ભીમબેટકા

January, 2001

ભીમબેટકા : ભોપાલથી 40 કિમી. દક્ષિણે આવેલી પ્રાગૈતિહાસિક કાળનાં ચિત્રો ધરાવતી ગુફાઓ. તેમની સંખ્યા આશરે પાંચસોની છે. તેમાંની બસો ગુફાઓની  બધી જ છતો અને ભીંતો પર સફેદ અને  ગેરુ રંગથી ચિત્રાંકન કરવામાં આવેલ છે. ગેરુ રંગમાં પણ ઘેરા મરુનથી માંડીને કેસરી સુધીની વિવિધ છટાઓ જોવા મળે છે.

વિવિધ પુરાતત્વવિદો ભીમબેટકાનાં ચિત્રોને ઈ.પૂ. 10,000 વરસથી માંડીને ઈસુની પહેલી સદી (100) સુધીના સમયનાં માને છે.

અહીં વિષયોનું વૈવિધ્ય છે. તેમાં પ્રાણીચિત્રોનું બાહુલ્ય છે. પ્રાણીઓ વાસ્તવિક કરતાં મોટા કદમાં પ્રભાવક રીતે ચીતરાયાં છે. તેમની સરખામણીમાં માનવ-આકૃતિઓ દૂબળી-પાતળી અને નગણ્ય જણાય છે. પ્રાણીચિત્રોમાં મોટાભાગનાં ર્દશ્યો શિકારનાં છે.

ભાલા, તીરકામઠાં, દોરડાં કે જાળ સ્પષ્ટ રીતે આલેખાયેલાં છે. મધ્ય પ્રદેશના હાલના આદિવાસીઓ પહેરે છે તેવાં મસ્તિષ્ક-ઢાંકણો (headgears) પહેરેલી માનવ-આકૃતિઓ આલેખેલી છે. આવી માનવ-આકૃતિઓ ટોળીની સરદાર હોવાનું સંભવે છે તેવું નિષ્ણાતોનું મંતવ્ય છે. લગભગ દરેક શિકાર-ર્દશ્યમાં મસ્તિષ્ક-ઢાંકણ પહેરેલી એક માનવ-આકૃતિ જોવા મળે છે, પરંતુ શિકારની ક્રિયામાં તે પ્રવૃત્ત થતી નથી.

સ્ત્રી-આકૃતિઓ પણ શિકારની ક્રિયામાં ભાગ લેતી નથી. આથી સ્ત્રીઓ ઘરગથ્થુ કાર્યો કરતી અને બાળકોની જવાબદારી સંભાળતી એવા અનુમાનને સમર્થન મળે છે. મૂળિયાં અને ફળો એકઠાં કરતી, માછીમારી કરતી અને જમીનનાં દરોમાંથી ઉંદર અને એવાં અન્ય નાનાં પ્રાણી-પંખીઓ પકડતી અને તેમનો શિકાર કરતી સ્ત્રીઓ અહીં ચિત્રિત થઈ છે.

વિશાળ સમુદાયમાં માનવો જીવતા હોય તેવું અનુમાન ચિત્રો પરથી કરવામાં આવ્યું છે; પરંતુ કુટુંબનું એકમ અસ્તિત્વમાં આવ્યું હતું કે નહિ તે વિવાદાસ્પદ છે. સંભોગક્રિયાનાં ચિત્રો પણ મળી આવ્યાં છે. પણ ચિત્રકારનો આશય બીભત્સ આનંદ મેળવવાનો કે આપવાનો જણાતો નથી.

શિકારનાં ચિત્રોમાં કલ્પિત પ્રાણીઓના શિકારનાં ચિત્રોનો પણ સમાવેશ થાય છે; જેમાં ચાંચવાળાં/દાંતવાળાં શાહમૃગ જેવાં પક્ષીઓ, વિરાટ કરચલા, ભેંશ જેવાં શરીર અને શિંગડાંવાળા વરાહનો સમાવેશ થાય છે. શિકારની ક્રિયા દરમિયાન આ પ્રાણીઓ માનવીઓની પાછળ દોડતાં અને ભોંય પર વીર્યસ્રાવ કરતાં જણાય છે. આ વીર્યસ્રાવમાંથી ભૂંડનાં નાનાં બચ્ચાં જન્મતાં બતાવાયાં છે.

ચિત્રોના એક પછી એક પડ મળી આવ્યાં છે. એ પરથી જણાય છે કે ચિત્રો કરતાં ચિત્રો કરવાની પ્રક્રિયા વધુ અગત્યની હતી.

પ્રાગૈતિહાસિક કાળના અંત પછી ઐતિહાસિક કાળમાં પણ અહીં ચિત્રો ચીતરવાનું ચાલુ રહ્યું હશે એવું કેટલીક ગુફાઓની ભીંતો પરથી મળી આવેલ કુશાન સમયની શંખ-લિપિ પરથી અનુમાન કરવામાં આવેલું છે.

અહીં ખોદકામ કરતાં માનવ-હાડપિંજરો અને પથ્થરનાં સાધનો મળી આવ્યાં છે. માનવ-હાડપિંજરો ચોક્કસ અંગભંગિમાં મળી આવ્યાં છે. એ પરથી અનુમાન કરવામાં આવે છે કે તેમની વ્યવસ્થિત દફનવિધિ કરવામાં આવતી હશે.

ભીમબેટકા ખાતેની ગુફાઓની શોધ વિખ્યાત પુરાતત્ત્વવિદ હરિભાઉ વાકણકરે વીસમી સદીના છઠ્ઠા દાયકા(1957)માં કરી હતી.

અમિતાભ મડિયા