ભિખારીદાસ

January, 2001

ભિખારીદાસ (અઢારમી સદીમાં હયાત. ટ્રયોંગા, જિ. પ્રતાપગઢ, ઉત્તર ભારત) : હિંદી સાહિત્યના રીતિકાલીન આચાર્ય. કવિઓમાં સર્વાધિક આદરણીય કવિ. કાયસ્થ પરિવારમાં જન્મ. સને 1725–1760નો સમયગાળો તેમની કાવ્યરચનાનો ગાળો માનવામાં આવે છે. કેટલોક સમય તેમણે પ્રતાપગઢના રાજા પૃથ્વીસિંહના ભાઈ હિંદુપતિસિંહના દરબારમાં ગાળ્યો હતો. ભિખારીદાસના રચેલા 7 ગ્રંથો મળે છે : ‘રસસારાંશ’, ‘કાવ્યનિર્ણય’, ‘શૃંગારનિર્ણય’, ‘છન્દોર્ણવપિંગલ’, ‘શબ્દનામકોશ’, ‘વિષ્ણુપુરાણભાષા’ અને ‘શતરંજિકા’.

આ બધા ગ્રંથોમાં ‘કાવ્યનિર્ણય’ ગ્રંથે ભિખારીદાસને આચાર્યપદે સ્થાપ્યા છે. એમાં મમ્મટ, વિશ્વનાથ, અપ્પય દીક્ષિત, જયદેવ, ભાનુમિશ્ર તથા કેશવ ચિંતામણિ જેવા સંસ્કૃત તથા હિંદીના કાવ્યાચાર્યોનો આધાર લઈને હિંદી કાવ્યનું સમ્યગ્ વિવેચન કરવામાં આવ્યું છે. એ રીતે ભિખારીદાસે હિંદી વિવેચનનો પાયો નાખ્યો છે. ‘કાવ્યનિર્ણય’ ગ્રંથમાં કાવ્ય-પ્રયોજન, કાવ્ય-હેતુ, કાવ્ય-સ્વરૂપ, કાવ્ય-ભાષા, કાવ્ય-ગુણ, કાવ્ય-દોષ, શબ્દશક્તિ, રસ, ધ્વનિ, અલંકાર તથા પ્રાસનું ગંભીરતાપૂર્વક વિવેચન થયું છે. ‘રસસારાંશ’ ગ્રંથમાં રસના વિવિધ પ્રકારો નિરૂપ્યા છે તો ‘શૃંગારનિર્ણય’માં સંયોગ તથા વિયોગ શૃંગારનિમિત્તે નાયક, નાયિકા, દૂતી, સખી વગેરેનાં નખશિખ વર્ણનો; પૂર્વરાગ, દર્શન, સ્વપ્ન, છાયા વગેરેનાં નિરૂપણો મળે છે. ‘છન્દોર્ણવપિંગલ’માં સંસ્કૃત-પ્રાકૃત છંદો ઉપરાંત નવીન છંદોના વિવરણમાં ભિખારીદાસની વ્યાપક ર્દષ્ટિ જોવા મળે છે. ‘શબ્દનામકોશ’ પ્રકારાંતરે શબ્દકોશ છે તો ‘વિષ્ણુપુરાણભાષા’ વિષ્ણુપુરાણનો ભાષાનુવાદ છે. શતરંજની રમત વિશેનું પુસ્તક છે ‘શતરંજશતિકા’. ભિખારીદાસે કાવ્ય-લક્ષણ ગ્રંથોની રચનામાં સ્વરચિત ઉદાહરણો આપી આચાર્યત્વની સાથોસાથ કવિત્વનો પરિચય પણ આપ્યો છે. તેમની સાહિત્યિક વ્રજભાષા શુદ્ધ, સરસ અને આડંબરરહિત છે. તેમની કવિતામાં ભાવ અને અભિવ્યક્તિ પક્ષે સહજતા અને સ્વાભાવિકતા સધાયાં છે. હિંદી વિવેચનનો પાયો નાંખનાર ભિખારીદાસનું પ્રદાન મહત્વપૂર્ણ છે.

બિંદુ ભટ્ટ