ભિખ્ખુ : બૌદ્ધ ધર્મનો સાધુ. તે નમ્ર, ગુરુની આજ્ઞાનો પાલક, કષ્ટ અને વિઘ્ન સહન કરનારો, પવિત્ર અંત:કરણવાળો, સ્થિર મનનો અને બીજાએ આપેલ ભોજનથી જીવન વિતાવનારો હોય છે. ભિક્ષુઓમાં સંન્યાસી, બ્રહ્મચારી, વિદ્યાર્થી, ગુરુનું પોષણ કરનાર, પ્રવાસી અને પરાન્નભોજી એવા 6 પ્રકારો હોય છે. બ્રહ્મદેશમાં તેને પુંગી કહે છે અને તે લોકોની નિ:સ્વાર્થભાવે સેવા કરે છે. બુદ્ધે પુરુષોને પ્રવ્રજ્યા (ઉપસંપદા) આપવાનું કાર્ય ઋષિપત્તનમાં પાંચ જૂના મિત્ર બ્રાહ્મણ તપસ્વીઓથી શરૂ કર્યું અને પછી શ્રેષ્ઠીપુત્ર યશ તેમજ એના મિત્રોને પ્રવ્રજ્યા-દીક્ષા આપી. આવા ભિક્ષુઓની સંખ્યા 60ની થતાં તેમને જુદી જુદી દિશાઓમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કરવા મોકલ્યા. ભિક્ષુ બનવા ઇચ્છનારને તેઓ બુદ્ધ પાસે લાવતા, પરંતુ દીક્ષાર્થીઓની સંખ્યા વધતાં તથા આવાગમનની મુશ્કેલીઓના લીધે બુદ્ધે તે ભિક્ષુઓને નવા ભિક્ષુ બનાવવાનો અધિકાર આપ્યો. ઉપસંપદા ગ્રહણ કરનારે માથું મુંડાવી, પીળું વસ્ત્ર પહેરી, સર્વને નમસ્કાર કરી ત્રણ વાર ત્રિશરણ વાક્યો (બુદ્ધં સરણં ગચ્છામિ, સંઘં સરણં ગચ્છામિ, ધમ્મં સરણં ગચ્છામિ)નું ઉચ્ચારણ કરવું પડતું. ભિક્ષુઓની સંખ્યા 1,500 ઉપરની થઈ જતાં બુદ્ધે સંઘમાં ઉપાધ્યાયપદની સ્થાપના કરી અને પ્રવ્રજ્યા આપવાની વિધિમાં પણ કેટલોક ફેરફાર કર્યો. જ્ઞપ્તિ, અનુશ્રાવણ અને ધારણના માધ્યમથી હવે પ્રવ્રજ્યા અપાવા લાગી. દીક્ષા લેતી વખતે ઉમેદવારને ચાર નિશ્ચયોનું (આજીવિકાનાં સાધનો માટેના નિયમોનું) પાલન કરવાનું કહેવામાં આવતું.
બુદ્ધે દેવાદાર, ગુલામ, વીસ વર્ષથી નાનો, સંઘની રજા વિના સંઘમાં દાખલ થઈ ગયો હોય, ભિક્ષુ થઈ અન્ય પંથમાં દાખલ થઈ ગયો હોય, પિતાનો વધ કરનાર, અર્હતનો વધ કરનાર, ભિક્ષુણી ઉપર અત્યાચાર કરનાર, સંઘભેદક, નપુંસક, રાજ્યનો યોદ્ધો કે ઉપાધ્યાયે જેને નાપસંદ કર્યો હોય તેને પ્રવ્રજ્યા આપવાની મનાઈ ફરમાવી છે. દીક્ષા આપ્યા બાદ ભિક્ષુને ચાર માસનો પરિવાસ (probation) આપવામાં આવતો; ત્યારબાદ તેના સારા વર્તનના આધારે સંઘ તેને ઉપસંપદા આપતો. વસ્ત્રોની બાબતમાં – અખંડ વસ્ત્ર વાપરવું નહિ એવો નિયમ હોઈ પહેલાં તો ભિક્ષુઓ ફાટેલાં ચીંથરાં ભેગાં કરી એમાંથી ચીવર બનાવતા, પરંતુ સમય જતાં બુદ્ધે વસ્ત્ર સંબંધી નિયમમાં એટલી છૂટ આપી કે ભિક્ષુઓ ગૃહસ્થોએ આપેલાં વસ્ત્રોમાંથી ચીવર બનાવી શકશે. તેમાં પણ કીમતી વસ્ત્રોનો ત્યાગ હતો. ભિક્ષુએ ત્રણ વસ્ત્રો ધારણ કરવાનાં હોય છે : (1) અંતરવાસક (અંદર પહેરવાનું ચીવર); (2) ઉત્તરાસંગ (ઉપર ઓઢવાનું ચીવર) અને (3) ઠંડીમાં ઉપર ઓઢવાનું બેવડું ચીવર. ધીમે ધીમે ચોમાસામાં (વસ્ત્રો ભીનાં થતાં) પંચિયાં પહેરવાની છૂટ આપી.
ભિક્ષુસંઘમાં વર્ણભેદનિરપેક્ષતા હતી. મહાપરિનિર્વાણસૂત્રમાં વજ્જિઓના સાત અત્યાજ્ય ધર્મોનો ઉલ્લેખ કરીને બુદ્ધ એવા જ અત્યાજ્ય ધર્મોનો ભિક્ષુઓને ઉપદેશ કરે છે. દેવદત્તે ભિક્ષુઓ માટે કઠોર ચર્યાના વિધાનનો અનુરોધ કર્યો હતો. ભિક્ષુમાં જ સંપૂર્ણ વૈરાગ્ય સંભવે છે. તે ઘરબાર, જાતિસંબંધો, ભોગની ચીજો વગેરેનો ત્યાગ કરે છે. તે સંપૂર્ણ વૈરાગી–સંપૂર્ણ ત્યાગી છે અને જે ખરેખર આવો છે તે હંમેશાં અનુકૂળ અને પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પ્રસન્નચિત્ત રહે છે. તેને કોઈ પ્રતિ રાગ હોતો નથી, તેથી જ તેને કોઈ પ્રતિ દ્વેષ હોતો નથી. તે સૌનું કલ્યાણ ઇચ્છે છે. ભિક્ષુ બન્યા વિના સંપૂર્ણ વૈરાગ્ય, સંપૂર્ણ ત્યાગ શક્ય ન હોઈ ભગવાન બુદ્ધે અત્યંત દુ:ખમુક્તિની પૂર્ણ સાધના માટે પ્રવ્રજ્યા લઈ ભિક્ષુ બનવું જરૂરી માન્યું છે.
ભિક્ષુણીસંઘ : ભગવાન બુદ્ધના સમયમાં કેટલાક શ્રમણ-સંપ્રદાયોમાં સ્ત્રીઓને પ્રવ્રજ્યા આપવામાં આવતી હતી; ઉદા. વર્ધમાન મહાવીર (નિર્ગ્રંથ શ્રમણ-સંપ્રદાય) સ્ત્રીઓને દીક્ષા આપવાના હિમાયતી હતા. ભગવાન બુદ્ધ ગૌતમીને દીક્ષા આપવા તૈયાર ન હતા, પરંતુ તેની વારંવારની વિનંતીથી અને શિષ્ય આનંદના ભારપૂર્વકના આગ્રહથી જ્યારે ગૌતમી અનેક શાક્ય સ્ત્રીઓ સાથે મુંડન કરાવી, કાષાયવસ્ત્રો ધારણ કરી બુદ્ધ પાસે આવી ત્યારે તેને પ્રવ્રજ્યા આપવાની અનુમતિ મળેલી; અને તે માટે પણ તેમણે આઠેક જેટલી કડક શરતો મૂકેલી, જે ભિક્ષુણીઓએ પાળવાની હતી.
સમય જતાં ભિક્ષુઓની સંખ્યાવૃદ્ધિ અને વિહારોની સમૃદ્ધિની સાથે ભિક્ષુસંઘના સંગઠનમાં પરિવર્તન આવતું ગયું. બુદ્ધના જીવનકાળમાં જ ભિક્ષુઓની ચર્યામાં પરિવર્તન આવી ગયું હતું (જેમ કે, એકાંતવાસને બદલે સહવાસ). આથી સમય જતાં વિહારદાન શ્રેષ્ઠ ગણાવા લાગ્યું અને સુજ્ઞ ઉપાસકે યથાશક્તિ વિહાર કરાવી ત્યાં વિદ્વાન ભિક્ષુઓને રહેવાની સગવડ કરી આપવી અને તેમને યથાશક્તિ અન્નદાન દેવું એમ ચુલ્લવગ્ગમાં બુદ્ધ અનાથપિંડકને કહે છે. ભિક્ષુઓના અનુશાસન માટે નિયમો (શિક્ષાપદો) ઘડવામાં આવ્યા; આવા નિયમોનો સંગ્રહ ‘ધર્મવિનય’ કહેવાય છે. શિષ્યોના તથા ઉપાધ્યાયના ધર્મો નક્કી કરવામાં આવ્યા. બુદ્ધશાસનમાં ગુરુનું રૂપ કલ્યાણમિત્રનું છે અને તેનું કાર્ય છે પથપ્રદર્શન.
ચીમનલાલ વલ્લભરામ રાવળ