ભાવે, પુરુષોત્તમ ભાસ્કર

January, 2001

ભાવે, પુરુષોત્તમ ભાસ્કર (જ. 1910, અમરાવતી; અ. 1980) : મરાઠી લેખક. નવલિકા, નાટક, નવલકથાઓ, લલિત-નિબંધો, પત્રકારત્વ – એમ વિવિધ ક્ષેત્રોમાં તેમનું અઢળક પ્રદાન છે. તેમના પિતા દાક્તર હતા. પિતા કડક શિસ્તપાલનના આગ્રહી એટલે પુત્ર જોડે બહુ કડકાઈથી વર્તતા. તેઓ 8 વર્ષના હતા, ત્યારે માતાનું મૃત્યુ થયું. પિતા બહુ સખત હોવાને લીધે એમની દાદી એમને પોતાને ત્યાં લઈ ગયાં ને ઉછેર્યા. ત્યાં જ મૅટ્રિકની પરીક્ષા પસાર કરી, તેઓ નાગપુરની હિસલૉપ કૉલેજમાં જોડાયા. ત્યાંથી બી.એ. થઈને એલએલ.બી.ની પરીક્ષા આપી. ઉપાધિ મેળવી, પણ વકીલાત કરવાને બદલે પત્રકારત્વનો વ્યવસાય લીધો. પહેલાં ‘સાવધાન’ અને પછી ‘આદેશ’ સામયિકના તંત્રી તરીકે કામ કર્યું અને ત્યાંથી જ તેમની લેખક તરીકેની કારકિર્દી શરૂ થઈ. તેમનાં 26 વાર્તાસંગ્રહો, 17 નવલકથાઓ, 8 નાટકો, દૂરદર્શનનાં 2 નાટકો, 22 નિબંધસંગ્રહો પ્રગટ થયાં છે. તેમની આત્મકથા અધૂરી રહી છે.

પુરુષોત્તમ ભાસ્કર ભાવે

તેઓ ભારતીય સંસ્કૃતિના ચાહક હતા અને તેમની કૃતિઓ દ્વારા તેમણે ભારતીય સંસ્કૃતિની શ્રેષ્ઠતા આલેખી છે. તેમનાં લખાણમાં તાર્કિક સંબદ્ધતા હોય છે. તેમનાં નાટકો મહારાષ્ટ્રમાં અને અન્ય પ્રદેશોમાં તેમજ વિદેશમાં પણ ભજવાયાં છે. 1977માં પુણેમાં ભરાયેલા અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનના પ્રમુખ તરીકે તેમની વરણી થઈ હતી. તેમણે તેમના અધ્યક્ષીય ભાષણમાં સંસ્કૃતિને જે લૂણો લાગતો જાય છે, તેનાં ર્દષ્ટાંતો આપી સાહિત્યકારોને તેમની લેખિની દ્વારા મૂલ્યોનું ગૌરવ અખંડિત રાખવા અનુરોધ કર્યો હતો.

ચન્દ્રકાન્ત મહેતા