ભિન્નતા

January, 2001

ભિન્નતા (variation) : એક જ જાતના હોવા છતાં તેના કોઈ પણ બે સભ્યો વચ્ચે અમુક અંશે દેખાતી વિવિધતા. સજીવોના શરીરમાં આવેલા જુદા જુદા પ્રકારનાં જનીન સંકુલો, સજીવના વિકાસ દરમિયાન સંકળાયેલો પાર્યાવરણિક તફાવત, ભૌગોલિક વિસ્તાર, આનુવંશિકતાની ક્રિયાવિધિ, અલગીકરણ (isolation) એમ અનેક કારણોસર ભિન્નતા ઉદભવે છે. ભિન્નતા પ્રત્યે સૌપ્રથમ ધ્યાન સજીવોની ઉત્ક્રાંતિના એક પ્રખર વિજ્ઞાની ડાર્વિને દોરેલું.

ડાર્વિને મુખ્યત્વે બે પ્રકારની ભિન્નતા દર્શાવી છે : (1) સતત ભિન્નતા (continuous variation) કે જે કોઈ એક લક્ષણમાં હારબંધ (range) જુદાપણું; (2) અસતત ભિન્નતા (discontinuous variation), જેમાં અચાનક ભિન્નતા દેખા દે અને હારબંધ જુદાપણું જોવા મળે નહિ. આ બીજા પ્રકારની ભિન્નતાને ડાર્વિને ‘સ્પૉર્ટ્સ’ કહ્યા છે કે જેના માટે હ્યુગો દ ફ્રીસે તેને વિકૃતિ (mutation) કહી છે. ડાર્વિને સતત ભિન્નતાને વધુ અગત્યની ગણી છે. અસતત ભિન્નતા મોટાભાગે નુકસાનકારક હોય છે. તેથી કુદરતની પસંદગી ક્રિયા(selection)માં ફરીથી પસંદગી પામતી નથી. (જુઓ ઉત્ક્રાંતિ સજીવોની).

હરિવદન હીરાલાલ પટેલ