ભિન્ડ

January, 2001

ભિન્ડ : મધ્યપ્રદેશના ચંબલ વિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : 25° 25´થી 26° 48´ ઉ. અ. અને 78° 12´થી 79° 05´ પૂ. રે. વચ્ચેનો 4,459 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ઈશાનમાં અને પૂર્વમાં ઉત્તર પ્રદેશના આગ્રા, ઇટાવાહ, જાલોન જિલ્લા; દક્ષિણે રાજ્યના ગ્વાલિયર અને દતિયા જિલ્લા તથા પશ્ચિમે અને વાયવ્યમાં મોરેના જિલ્લો આવેલા છે.

ભૂપૃષ્ઠ-જળપરિવાહ : રાજ્યના છેક ઉત્તર છેડે આવેલા આ જિલ્લાના ત્રણ કુદરતી વિભાગો પડે છે.

(1) ચંબલ-આસાન-ખીણ-વિભાગ : રાજ્યની અને જિલ્લાની ઉત્તર સરહદ રચતી ચંબલ નદી પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે. આ ખીણ વિભાગ ભિન્ડ તાલુકાનો મોટો ભાગ તથા ગોહદ અને મેહગાંવ તાલુકાઓનો થોડો થોડો ભાગ આવરી લે છે. આસન નદી વાયવ્ય તરફ જિલ્લા સરહદે વહે છે અને ચંબલને સમાંતર ચાલી જાય છે. ભિન્ડ તાલુકામાં તે ‘કુંવારી’ નામથી ઓળખાય છે. અહીંનાં નદી-નાળાં-ઝરણાંએ લાંબાં, પહોળાં, ઊંડાં કોતરો કોરી કાઢ્યાં છે. અગાઉના સમયમાં તે ડાકુઓ, લૂંટારા અને ઠગોનું આશ્રયસ્થાન હતું. ચંબલ અને કુંવારી નદીની આજુબાજુના ભાગમાં છોડવાઓથી ભરપૂર અનામત જંગલ આવેલું છે. અહીં વધુ કોતરો ન વિકસે તે માટે વનવિસ્તૃતીકરણની તાતી જરૂરિયાત છે.

ભિન્ડ

(2) ભિન્ડનું મેદાન : જિલ્લાના મધ્યભાગમાં આવેલું મેદાન કોતરોથી ઘેરાયેલું છે, તે લગભગ આખા ગોહદ તાલુકાને તથા મેહગાંવ તાલુકાના મોટાભાગને આવરી લે છે. તે દક્ષિણ તરફ પહોળું અને ઈશાન તરફ સાંકડું છે. તેનો દક્ષિણ ભાગ ઉત્તર તરફ અને ઉત્તર ભાગ પૂર્વ તરફના ઢાળવાળો છે. દક્ષિણ ભાગમાં બિસુલી નદી (સહાયક નદી મોનાર સહિત) વહે છે, આ નદીએ લાક્ષણિક સ્થળશ્યો રચ્યાં છે. મેદાનનો દક્ષિણતરફી ભાગ અનામત જંગલવાળો છે. ભિન્ડનું મેદાન ખેતીની ર્દષ્ટિએ સમૃદ્ધ છે. ભિન્ડની મુખ્ય નહેર જિલ્લાની સરહદ પરથી પસાર થાય છે અને ખેતીની જરૂરિયાતોને નિભાવે છે.

(3) સિંદ-પાહુજ ખીણ-વિભાગ : આ ખીણ-વિભાગ અને તેનાં કોતરો પૂર્વ તરફ આવેલાં છે તથા આખાય લહાર તાલુકાને તેમજ મેહગાંવ તાલુકાના થોડા ભાગને આવરી લે છે. તેનો ઢોળાવ ઉત્તરતરફી અસમતળ છે. અહીંના મધ્યભાગમાં થઈને પહોળી ખીણવાળી અને વિસ્તૃત કોતરોવાળી સિંદ નદી પસાર થાય છે. જિલ્લાની તેમજ મધ્યપ્રદેશ–ઉત્તરપ્રદેશની પૂર્વ સરહદ પર પાહુજ નદી દક્ષિણથી ઉત્તર તરફ વહે છે. મીરઝા અને કન્હાઈ તેની શાખા નદીઓ છે. સિંદ-પાહુજ નદીનો સંગમવિસ્તાર કોતરોવિહીન હોઈ ખેતીયોગ્ય બની રહેલો છે. ચંબલ, આસન (કુંવારી), બિસોલી (વૈશાખી), સિંદ અને પાહુજ નદીઓથી જિલ્લાનો જળપરિવાહ બનેલો છે.

ખેતી–પશુપાલન : જિલ્લામાં આવેલાં મેદાનો અને નદીખીણો મળીને જિલ્લાનો આશરે 81 % ભૂમિવિસ્તાર ખેતીલાયક છે. ખેડાણયોગ્ય ભૂમિના આશરે 27 % ભાગને સિંચાઈ મળી રહે છે, સિંચાઈ નહેરો, નળકૂપ (ટ્યૂબ-વેલ) તથા સાદા કૂવાઓથી થાય છે. ઘઉં અને ડાંગર અહીંના મુખ્ય પાક છે. અહીંનાં ઢોરઢાંખરમાં ભેંસો મુખ્ય છે.

ઉદ્યોગો–વેપાર : જિલ્લાના ગોહદ અને મેહગાંવમાં ચોખાની ઘણી મિલો આવેલી છે. અહીંના મુખ્ય ઉદ્યોગોમાં કૅડબરી ઇન્ડિયા અને ગ્વાલિયર સ્ટ્રિપ્સ મુખ્ય છે. જિલ્લાનાં મુખ્ય નગરોમાંથી ખેતીની પેદાશોની નિકાસ થાય છે.

પરિવહન–પ્રવાસન : ભિન્ડ-ગ્વાલિયરને જોડતો નૅરોગૅજ રેલમાર્ગ (કુલ 85 કિમી.) અહીંથી પસાર થાય છે. જિલ્લાનાં બધાં જ તાલુકામથકો પાકા રસ્તાઓથી જોડાયેલાં છે. 27 નંબરનો રાજ્ય ધોરી માર્ગ ભિન્ડ-ગ્વાલિયરને જોડે છે, ત્યાંથી તે વધુ ઉત્તર તરફ ઇટાવા સુધી જાય છે. સિંદ અને કુંવારી નદીઓ પર પુલો હોવાથી જિલ્લા- માર્ગો બધી જ મોસમમાં ઉપયોગમાં લેવાય છે; તેમ છતાં જિલ્લાનાં 80 % ગામડાં પાકા રસ્તાઓથી વંચિત છે. ઘણા જૂના સમયથી નદીઓનાં ખીણ તથા કોતરો ડાકુઓ, લૂંટારા અને ઠગોનાં આશ્રયસ્થાન રહેલાં હોવાથી આ જિલ્લામાં કોઈ પ્રવાસયોગ્ય સ્થળો વિકસી શક્યાં નથી.

વસ્તી : 1991 મુજબ જિલ્લાની વસ્તી આશરે 12,19,000 જેટલી છે. તે પૈકી 6,71,347 પુરુષો અને 5,47,653 સ્ત્રીઓ છે. ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 9,67,857 અને 2,51,143 જેટલું છે. ધર્મવિતરણ મુજબ અહીં હિન્દુઓ 11,43,011; મુસ્લિમ 43,121; ખ્રિસ્તી 161; શીખ 3,596; બૌદ્ધ 7,810, જૈન 18,304; અન્યધર્મી 60 તથા અનિર્ણીત ધર્મવાળા 2,937 છે. જિલ્લામાં હિન્દી ભાષા બોલાય છે. જિલ્લામાં શિક્ષિતોની કુલ સંખ્યા 4,76,192 જેટલી છે તે પૈકી 3,54,385 પુરુષો અને 1,21,807 સ્ત્રીઓ છે. તથા ગ્રામીણ અને શહેરી શિક્ષિતોનું પ્રમાણ અનુક્રમે 3,49,900 અને 1,26,292 જેટલું છે. જિલ્લામાં ઉચ્ચ શિક્ષણની (1996) 13 કૉલેજો છે. વસ્તીવાળાં ગામડાં પૈકી 12 % ગામોને નજીકનાં નગરોમાંથી તબીબી સુવિધાઓ મળી રહે છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 7 તાલુકાઓમાં અને 6 સમાજ વિકાસ ઘટકોમાં વહેંચેલો છે. અહીં 11 નગરો તથા 933 (56 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે. ભિન્ડ નગરની વસ્તી 1,09,731 જેટલી છે (1991 મુજબ).

ઇતિહાસ : જિલ્લામથકના નામ પરથી આ જિલ્લાને તેનું નામ અપાયેલું છે. ભિન્ડની સ્થાપનાની તવારીખ પ્રાચીન કાળ તરફ જાય છે. ભિન્ડી નામના કોઈ ઋષિ(મુનિ)એ આ સ્થળે તપ કરેલું એવી લોકવાયકા છે. તપના સ્થળે ભિન્ડેશ્વર મંદિર આવેલું છે.

જિલ્લાની રચના 1948માં કરવામાં આવેલી છે. 1956ની ભાષાકીય રાજ્ય પુનર્રચના વખતે તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

આ જિલ્લાનો જૂનો ઇતિહાસ ઉપલબ્ધ નથી. આ પ્રદેશ સત્તરમી-અઢારમી સદી દરમિયાન ભદોરિયા વંશના ચૌહાણ રજપૂતોના શાસન હેઠળ હતો, ભિન્ડ તેમનું મુખ્ય વહીવટી મથક હતું. આ વંશની લગભગ 22 પેઢીઓએ અહીં રાજ્ય કરેલું. અહીંનાં કોતરોને કારણે મુઘલો પણ આ પ્રદેશ જીતવામાં ફાવેલા નહિ, પરંતુ બ્રિટિશ શાસન દરમિયાન તેમાં કંઈક અંશે સફળતા મળેલી ખરી. મહારાજા માધવરાવ સિંધિયા પણ તેનો ઉકેલ લાવવામાં પૂરતા સફળ નીવડેલા નહિ. છેલ્લે છેલ્લે 1960માં આચાર્ય વિનોબા ભાવેના પ્રયાસો ડાકુઓનાં હૃદય-પરિવર્તન કરવામાં કારગત નીવડેલા.

ભિન્ડ (શહેર) : મધ્ય પ્રદેશના ભિન્ડ જિલ્લાનું વડું વહીવટી મથક અને શહેર. ભૌગોલિક સ્થાન : 26° 34´ ઉ. અ. અને 78° 48´ પૂ. રે. તે ભિન્ડ-ભાણવાડા તરીકે પણ ઓળખાય છે. તે ગ્વાલિયર સાથે સડક અને રેલમાર્ગથી જોડાયેલું છે. જિલ્લાની ખેતપેદાશોનું તે મુખ્ય મથક છે. તે રૂ સાથે સંકળાયેલ પ્રક્રિયાપેદાશો માટેનું તેમજ પિત્તળનાં વાસણો અને સાધનો બનાવવાનું મથક પણ છે. અઢારમી સદીમાં તેનું પતન થયું ત્યાં સુધી તે ભદવાડિયા ચૌહાણ રાજપૂતોનું સત્તાવાર મુખ્ય સ્થળ રહેલું. આ શહેરમાં ગૌરી તાલ નામના સરોવરકાંઠે એક જૂનો કિલ્લો આવેલો છે. તેમાં વ્યંકટેશ્વરનું મંદિર પણ છે. 1902માં અહીં મ્યુનિસિપાલટીની સ્થાપના થયેલી છે. જિવાજી યુનિવર્સિટી સંલગ્ન આઠ જેટલી કૉલેજો અહીં આવેલી છે. શહેરની વસ્તી : 1,09,731 (1991).

ગિરીશભાઈ પંડ્યા