ભાલો : પાયદળ અને ઘોડેસવાર સૈનિકોનું પ્રાચીન અને પરંપરાગત શસ્ત્ર. સંસ્કૃત શબ્દ ‘ભલ્લા’ (ભાલાનું પાનું) પરથી ‘ભાલો’ અથવા ‘ભાલું’ શબ્દ ઊતરી આવ્યો છે. ભાલો એ એકમાત્ર એવું શસ્ત્ર છે જેની મૂળ બનાવટમાં કોઈ ફેરફાર થયેલ નથી. ભાલાના ત્રણ ભાગ હોય છે : (1) ભાલાનું માથું કે ઉપરનો ભાગ જે સામાન્ય રીતે પોલાદ જેવી ધાતુનો બનેલો હોય છે. અલબત્ત, પ્રાચીન કાળના એવા પણ ભાલા મળી આવ્યા છે જેમનું ચાવડું કે માથાનો ભાગ અણીદાર પથ્થર અથવા જંગલી પ્રાણીઓના હાડકાથી બનાવેલો હોય. ભાલાના માથાના ભાગની વધુમાં વધુ લંબાઈ 7 મી. જેટલી હોય છે અને તેની પહોળાઈ આશરે 75 સેમી. હોય છે. તેની ટોચ તીક્ષ્ણ બનાવટની હોય છે. તેનાથી શત્રુ પર ઊંડો ઘા કરી શકાય છે. (2) ભાલાનો વચલો ભાગ દંડ અથવા દંડૂકો કહેવાય છે, જે મહદ્અંશે ગોળ પણ કઠણ વાંસનો અથવા કેટલાક કિસ્સાઓમાં ધાતુનો બનેલો હોય છે. (3) તેનો સૌથી નીચેનો ભાગ લોખંડનો બનેલો હોય છે.

ભાલા સામાન્ય રીતે ત્રણ પ્રકારના હોય છે :  (1) ફેંકવાના અને તે દ્વારા હુમલો કરવા માટેના ભાલા, (2) જમણા હાથમાં મજબૂત પકડ લઈને શત્રુ પર નજીકથી ઘા કરી શકાય તેવા ભાલા, (3) એક કરતાં વધુ રીતે જેમનો ઉપયોગ કરી શકાય તેવા ભાલા. દ્વંદ્વયુદ્ધોમાં શત્રુના શરીરના કોઈ પણ ભાગ પર ભાલા દ્વારા ઘા કરી શકાતા. ભાલાધારી પાયદળ અથવા ઘોડેસવાર સૈનિકો બખતર પહેરતા હોય છે અને એક હાથમાં ભાલો તથા બીજા હાથમાં ઢાલ રાખતા હોય છે, જેથી પોતાનું રક્ષણ કરી શકાય.

શસ્ત્ર તરીકે ભાલા પ્રાચીનકાળથી ઉપયોગમાં લેવાતા રહ્યા છે. પ્રાચીનકાળના સિક્કાઓ તથા પથ્થર પરની કોતરણી પર ભાલા અને ભાલાધારી સૈનિકોનાં ચિત્રો અંકિત થતાં રહ્યાં છે. ભારતમાં વિશેષ રૂપે યુદ્ધોમાં ભાલાધારી પાયદળ અથવા ઘોડેસવારોની અલાયદી ટુકડીઓ રાખવામાં આવતી. કાર્તિકેયના હાથમાં ભાલો હોય છે. મહાકવિ કાલિદાસના ‘રઘુવંશ’માં, તૈમૂર લંગના ‘ઝફરનામા’માં, અબુલ ફઝલના ‘આઈને-ઇ-અકબરી’માં અને મુહમ્મદ કાસિમ ઔરંગાબાદીના ‘અહવાલ-ઉલ-ખવાકિન’માં અરબી-મુઘલ અથવા ભારતના પ્રાચીન ભાલાધારી સૈનિકોનાં વર્ણનો મળે છે. યુરોપમાં ગ્રીક અને ભારતમાં મરાઠા તથા રજપૂત સેનામાં ભાલાનો શસ્ત્ર તરીકે વ્યાપક ઉપયોગ કરવામાં આવતો હતો. હલદીઘાટના યુદ્ધમાં ભાલાધારી સૈનિકો મોટી સંખ્યામાં રજપૂતો વતી લડ્યા હતા; પરંતુ સત્તરમી સદીથી અને ખાસ કરીને બંદૂકની શોધ થઈ છે ત્યારથી શસ્ત્ર તરીકે તેનું મહત્વ ક્રમશ: ઘટતું ગયું છે. બંદૂકની ઉપરના ભાગ પર સંગીન (bayonet) બેસાડીને સામસામા યુદ્ધમાં તેનો ઉપયોગ વધુ સુગમતાથી કરી શકાતો હોવાથી ભાલાનું મહત્વ ઘટે તે સ્વાભાવિક છે. ભારતમાં બ્રિટિશ લશ્કરમાં અલાયદી ભાલાધારી ઘોડા-પલટનો રાખવામાં આવતી.

ઓગણીસમી સદીમાં બ્રિટિશ લશ્કરના એક ઍંગ્લો-ઇન્ડિયન અધિકારી સ્કિનરે મરાઠા સેનાની નકલ કરી ઘોડા-પલટન ઊભી કરી હતી જેના અનુગામી તરીકે હમણાં સુધી ‘સ્કિનર્સ હૉર્સ’ નામની ટુકડીઓ ટકી રહી હતી. ભારત ઉપરાંત ઈરાન, ગ્રીસ, એસિરિયા, અરબ અને તુર્કસ્તાનની સેવાઓમાં ભાલાધારી ઘોડેસવારની પલટનો મહત્નું સ્થાન ધરાવતી હતી. જર્મનીના શાસક વિલિયમ બીજાએ 1890માં તેની સેનાના 93 જેટલા રસાલાને ભાલાધારી ઘોડેસવારો બનાવ્યા હતા. પ્રથમ વિશ્વયુદ્ધ (1914–18) દરમિયાન લશ્કરમાંથી ઘોડા-પલટનો નાબૂદ કરવામાં આવી હતી. તેના પગલે 1927માં ભારતની સેનાના અશ્વદળમાંથી ભાલા પાછા લઈ લેવામાં આવ્યા. જોકે શોભાયાત્રા માટે ભારતના રાષ્ટ્રપતિના અંગરક્ષકોમાં ભાલાધારી ઘોડાપલટન આજે પણ યથાવત્ રાખવામાં આવી છે. ઉપરાંત, રમતગમતના ક્ષેત્રે છેક ઓલિમ્પિક સ્પર્ધાઓ સુધી ભાલાફેંકની રમત રમાતી હોય છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે