ભીમવ્વા ડોડ્ડાબલપ્પા શિલ્લેક્યતારા (જ. 1 જૂન, 1929 મોરનહલ્લી, જિ. કોપ્પલ, કર્ણાટક) : કઠપૂતળી કલા તોગાલુ ગોમ્બેયાતાના વિશ્વપ્રસિદ્ધ કલાકાર.
કર્ણાટકની વિચરતી જનજાતિની કઠપૂતળી કલાકાર શિલ્લેક્યતારાએ ચામડાની કઠપૂતળીના પરંપરાગત સ્વરૂપનું જતન અને સંવર્ધન કર્યું છે. તેઓ છેલ્લા સાત દાયકાથી વધુ સમયથી તોગાલુ ગોમ્બેયાતા ભજવે છે. આ એક પરંપરાગત કલાસ્વરૂપ છે. આ કઠપૂતળી કલાનો ઉપયોગ જનજાગરણ માટે વાર્તા કહેવા તેમજ રામાયણ અને મહાભારતની કથાઓ સમાજ સુધી પહોંચાડવા માટે થાય છે. તેમણે રામાયણ તેમજ મહાભારતનાં અઢાર પર્વો કઠપૂતળીની કલાના માધ્યમથી રજૂ કર્યાં છે. વિરાટપર્વ, કુરુક્ષેત્ર, લવકુશકાલ, દ્રૌપદી વસ્ત્રહરણ, આદિપર્વ, સર્પપર્વ તેમજ સાંપ્રત ઘટનાઓને આ કલા દ્વારા પ્રસ્તુત કર્યાં છે. તેમણે તેમનું સમગ્ર જીવન કઠપૂતળીની કલાને સમર્પિત કર્યું છે. આજે પણ તેઓ પોતાનાં બાળકો અને સગાંસંબંધીઓને આ કલા શીખવી રહ્યાં છે.

ભીમવ્વા ડોડ્ડાબલપ્પા શિલ્લેક્યતારા
તેમણે ભારત ઉપરાંત અમેરિકા, જર્મની, જાપાન, ફ્રાંસ, ઇટાલી, સ્વિટ્ઝર્લૅન્ડ, સાઉદી અરબ, તહેરાન, દુબઈ જેવા અનેક દેશોમાં કઠપૂતળી-કલા પ્રસ્તુત કરી છે. એમણે કર્ણાટક સરકારના હજારો સાંસ્કૃતિક કાર્યક્રમોમાં કલા રજૂ કરી છે. એમણે હમ્પી ઉત્સવ, કનકગિરિ ઉત્સવ, અને ગુંડી ઉત્સવ, મૈસૂર દશહરા ઉત્સવ, કોપ્પલ જિલ્લા ઉત્સવ, હોરાનાડુ ઉત્સવ, લક્કુંડી ઉત્સવ, દરવાડા ઉત્સવ, બૅંગાલુરુ, ઉત્સવ કિટ્ટૂર ઉત્સવ, સાંગોલી રાયન્ના ઉત્સવ, બેલવાડી મલ્લમ્મા ઉત્સવ, ગોમ્બે હેરિટેજ ઉત્સવ, લોકઉત્સવ, જનપાડા ઉત્સવ જેવા અનેક ઉત્સવોમાં પોતાનું કલાકૌશલ્ય બતાવ્યું છે. આ ઉપરાંત એમણે કન્નડ સંસ્કૃતિ વિભાગ દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ સુગ્ગી હુગ્ગી ઉત્સવ અને બીજા સરકારી અને બિનસરકારી કાર્યક્રમોમાં ચામડાની કઠપૂતળી કલાનું નિદર્શન કરીને કલાનો પ્રચાર-પ્રસાર કર્યો છે.
તેમણે કઠપૂતળી દ્વારા કરેલ કાર્યો બદલ તેમને અનેક પુરસ્કારો અને સન્માનો પ્રાપ્ત થયાં છે. 1992માં તેરાન કંટ્રી ઇન્ટરનેશનલ ગોમ્બે ઉત્સવ પુરસ્કાર, વર્ષ 2004-05માં જનપદ યક્ષગાન પુરસ્કાર, પ્રદર્શન કલા અધ્યયન પુરસ્કાર, 2014માં કર્ણાટક રાજ્યોત્સવ પુરસ્કાર, 2021-22માં જનપદશ્રી પુરસ્કાર, હમ્પી ઉત્સવ પુરસ્કાર અને અનેગુંડી ઉત્સવ પુરસ્કાર, ગોમ્બેથી પુરસ્કૃત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત એમને કર્ણાટક સરકારે હેરિટેજ ફેસ્ટિવલ ઍવૉર્ડ, મૈસૂર દશહરા ફેસ્ટિવલ ઍવૉર્ડ, દરવાડા ફેસ્ટિવલ ઍવૉર્ડ, કોપ્પલ જિલ્લા રાજ્યોત્સવ ઍવૉર્ડ, બેલવાડિમલમ્મા ઍવૉર્ડ, કિત્તોરુ ફેસ્ટિવલ ઍવૉર્ડથી સન્માનિત કર્યા છે.
અનિલ રાવલ