ભિન્નમાલ

January, 2001

ભિન્નમાલ : પ્રાચીન ગુર્જરદેશનું પાટનગર. સાતમી સદીમાં શ્રીમાલ-ભિલ્લમાલ-ભિન્નમાલની આસપાસનો પ્રદેશ ગુર્જરદેશ કહેવાતો. આ પ્રદેશ હાલ આબુના વાયવ્યે, આજના રાજસ્થાનના નૈર્ઋત્ય ભાગમાં આવેલો છે. પ્રાચીન ગુર્જરદેશનું પહેલું રાજકીય તથા સાંસ્કૃતિક પાટનગર શ્રીમાલ કે ભિલ્લમાલ ગણાય છે. ભિલ્લમાલ અંગે શ્રીમાલપુરાણ કે શ્રીમાલમાહાત્મ્ય રચાયું છે. આ પુરાણમાં એના નામ પડવા અંગેની કથા આપેલી છે. શ્રીમાલમાં કલિયુગ આવેલો જાણીને લક્ષ્મી ત્યાંથી ચાલી ગઈ ને એના જવાથી શૂન્ય થયેલા શ્રીમાલનું ‘ભિન્નમાલ’ નામ થયું !

ગુર્જરોની આ રાજધાની ભિન્નમાલની મુલાકાત સાતમા સૈકામાં ચીની યાત્રી યુઅન શ્વાંગે લીધી હતી અને તેનું વિસ્તારથી વર્ણન પણ કર્યું છે. આ નગર 32 કિમી.ના વિસ્તારમાં પથરાયેલું અને તેની રચના ચતુરસ્ર પ્રકારની હતી. આ નગરની પૂર્વ દિશામાં રહેતા વૈશ્યો ‘પ્રાગ્વાટ’ નામે દક્ષિણના ‘ધનોત્કટ’ અને પશ્ચિમ અને ઉત્તરના ‘શ્રીમાળી’ નામે જાણીતા થયેલા.

શ્રીમાલમાં જળવાયેલી પ્રણાલી મુજબ જગત્સ્વામી કે સૂર્યનું સૌપ્રથમ મંદિર ઈ. સ. 166માં બંધાયું. ઈ. સ. 209માં નગરનો નાશ થયો. ઈ. સ. 438માં રાક્ષસોએ આ નગરનો ફરીથી નાશ કર્યો અને ઈ. સ. 644માં નગર ફરીથી વસ્યું. ઈ. સ. 844માં ત્રીજી વખત નગરનો નાશ થયો. ઈ. સ. 899માં તે ફરીથી વસ્યું અને પછી બાર સૈકાઓ સુધી એની સમૃદ્ધિ ટકી રહી.

ભિન્નમાલની પ્રમાણભૂત લિખિત માહિતી વર્મલાતના સમયનો ઈ. સ. 626નો શિલાલેખ પૂરી પાડે છે. ‘પ્રભાવકચરિત’ના મતે એ શ્રીમાલનો રાજા હતો.

ભિન્નમાલનો રાજકીય ઇતિહાસ તપાસતાં જણાય છે કે વર્મલાત ઈ. સ. 626 પછી ચાપ વંશનો રાજા વ્યાઘ્રમુખ ઈ. સ. 628માં રાજ્ય કરતો હતો. ચાપો પછી ભિન્નમાલમાં પ્રતીહારો રાજ્ય કરતા હતા. સૌપ્રથમ પ્રતીહાર રાજા નાગભટ હતો. નાગભટનું સામ્રાજ્ય ઉત્તરમાં મારવાડથી દક્ષિણમાં ભરૂચ સુધીનું હતું. ત્યારપછી બે રાજા કાકુત્સ્થ અને દેવરાજ થઈ ગયા અને પછી આવ્યો વત્સરાજ. એના પછી એનો પુત્ર નાગભટ બીજો ગાદીએ આવ્યો. એ ‘નાગાવલોક’ નામે જાણીતો હતો. એણે કનોજના રાજા ચક્રાયુધને હરાવી એ સામ્રાજ્યનો વડો થયો. જોધપુર રાજ્યના એક ગામડામાંથી એનો ઈ. સ. 716નો લેખ મળ્યો છે. એ ભગવતીનો મહાન ભક્ત હતો. તે ઈ. સ. 834માં મૃત્યુ પામ્યો. ત્યાર પછી ગુર્જરોની રાજધાની કાન્યકુબ્જ થઈ.

માળવાના પરમાર રાજા સિંધુરાજ(ઈ. સ. 994થી 1011)ના પુત્ર દૂસલે ભિન્નમાલમાં અલગ શાખા સ્થાપી. એ શાખાની સત્તા ત્યાં બારમી સદી સુધી રહી.

ભિન્નમાલમાં ઉત્ખનન અને સ્થળતપાસ દ્વારા રાતાં ચળકતાં માટીનાં પાત્રો અને કાળાં અને રાતાં મૃત્પાત્રોના અવશેષ મળી આવ્યા છે. આ ઉપરાંત રોમન સામ્રાજ્યના સમયનાં મૃત્પાત્રોના અવશેષ નવલખેશ્વર મહાદેવના ટેકરા ઉપરથી મળી આવ્યા છે. આ અવશેષો બતાવે છે કે શ્રીમાલ-ભિન્નમાલની વસાહત ખ્રિસ્તી સંવતની પૂર્વેના સમયમાં તેમજ એની આરંભિક સદીઓમાં આબાદ હતી.

ભિન્નમાલ-શ્રીમાલમાં એક હજાર બ્રહ્મશાળાઓ અને ચાર હજાર મઠો હતા, જેમાં જુદી જુદી વિદ્યાશાખાઓના વિષયો ભણાવવામાં આવતા હતા. આ રીતે શ્રીમાલ મહાન વિદ્યાપીઠનું ધામ હતું. તે જૈનવિદ્યાનું પણ મહત્વનું કેન્દ્ર હતું. ત્યારપછી અણહિલવાડ-પાટણ શ્રીમાલની વિદ્યાકીય પ્રવૃત્તિનું પ્રેરણાનું કેન્દ્ર રહ્યું.

ભિન્નમાલનો ધાર્મિક ઇતિહાસ જોતાં તે શૈવ અને વૈષ્ણવ તીર્થસ્થળ છે. ત્યાં બૌદ્ધ ધર્મ પ્રચારમાં હતો. જૈન ધર્મ પણ મહત્વનું સ્થાન ધરાવતો હતો. અહીં લોકાયતિક મતના અનુયાયીઓ પણ હતા.

શ્રીમાલપુરાણમાં આપેલી ‘સારિકોપાખ્યાન’ નામની કથાને આધારે કહી શકાય કે પશ્ચિમ તરફના ભયના મુખ્ય કારણથી શ્રીમાલની પડતી થઈ અને પરિણામે શહેરનો નાશ થયો. ઐતિહાસિક ર્દષ્ટિએ જોતાં જણાય છે કે ગુજરાતના મહાન સોલંકીઓએ પોતાનો રાજ્યવિસ્તાર મારવાડ સુધી અર્થાત્ હાલના પશ્ચિમ રાજસ્થાન સુધી વિસ્તાર્યો અને એ જ હકીકત શ્રીમાલપુરાણમાંની કથામાંથી પ્રાપ્ત થાય છે.

રામજીભાઈ ઠા. સાવલિયા