ભિન્નતાલક્ષી મનોવિજ્ઞાન

January, 2001

ભિન્નતાલક્ષી મનોવિજ્ઞાન (differential psychology) : વર્તનમાં રહેલા વ્યક્તિગત (અને કેટલાક જૂથગત) ભેદોનું વસ્તુલક્ષી ગુણાત્મક અને સંખ્યાત્મક અન્વેષણ કરતું વિજ્ઞાન. માણસોની ભિન્નતાઓ બે પ્રકારની હોય છે : (1) એક વ્યક્તિ અને બીજી વ્યક્તિ વચ્ચેના તફાવતો અને (2) એક જ વ્યક્તિમાં જુદા જુદા સમયે પ્રગટતા તફાવતો. ચહેરાનો આકાર, કે વ્યક્તિત્વ-લક્ષણો ગુણાત્મક ભેદો કહેવાય; જ્યારે વ્યક્તિનો બુદ્ધિ-આંક, સ્મૃતિવિસ્તાર વગેરે સંખ્યાત્મક ભેદો કહેવાય. ભિન્નતાલક્ષી મનોવિજ્ઞાન વર્તનની ભિન્નતાઓનું સ્વરૂપ, તેનો વિસ્તાર, કારણો અને સંબંધોનો અભ્યાસ કરે છે. ભિન્નતાઓ ફક્ત કેળવાયેલા લોકોમાં જ હોતી નથી; નિરક્ષર અને પછાત ગણાતા લોકોમાં, હાથી કે વાંદરા જેવાં પ્રાણીઓમાં, મરઘાં જેવાં પક્ષીઓમાં અને મધમાખી કે કીડી જેવાં જંતુઓમાં પણ હોય છે.

આકૃતિ 1 : સામાન્ય વસ્તીમાં 55થી 70 સુધીના બુદ્ધિઆંકવાળા લોકોનું પ્રમાણ 2.14 ટકા હોય છે, જ્યારે 100થી 115 બુદ્ધિઆંકવાળાનું પ્રમાણ 34.13 ટકા હોય છે.

ભિન્નતાઓનું વિતરણ : માનવજાતિમાં ભિન્નતાઓ એકસરખી રીતે વહેંચાયેલી હોતી નથી. મોટાભાગની જૈવમાનસિક અને સામાજિક ભિન્નતાઓનું સમધારણ વિતરણ થયેલું હોય છે, પણ કેટલાંક લક્ષણોમાં રહેલી ભિન્નતાઓનું વિતરણ ધન કે ઋણ વિરૂપ રીતે થયું હોય છે.

અનુવંશ અને વાતાવરણને કારણે ભિન્નતાઓ ઊપજે છે. ટ્રિયોને પસંદગીયુક્ત ઓલાદના પ્રયોગ દ્વારા શોધ્યું છે કે ભુલભુલામણી શીખવામાં ઉંદરોની તેજસ્વિતા કે મંદતા વારસામાં ઊતરે છે. બીજી બાજુ, કેલોગ દંપતીએ ચિમ્પાન્ઝીના શિશુને 9 માસ સુધી માનવબાળકની જેમ ઉછેર્યું; એને લીધે તે જાતે કપડાં અને બૂટ પહેરે, ટટ્ટાર ઊભા થઈ બે પગે ચાલે, પ્યાલામાંથી પાણી પીએ, અને 50થી વધુ અંગ્રેજી શબ્દોનો અર્થ સમજે : આવું સામાન્ય ચિમ્પાન્ઝીથી ભિન્ન વર્તન પ્રગટ થયું.

જુદી જુદી માનવ-સંસ્કૃતિઓમાં બાળ-ઉછેરની જુદી જુદી પદ્ધતિઓને લીધે માનવ-માનવ વચ્ચે ભાષા, રીતભાત વગેરેમાં નોંધપાત્ર ભિન્નતા આવે છે. કેટલાંક અપવાદરૂપ માનવ-બાળકોને જન્મ પછી ટૂંકસમયમાં ત્યજી દેવાય ત્યારે તે જંગલમાં પ્રાણીઓની વચ્ચે ઊછરે છે. તેમનું વર્તન માનવકુટુંબમાં ઊછરેલા બાળક કરતાં જુદું હોય છે; દા.ત., તે બે હાથ અને બે પગ વડે ચાલે છે, કિકિયારીઓ પાડે છે, ભાષા બોલતું નથી, ઘાસ, પાંદડાં અને માંસ ખાય છે, નગ્ન અવસ્થામાં રહે છે અને ઓછા અજવાળામાં જોવાની અને સૂંઘવાની ચડિયાતી શક્તિ ધરાવે છે. બાળપણથી 17 વર્ષ સુધી માનવ-સંપર્ક વિના રહેલા જર્મન કિશોર કાસ્પર હોઝરના વર્તનમાં વાતાવરણની વંચિતતાને લીધે માનસિક ખામી આવેલી નોંધાઈ છે. હેમિલ્ટન કહે છે કે શાબ્દિક કાર્યો કરવામાં રહેલા 56 %થી 84 % જેટલા તફાવતો જુદા જુદા મહાવરાને લીધે ઊપજે છે. બુદ્ધિની ઊતરતી કક્ષાવાળાં બાળકોને જો બૌદ્ધિક કાર્યોની ખાસ તાલીમ અપાય તો તેમની બુદ્ધિકક્ષા સુધરે છે અને તેમની અને સરેરાશ બુદ્ધિવાળાં બાળકો વચ્ચેનો તફાવત ઘટી જાય છે.

સાથે સાથે ઊછરેલાં એકદળ જોડિયાં બાળકો વચ્ચે બુદ્ધિઆંકનો તફાવત 5.9, જ્યારે જુદાં જુદાં ઊછરેલાં એકદળ જોડકાં વચ્ચેનો તફાવત 8.2 જણાયો છે. લીહી કહે છે કે સંતાનોનો સગાં માબાપના બુદ્ધિ-આંક સાથેનો સહસંબંધ 0.51 હોય છે; પાલક પિતા સાથેનો 0.19 અને પાલક માતા સાથેનો 0.24 હોય છે; પણ જો પાલક માતાપિતા સંતાનને સ્નેહથી અને કાર્યક્ષમ રીતે ઉછેરે તો તે સંતાન પુખ્ત બને ત્યારે સારું વ્યાવસાયિક અને સામાજિક સમાયોજન સાધી શકે છે.

શરૂઆતમાં ઘર-ઘર વચ્ચેના અલગ વાતાવરણને લીધે બાળકોનાં બૌદ્ધિક કાર્યોમાં મોટી ભિન્નતા આવે છે; પણ એકસરખા પડોશમાં અને એક જ શાળાના સરખા વાતાવરણમાં વર્ષો વીત્યાં પછી બાળકો વચ્ચેની ભિન્નતામાં ઘટાડો થાય છે.

મોટાભાગના અનાથાશ્રમોનું વાતાવરણ બાલવિકાસને પૂરતા પ્રમાણમાં પ્રેરી શકતું નથી. તેથી સરેરાશ અનાથાશ્રમનાં બાળકોની બૌદ્ધિક શક્તિઓ પાલિત બાળકો કરતાં પણ ઓછી હોય છે. જો તેમને પાલક માબાપનું ધ્યાન અને તેમનો સ્નેહ મળે તો તેમની શક્તિમાં 27 % સુધીનો વધારો થઈ શકે છે.

માથાની લંબાઈ-પહોળાઈ, મસ્તિષ્ક-છાલની જાડાઈ કે તેમાં ગડીઓની સંખ્યા સાથે કે મગજના રાસાયણિક બંધારણ સાથે માનસિક શક્તિઓની ભિન્નતાને કોઈ સંબંધ નથી. ચહેરાના કે હાથના આકાર અને વ્યક્તિત્વલક્ષણો વચ્ચે અત્યંત નીચા કે શૂન્ય અને અસંગત સહસંબંધો જોવા મળે છે. દેહાકૃતિ વડે વ્યક્તિત્વની ભિન્નતાઓને ઓળખવાના દાવા થાય છે, પણ તે માટે વૈજ્ઞાનિક રીતે સ્વીકાર્ય બને એવા પુરાવા મળતા નથી.

માનસિક સ્વસ્થ વ્યક્તિ કરતાં અપસ્મારના રોગીનો તેમજ કેટલાક વિકૃત વર્તન કરનારાઓનો વિદ્યુત-મસ્તિષ્ક-આલેખ (ઇ. ઇ. જી.) જુદો હોય છે. ગળાના કાકડા અને એના જેવી બીજી નાની નાની શારીરિક તકલીફોથી પીડાતા માણસોની જ્ઞાનાત્મક અને બૌદ્ધિક ક્રિયાઓ સ્વસ્થ માણસ કરતાં ઊતરતી હોય છે; પણ એમાં શારીરિક તકલીફોની અસર સીધી નહીં પણ આડકતરી રીતે થાય છે. અંત:સ્રાવી ગ્રંથિઓનાં કાર્યોમાં અનિયમિતતા આવવાથી વર્તનમાં વિકૃતિ ઊપજવાની શક્યતામાં વધારો થાય છે.

પ્રાણવાયુની અછતને લીધે, સંવેદન, કારકક્રિયાઓ તેમજ બૌદ્ધિક અને આવેગાત્મક ક્રિયાઓમાં પરિવર્તન આવે છે. આરંભના બાળપણમાં પોષકતત્વો વિનાનો આહાર લેવાથી બૌદ્ધિક કાર્યશક્તિ ઘટે છે. પ્રજીવક ‘બી’ની ઊણપને લીધે ઉત્તેજનશીલતા, ધુનીપણું અને ખિન્નતા ઘણા મનુષ્યોમાં આવે છે.

શૈશવથી તરુણવય સુધીમાં વ્યક્તિગત ભિન્નતાઓમાં ઝડપી વધારો થાય છે; જ્યારે મધ્ય વય પછી તેમાં ઘણો ઓછો વધારો થાય છે. આવી ભિન્નતાઓ માટે મુખ્યત્વે વિશિષ્ટ અભિયોગ્યતાઓ (aptitudes) અને અભિરુચિઓનો વિકાસ જવાબદાર હોય છે.

સાહિત્ય, સંગીત, કળા, વિજ્ઞાન વગેરે ક્ષેત્રોમાં કઈ ઉંમરે વ્યક્તિ વધુમાં વધુ સર્જનશીલ હોય છે તેનો અભ્યાસ થયો છે. એ સૂચવે છે કે વૈજ્ઞાનિકો 25થી 40 વર્ષે સૌથી વધારે શોધો કરે છે, જ્યારે લેખકોની સર્જનશીલતા 40થી 50ની ઉંમરે સૌથી વધારે હોય છે.

પ્રસિદ્ધ વ્યક્તિના નજીકનાં સગાંઓમાં એવી જ પ્રસિદ્ધ બીજી વ્યક્તિ હોવાની ટકાવારીનો ગાલ્ટનનો અભ્યાસ સૂચવે છે કે સગપણની ગાઢતા મુજબ ન્યાયાધીશોમાં ટકાવારી 4થી 36 સુધીની, રાજપુરુષોમાં 5 %થી 49 %, લશ્કરી ઉચ્ચ-અધિકારીઓમાં 8 %થી 50 % સાહિત્યકારોમાં 3 %થી 51 %, વૈજ્ઞાનિકોમાં 5 %થી 60 % જ્યારે ચિત્રકારોમાં 1 %થી 89 % હતી. આમ અમુક કુટુંબોમાં નામાંકિત વ્યક્તિઓ ઘણી વધારે જોવા મળે છે તો બીજાં કેટલાંક કુટુંબોમાં ઊતરતી કક્ષાના માણસો વધારે જોવા મળે છે. યુ.એસ.ના જ્યુકસ કુટુંબમાં રખડુઓ, રોગિષ્ઠ લોકો, અનૈતિક આચરણ કરનારાઓ અને કેદીઓનું પ્રમાણ અત્યંત વધારે જણાયું હતું, માર્ટિન કાલિકાક નામના પુરુષનાં સારી સ્ત્રી સાથેના લગ્નથી થયેલ વંશવારસોમાં ત્રણ પેઢી સુધીનાં બધાં જ સ્વસ્થ (normal) કે મોભાદાર હતાં, જ્યારે મંદબુદ્ધિની સ્ત્રી સાથેના સંબંધથી થયેલા 10માંથી 8 વંશવારસો મંદબુદ્ધિનાં હતા. આવી ભિન્ન ભિન્ન અસરોમાં વારસો અને વાતાવરણ બન્નેનો ફાળો હોય છે. સુપ્રજનનશાસ્ત્રની ર્દષ્ટિએ આ મુદ્દો મહત્વનો છે.

આકૃતિ 2 : વ્યક્તિની વિવિધ અભિયોગ્યતાઓનો પાર્શ્વ આલેખ

પિતા અને સંતાન વચ્ચે મનોવલણોમાં વધારે સામ્ય, જ્યારે આવેગોમાં વધારે ભિન્નતા જોવા મળે છે. ભાંડુઓના બુદ્ધિઆંક વચ્ચેનો સહસંબંધાંક 0.53 જણાયો છે. કુટુંબમાં પ્રથમ ક્રમે જન્મેલાં સંતાનો અમૂર્ત અને શાબ્દિક કાર્યોમાં ચડિયાતાં હોય છે, જ્યારે બીજા ક્રમે જન્મેલાં સંતાનો નક્કર, ક્રિયાત્મક કાર્યોમાં ચડિયાતાં હોય છે. ભાંડુઓનાં વ્યક્તિત્વલક્ષણો વચ્ચે 0.14થી 0.46 સુધીના સહસંબંધાંકો મળ્યા છે.

અંધ, બહેરી-મૂંગી અને અન્ય ખોડવાળી વ્યક્તિની બૌદ્ધિક ક્ષમતાનો આધાર તેણે મેળવેલ તાલીમના ગાળાની લંબાઈ અને ગુણવત્તા પર રહેલો છે. તેમની તાલીમની અદ્યતન પદ્ધતિઓએ તેમના વિકાસની તકોને ઊજળી બનાવી છે.

શરીરના બાંધાની ભિન્નતા પ્રમાણે સ્વભાવની ભિન્નતા વિશે ક્રેશ્મર અને શેલ્ડને પ્રકારો આપ્યા છે : (1) ટૂંકું અને ગોળમટોળ શરીર, (2) લાંબું સુકલકડી શરીર, (3) સ્નાયુબદ્ધ–પહેલવાન જેવો બાંધો અને (4) મિશ્ર લક્ષણોવાળો બાંધો – કંઈક આ પ્રકારના વર્ગો દર્શાવ્યા છે. જાડા બાંધાવાળા લોકો ખાણીપીણીના શોખીન, આરામપ્રેમી, આનંદી, રમૂજી હોય છે; લાંબા પાતળા બાંધાવાળા લોકો અત્યંત ચિંતનશીલ, અતડા હોય છે; સ્નાયુપ્રધાન લોકો સક્રિય, હિંમતવાળા, નેતૃત્વ લેનારા હોય છે – આવો એમનો મત છે. આમાં ઘણા અપવાદો જોવા મળતા હોવાથી આને વૈજ્ઞાનિક વર્ગીકરણ ન કહી શકાય. વળી અહીં જે સ્વભાવની ભિન્નતા જોવા મળે છે તે પણ બાંધાની સીધી અસર રૂપે નથી હોતી. પણ એવા બાંધાવાળા માણસો પ્રત્યે બીજા લોકોના ભિન્ન ભિન્ન પ્રતિભાવોની અસર હોવાનો સંભવ વધારે છે.

એક વ્યક્તિનાં વિવિધ લક્ષણો વચ્ચેની ભિન્નતાઓ મનોરેખાંકન (psychographs) અથવા પાર્શ્વ-આલેખ વડે દર્શાવાય છે. ભિન્ન ભિન્ન કસોટી વડે એક વ્યક્તિનાં માપ મેળવીને ઉપર પ્રમાણે રજૂ કરવાથી તુલના સરળ બને છે.

ચંદ્રાંશુ ભાલચંદ્ર દવે