ભાવક : કાવ્યનો આસ્વાદ લેનાર. તેઓ જે  રીતે કવિતાના ગુણ કે દોષ ગ્રહણ કરે તે મુજબ તેમના ચાર પ્રકારો રાજશેખરે પોતાની ‘કાવ્યમીમાંસા’માં ગણાવ્યા છે. પ્રથમ પ્રકાર ‘અરોચકી’ ભાવકનો છે. આવા કાવ્યાસ્વાદક સારામાં સારી કવિતા વાંચીને કોઈક બાબતે નાખુશ થાય છે. સારામાં સારી કવિતા પણ તેમને પસંદ પડતી નથી. બીજા પ્રકારના ભાવક ‘સતૃણાભ્યવહારી’ છે. તેમનામાં પ્રતિભા અને વિવેક હોતાં નથી; પરિણામે સારી કે ખરાબ ગમે તે કવિતા વાંચીને તેઓ ખુશ થાય છે અને વિના વિવેકે તેનાં વખાણ કરે છે. રાજશેખરના જણાવ્યા મુજબ આ બંને પ્રકારો મંગલ નામના વિદ્વાન કવિએ સર્વપ્રથમ ગણાવ્યા છે. આ બે પ્રકારના કવિઓ પણ હોય છે એમ વામન નામના આચાર્ય જણાવે છે. રાજશેખર કહે છે કે અરોચકી ભાવકોના પણ બે પ્રકાર હોય છે. જે સ્વભાવથી જ અરુચિ ધરાવતા હોય અને વિવેક વગરના હોય તેમને સુધારી શકાતા નથી, સેંકડો પ્રયત્નો કરો તોપણ તેમની અરુચિ દૂર કરી શકાતી નથી; જ્યારે બીજા પ્રકારના કવિ કે ભાવકની અરુચિ જ્ઞાનથી ઉત્પન્ન થયેલી હોય છે. તેમનામાં વિશિષ્ટ કવિતાથી રુચિ ઉત્પન્ન કરી શકાય છે, કારણ કે તેઓ વિવેકવાળા હોય છે. હવે ‘સતૃણાભ્યવહારી’ ભાવકો નવાસવા હોવાથી કુતૂહલને લીધે તે બધી કાવ્યરચનાઓનાં વખાણ કરે છે. આવા ભાવકો કવિતામાંથી જો ઘણું લે છે તો ઘણું છોડી પણ દેતા હોય છે. તેમનો અવિવેક નાશ પામે તો જ તેમની બુદ્ધિ પ્રશંસા કરી શકે. પરંતુ તેઓ ઘણું કરીને અવિવેક છોડી શકતા ન હોવાથી તેમને સુધારી શકાતા નથી એમ વામન માને છે.

રાજશેખરે મંગલ અને વામન એ બંને આચાર્યોએ ગણાવેલા આ બે પ્રકારોમાં બીજા બે પ્રકારો મત્સરી અને ત્વાભિનિવેશી ઉમેર્યા છે. મત્સરી ભાવક કવિતામાં રહેલા ગુણો જોવા છતાં જોતો નથી એટલે કે વખાણતો નથી. ગુણોનું કથન કરનારો ઈર્ષ્યા વગરનો ભાવક મળવો મુશ્કેલ છે. સૌથી ઉત્તમ ભાવક તત્વાભિનિવેશી પ્રકારનો હોય છે. તેવો ભાવક કવિતાની શબ્દરચનાનું વિવેચન કરે છે, કવિતામાં રહેલી સુંદર ઉક્તિઓથી ખુશ થાય છે, કવિતામાં રહેલા રસનું પાન કરે છે તથા કવિતામાં રહેલા તાત્પર્યને શોધીને જાહેર કરે છે. કવિના સાચા શ્રમની તે કદર કરે છે. સારું કાવ્ય વાંચીને તે અદભુત લાગણીઓ અનુભવે છે. આવો ભાવક કે કાવ્યાસ્વાદક તત્વાભિનિવેશી કહેવાય છે. તેને જ ઉત્તમ કે આદર્શ ભાવક કે વિવેચક માનવામાં આવે છે.

રાજશેખર જણાવે છે કે કેટલાક ભાવક વાણીથી પોતાને થયેલી લાગણીઓ પ્રગટ કરે છે. કેટલાક ભાવક કવિતા વાંચીને થયેલી લાગણીઓ હૃદયમાં અનુભવે છે. કેટલાક મન અને અંગો વડે તે લાગણીઓ વ્યક્ત કરે છે. કેટલાક કવિતાના ફક્ત ગુણો જોનારા હોય છે, તો કેટલાક ફક્ત દોષો જોનારા હોય છે. આમ ભાવકના અનેક પ્રકારો છે અને તેઓ જ કવિને કીર્તિ અપાવનારા હોય છે.

પ્ર. ઉ. શાસ્ત્રી