ભાવે, બાળકોબા (જ. 1890, જમખંડી, કર્ણાટક; અ. 28 ઑગસ્ટ 1981, ઉરુલીકાંચન, મહારાષ્ટ્ર) : રચનાત્મક કાર્યકર. વિનોભા ભાવેના વચલા ભાઈ. વિનોબાથી એ પાંચ વર્ષ નાના હતા. બચપણ ગાગોદામાં વીત્યું. પ્રાથમિક અભ્યાસ પૂરો કરી એ વડોદરાના કલાભવનમાં દાખલ થયા. ત્યાંથી એમણે ક્લે-મૉડલિંગનો ડિપ્લોમા મેળવ્યો. વિનોબાની પાછળ એ પણ 1916માં ગાંધીજીના આશ્રમમાં ગયા. પણ વિનોબાએ એમને પાછા મોકલ્યા. પછી 1919માં ગાંધીજીને પત્ર લખી, રજા મેળવી ફરીથી તેઓ આશ્રમમાં આવ્યા. શરૂઆતમાં ગાંધીજીનાં અંગત કામો એ કરતા હતા. પંડિત નારાયણ મોરેશ્વર ખરે પાસે સંગીત શીખવા પણ જતા હતા. 1920માં એક વાર એમણે એક છોકરાને રડતો જોયો. કારણ પૂછતાં બાળકે જણાવ્યું કે એના બાપા બીમાર હોવાથી એને પાયખાનાં સાફ કરવા મોકલ્યો છે, પણ એનાથી મળની ડોલો ઉપાડાતી નથી. બાળકોબાએ એને મદદ કરી અને વિનોબાને જઈને વાત કરી. વિનોબાએ એમને શાબાશી આપી. બીજા દિવસથી બંને ભાઈઓ વિનોબા અને બાળકોબા સંડાસ-સફાઈના કામમાં લાગ્યા. ગાંધીજી આશ્રમમાં આવ્યા ત્યારે એ વાત જાણી ખુશ થયા. ત્યારથી આશ્રમમાં સંડાસ-સફાઈ આશ્રમવાસીઓએ કરવી એવો નિયમ થયો.
આશ્રમમાં કાંતણ, વણાટ, પીંજણના નિષ્ણાત બની બાળકોબા એ વિભાગના વ્યવસ્થાપક બન્યા. નિયમોનું પાલન કરાવવામાં એ બહુ સખત હતા. એમની સાથે કામ કરતા આશ્રમવાસીઓએ ત્રણ વર્ષ એમની સખતાઈ સહન કરી. પછી આશ્રમના વ્યવસ્થાપક મગનભાઈને ફરિયાદ કરી. એથી બાળકોબાને ખૂબ દુ:ખ થયું. એ દુ:ખનિવારણાર્થે એમણે જ્ઞાનોપાસના આરંભી. વર્ધા જઈ વિનોબાના ગીતા અને બ્રહ્મસૂત્ર શાંકરભાષ્યના વર્ગો ભર્યા; પણ મનનું સમાધાન થતાં સાત વર્ષ વીત્યાં. એમને થયું કે પોતાની ઇચ્છા છોડી ઈશ્વરની કે સંતોની ઇચ્છા પ્રમાણે ચાલવું. એમને બે સંતો પર ભારે શ્રદ્ધા હતી – ગાંધીજી અને વિનોબા પર.
સખત પરિશ્રમને કારણે 1931માં એમને ક્ષયરોગ લાગુ પડ્યો. ગાંધીજીએ અનેક ઇલાજ કરાવ્યા. છેવટે નિસર્ગોપચાર અને ગાયના દૂધના સેવનથી એ રોગમુક્ત બન્યા. પછી ગાંધીજીના આશીર્વાદ લઈ એ મહારાષ્ટ્રમાં અહમદનગર જિલ્લાના ઉરુલીકાંચનમાં સ્થિર થયા. સંસ્થા માટે આફ્રિકા જઈને અને દેશમાં ફરીને એમણે પાંચ લાખ રૂપિયાનો ફાળો ઉઘરાવ્યો. એ સંસ્થા પ્રાકૃતિક ઉપચાર, દ્રાક્ષની ખેતી અને ગોપાલન માટે પ્રખ્યાત છે. ત્યાં રહી એમણે કેટલાક ત્યાગી કાર્યકર્તા તૈયાર કર્યા.
1980માં એમને હર્નિયા અને પ્રૉસ્ટેટ ગ્લૅંડની તકલીફને કારણે ઑપરેશન કરાવવું પડ્યું. એમને લકવો પણ થયો. છેવટે ઈશ્વરસ્મરણ કરતાં કરતાં એ દેહમુક્ત થયા.
રમણભાઈ મોદી