ભીમ (2) (ઈ. સ. 1410માં હયાત) : મધ્યકાલીન ગુજરાતી ભાષાના ‘રાસયુગ’ અને ‘આદિભક્તિયુગ’ના સંધિકાલે ‘સદયવત્સચરિત’ શીર્ષકથી ‘લૌકિક કથા’-કાવ્ય આપી ગયેલો ભીમ નામનો કથાકવિ. ઈ. સ. 1410માં તે હયાત હતો એવું એના એકમાત્ર ઉપર કહેલા કાવ્યના અંતભાગ ઉપરથી જાણવામાં આવ્યું છે. આ કાવ્યમાંના કેટલાક ઉતારા લઈ કવિની આ ગણ્ય કોટિની રચનાનો ચિમનલાલ ડાહ્યાભાઈ દલાલે થોડો પરિચય આપેલો. એનાથી એ વિશે થોડી માહિતી પ્રથમ વાર મળેલી. આ પછી ડૉ. મંજુલાલ રણછોડલાલ મજમુદારે વડોદરાના પ્રાચ્યવિદ્યામંદિરના હસ્તલિખિત ગ્રંથસંગ્રહમાંની નં. 5252, 6124 અને 6125 (તૂટક) – એ ત્રણ પ્રતોના આધારે અધિકૃત વાચના આપી આ કાવ્ય પ્રસિદ્ધ કર્યું ત્યારે જ કવિની શક્તિનો વિદ્વાનોને ખ્યાલ આવ્યો. કવિએ જુદા જુદા માત્રામેળ છંદોમાં 672 જેટલી કડીઓ આપી છે. કવિએ પ્રતિજ્ઞા કરી છે, એ પ્રમાણે નવે રસથી સમૃદ્ધ આ રચના આપી છે. તે 1432ની કૃતિ હોવાથી ભાષાની ર્દષ્ટિએ મધ્યકાલીન ગુજરાતીની પહેલી ભૂમિકાનો અપભ્રંશનો થોડો અંશ જાળવતી સંધિકાલની ભાષાનો નમૂનો પૂરો પાડે છે.

કે. કા. શાસ્ત્રી