ભાવ : વિશિષ્ટ ચિત્તવૃત્તિ અથવા મનની લાગણી. ભાવનો નાટ્યમાં અભિનય થઈ શકે છે અને કાવ્યના અર્થને તે સૂચવે છે. ભાવ રસની સાથે મહદંશે સામ્ય ધરાવે છે. ધ્વનિવાદીઓ રસની જેમ ભાવને પણ અસંલક્ષ્યક્રમવ્યંગ્યનો પ્રકાર ગણે છે. ભાવમાં સ્થાયી ભાવ, વ્યભિચારી ભાવ અને સાત્વિક ભાવ એ ત્રણેયનો સમાવેશ થાય છે. જે ભાવ મનમાં હંમેશાં રહેલો છે તેને સ્થાયી ભાવ કહે છે. જે મનમાં કોઈક વખત જાગે છે અને શમી જાય છે તેને વ્યભિચારી ભાવ કહે છે. જ્યારે રસ કે ભાવનો જેનાથી અભિનય કરી શકાય એટલે કે જે શરીર પર પડતી આંતરિક ભાવની બાહ્ય અસર છે તે સાત્વિક ભાવ છે. સ્થાયી ભાવો આઠ છે. તેમાં (1) રતિ, (2) હાસ, (3) શોક, (4) ક્રોધ, (5) ઉત્સાહ, (6) ભય, (7) જુગુપ્સા અને (8) વિસ્મયનો સમાવેશ થાય છે. કાવ્યના વાચન વડે કે નાટ્યના અભિનયના દર્શન વડે અનુક્રમે (1) શૃંગાર, (2) હાસ્ય, (3) કરુણ, (4) રૌદ્ર, (5) વીર, (6) ભયાનક, (7) બીભત્સ અને (8) અદભુત એ આઠ રસોમાં પરિણમે છે.

વ્યભિચારી ભાવો 33 છે. તેમાં (1) નિર્વેદ (શાંત રસનો સ્થાયી ભાવ), (2) ગ્લાનિ, (3) શંકા, (4) અસૂયા, (5) મદ, (6) શ્રમ, (7) આલસ્ય, (8) દૈન્ય, (9) ચિંતા, (10) મોહ, (11) સ્મૃતિ, (12) ધૃતિ, (13) વ્રીડા, (14) ચપલતા, (15) હર્ષ, (16) આવેગ, (17) જડતા, (18) ગર્વ, (19) વિષાદ, (20) ઔત્સુક્ય, (21) નિદ્રા, (22) અપસ્માર, (23) સુપ્ત, (24) પ્રબોધ, (25) અમર્ષ, (26) અવહિત્થા, (27) ઉગ્રતા, (28) મતિ, (29) વ્યાધિ, (30) ઉન્માદ, (31) મરણ (મૂર્ચ્છા), (32) ત્રાસ અને (33) વિતર્કનો સમાવેશ થાય છે. વળી સાત્વિક ભાવો આઠ છે, તેમાં (1) સ્તંભ, (2) સ્વેદ, (3) રોમાંચ, (4) વિવર્ણતા, (5) વેપથુ, (6) સ્વરભંગ, (7) અશ્રુ અને (8) પ્રલયનો સમાવેશ થાય છે.

વ્યભિચારી ભાવો પણ રસની જેમ ઉત્કટ રીતે વર્ણવાય અને દેવાદિવિષયક રતિ વગેરે વર્ણવવામાં આવે તેને ‘ભાવધ્વનિ’ પ્રકારનું કાવ્ય ધ્વનિવાદી આલંકારિકો માને છે. એમાં ભાવની પ્રમુખ રીતે અભિવ્યંજના થાય છે. પરિણામે કાન્તાવિષયક રતિ વગેરે સ્થાયી ભાવ તેમાં ગૌણ હોય છે. એટલે એમાં વ્યભિચારી ભાવનો ચમત્કાર જ મુખ્ય હોય છે. જેમ રાજા મુખ્ય હોવા છતાં પોતાના સેવકના વરઘોડામાં ગૌણ ગણાય અને સેવકનું લગ્ન હોવાથી સેવક મુખ્ય ગણાય તેમ ભાવધ્વનિ કાવ્યમાં રસ મુખ્ય હોવા છતાં ગૌણ ગણાય છે અને ભાવ જ મુખ્ય ગણાય છે.

જ્યાં વ્યભિચારી ભાવનો ઉદય સુંદર રીતે થતો હોય તેને ‘ભાવોદય’ કહેવાય. એ પણ અસંલક્ષ્યક્રમવ્યંગ્ય ધ્વનિનો એક પ્રકાર છે. એવા બીજા પ્રકારોમાં ભાવશાંતિ, ભાવસંધિ, ભાવશબલતા અને ભાવાભાસને ગણાવવામાં આવ્યા છે. જ્યાં કોઈ વ્યભિચારી ભાવ સુંદર રીતે શમી જાય તેને ‘ભાવશાંતિ’ કહે છે. જ્યાં બે વ્યભિચારી ભાવો સુંદર રીતે મિશ્રણ પામતા હોય તેને ‘ભાવસંધિ’ કહે છે. જ્યાં ક્રમમાં આગલા વ્યભિચારી ભાવને દબાવીને પાછળનો વ્યભિચારી ભાવ ઉત્પન્ન થતો રહે તેને ‘ભાવશબલતા’ કહે છે.

જ્યાં લોક અને શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન થવાથી ભાવ અનૌચિત્ય ધરાવતો હોય તે ભાવ ન રહેતાં ‘ભાવાભાસ’ કહેવાય છે. આ ભાવાભાસ અલંકાર નથી, પરંતુ અલંકાર્ય છે એમ મમ્મટ વગેરે ધ્વનિવાદીઓ માને છે. ભાવાભાસ ‘અનૌચિત્ય’ નામના કાવ્યદોષ સાથે સંકળાયેલો છે. વ્યભિચારી ભાવ એ કોઈ રસનું અંગ બને ત્યારે ઊર્જસ્વિન્ નામનો અલંકાર થાય છે એમ ભામહ માને છે; પરંતુ બીજા કેટલાક આલંકારિકો એમ માને છે કે રસાભાસ કે ભાવાભાસ પ્રધાન એવા બીજા કોઈ ભાવને ગૌણ બને ત્યારે ઊર્જસ્વિન્ નામનો અલંકાર થાય છે. આ રીતે ભાવાભાસ રસાભાસ જેવો જ છે. તે બંને અનૌચિત્યને કારણે જન્મે છે. ભાવાભાસ પણ ભાવની જેમ કાવ્યસૌંદર્ય ધરાવે છે, કારણ કે તેમાં અસંલક્ષ્યક્રમવ્યંગ્ય ધ્વનિ રહેલો છે.

રસની નિષ્પત્તિ જે રીતે વ્યંજનાથી થાય છે એ જ રીતે ભાવની નિષ્પત્તિ પણ વ્યંજનાથી થાય છે. રસનિષ્પત્તિમાં જે રીતે રસની ચર્વણાની, એ રીતે ભાવનિષ્પત્તિમાં ભાવની ચર્વણાની નિષ્પત્તિ થાય છે. એક ભાવ પ્રધાન રીતે નિષ્પન્ન થાય ત્યાં બીજા ભાવની નિષ્પત્તિ થઈ શકે છે, પરંતુ તે ગૌણ હોવાથી તે ભાવ દુર્બળ રહે છે. આમ ભાવની નિષ્પત્તિ પ્રધાનરૂપે કે ગુણીભૂતવ્યંગ્યરૂપે – એમ બે રીતે શક્ય બને છે. સ્વાભાવિક રીતે સામાજિકોમાં રહેલો આત્માનંદ અવિદ્યાથી ઢંકાઈને રહેલો હોય છે. તે કાવ્યગત અલૌકિક વ્યાપારથી અવિદ્યાનું આવરણ દૂર થતાં આત્માનંદ પ્રકાશિત થાય છે. તે રીતે ચિદવિશિષ્ટ હર્ષ વગેરે ભાવ પણ સામાજિકના હૃદયમાં અભિવ્યક્ત થાય છે.

પારુલ માંકડ

પ્ર. ઉ. શાસ્ત્રી