમાજશિક્ષણ-રાત્રિશાળા, નવોદિતોને પ્રોત્સાહન આપતું કલામંડળ, પ્રાચીન નગરો-સ્થળોના સંશોધનને ઉત્તેજન આપતી કચ્છ ઇતિહાસ પરિષદ; કવિસંમેલનો, મુશાયરા વગેરે જેવી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટેનું સાહિત્ય સંશોધન મંડળ તેમજ આરાધના જેવી સંસ્થાઓ પણ છે.

ઇતિહાસ : ભુજની સ્થાપના 1548માં થયેલી છે. 1620માં તત્કાલીન રાજવીએ કચ્છના પ્રદેશ પૂરતું કોરીનું ચલણ અમલમાં મૂકેલું, જે માટે ત્યાં ટંકશાળ પણ બનાવરાવેલી તે હજી આજે પણ જોવા મળે છે. 1723માં શહેર ફરતે દુર્ગ બાંધવામાં આવેલો. 1803ના ગાળા દરમિયાન અહીં જમાદાર ફતેહમામદનું ભારે વર્ચસ્ હતું. 1809માં અંગ્રેજો કચ્છમાં પહેલી વાર આવેલા. 1823માં અહીં દુકાળ પડેલો. 1925માં ગાંધીજીએ કચ્છની મુલાકાત લીધેલી. 1948માં કચ્છ-ભુજનું ગુજરાત રાજ્યમાં વિલીનીકરણ કરવામાં આવેલું છે.

26 જાન્યુઆરી 2001ના રોજ અહીં થયેલા ભીષણ ભૂકંપથી મોટા ભાગનું ભુજ ધરાશાયી થઈ ગયું છે.

શિવપ્રસાદ રાજગોર