ભાવનગર યુનિવર્સિટી : ભાવનગર જિલ્લાના ભૌગોલિક વિસ્તાર માટે સ્થપાયેલી યુનિવર્સિટી. સૌરાષ્ટ્રમાં ઉચ્ચશિક્ષણનો આરંભ 1885માં ભાવનગરમાં શામળદાસ કૉલેજની સ્થાપનાથી થયો હતો. મુંબઈ યુનિવર્સિટી સાથે સંલગ્ન શામળદાસ કૉલેજ શરૂ થઈ ત્યારે ગુજરાતમાં માત્ર બે જ કૉલેજ હતી : અમદાવાદમાં ગુજરાત કૉલેજ અને વડોદરામાં બરોડા કૉલેજ. સૌરાષ્ટ્રમાં શામળદાસ કૉલેજની સ્થાપનાથી ઉચ્ચ અભ્યાસાર્થે સૌરાષ્ટ્ર બહાર જતા વિદ્યાર્થીઓ શામળદાસ કૉલેજ તરફ વળ્યા. એ ર્દષ્ટિએ સૌરાષ્ટ્રની પ્રજાને ઉચ્ચશિક્ષણના સંસ્કારો આપવામાં ભાવનગરે અગ્રેસર ભૂમિકા ભજવી છે.
શિક્ષણનો વ્યાપ વધતાં ગુજરાતને પોતાની યુનિવર્સિટી હોવી જોઈએ એવી ભાવના પણ વિકસી. 1950માં ગુજરાત યુનિવર્સિટી કાર્યાન્વિત થઈ. 1960માં ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. બળવંતરાય મહેતા રાજ્યના મુખ્યમંત્રી પદે હતા ત્યારે તેમના શાસનકાળ દરમિયાન 1963માં સૌરાષ્ટ્રમાં બે નવી યુનિવર્સિટીઓ સ્થાપવાનો ઠરાવ અમલમાં આવ્યો. એ ઠરાવ અનુસાર ગુજરાત યુનિવર્સિટીના એ સમયના ઉપકુલપતિ (વાઇસ ચાન્સેલર) લાલભાઈ દેસાઈની અધ્યક્ષતામાં એક સમિતિ રચવામાં આવી. આ સમિતિએ બેઉ યુનિવર્સિટીઓના મુખ્ય મથક અંગે પણ પોતાનો નિર્ણય આપવાનો હતો. આ માટેની સ્પર્ધા તો ભાવનગર અને રાજકોટ વચ્ચે જ હતી. ભૌગોલિક ર્દષ્ટિએ રાજકોટ સૌરાષ્ટ્રના કેન્દ્રમાં હતું, પણ બહોળો શૈક્ષણિક વારસો ભાવનગર પાસે હતો. લાલભાઈ દેસાઈ સમિતિએ સર્વગ્રાહી ચર્ચા-વિચારણા કરીને પોતાના અંતિમ અહેવાલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મુખ્ય મથક અંગે સાંસ્કૃતિક વારસાના જીવંત કેન્દ્ર એવા ભાવનગરની પસંદગી કરી હતી.
પરંતુ આ નિર્ણય સામે રાજકોટને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું કેન્દ્ર બનાવવા માટે પ્રજાકીય તેમજ રાજકીય દબાણ વધતાં હિતેન્દ્રભાઈ દેસાઈની સરકારે લાલભાઈ દેસાઈ સમિતિની ભલામણની ઉપરવટ જઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મુખ્ય મથક તરીકે રાજકોટને જાહેર કર્યું. પરિણામે ભાવનગરમાં અભૂતપૂર્વ રોષ ને અસંતોષ વધતાં સરકારે સમાધાનકારી માર્ગ અપનાવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઍક્ટ(ધારા)માં સુધારો કર્યો. તદનુસાર ભાવનગર માટે નીચેની પાંચ બાબતો સ્વીકારવામાં આવી : (1) સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું સંયુક્ત વડું મથક ભાવનગરને આપવું, (2) ભાવનગર મથક માટે અલગ પ્રો. વાઇસ-ચાન્સેલર નીમવા; (3) ભાવનગર મથકના કાર્યાલય માટે સંયુક્ત રજિસ્ટ્રાર નીમવા, (4) ભાવનગર મથકને ચાર વિદ્યાશાખાઓ આપવી અને (5) સમય જતાં ભાવનગરને પૂર્ણ સ્વરૂપની યુનિવર્સિટી આપવી.
આ ઍક્ટ મુજબ તા. 24 જુલાઈ 1967ના રોજ ભાવનગરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંયુક્ત વડા મથકનું કાર્યાલય કાર્ય કરતું થયું. તે વખતે ડોલરરાય માંકડ પ્રથમ કુલપતિ હતા. જૂન 1968થી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભાવનગર કેન્દ્રનું શિક્ષણકાર્ય આરંભાયું, તેની સાથે સાથે ભવિષ્યમાં આકાર લેનાર ભાવનગર યુનિવર્સિટીની ભૂમિકારૂપે ભાવનગરની રાજ્ય સરકાર સંચાલિત ત્રણ કૉલેજો – શામળદાસ આર્ટ્સ કૉલેજ, સર પી. પી. ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સ અને એમ. જે. કૉલેજ ઑવ્ કૉમર્સને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભાવનગર મથકના સંચાલન હેઠળ મૂકવામાં આવી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભાવનગર મથક માટે પ્રથમ પ્રો. વાઇસ ચાન્સેલર તરીકે 14 ઑગસ્ટ 1967ના રોજ હરભાઈ ત્રિવેદીની નિમણૂક થઈ. હરભાઈ ત્રિવેદીના સમયમાં જ રાજ્ય સરકારે ભાવનગરને નિવાસી (residential) યુનિવર્સિટી આપવાના હેતુથી ગુજરાત વડી અદાલતના નિવૃત્ત ન્યાયમૂર્તિ એ. આર. બક્ષીની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી. આ સમિતિએ વ્યાપક વિચારવિમર્શને અંતે 1973માં પોતાનો અહેવાલ સરકારને આપ્યો, જેમાં ભાવનગર ખાતે નિવાસી યુનિવર્સિટી સ્થાપવા માટે સર્વાનુમતે ભલામણ કરવામાં આવી. બક્ષી સમિતિના અહેવાલના અમલ માટે ભાવનગર નિવાસી યુનિવર્સિટીને લગતો 26મો ધારો 28 એપ્રિલ 1978ના રોજ ગુજરાત વિધાનસભાએ પસાર કર્યો. મે 1978માં પ્રો. આર. એસ. ત્રિવેદીની ભાવનગર રેસિડેન્શિયલ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ તરીકે અને લલિતભાઈ ભટ્ટની કુલસચિવ તરીકે પસંદગી થઈ. તે પછી સ્ટૅટ્યૂટ, ઑર્ડિનન્સ ઘડવાની પ્રક્રિયા આરંભાઈ. તે માટે પંદર સભ્યોની સમિતિની રચના કરવામાં આવી. આમ, તા. 24 મે 1979ના રોજ ભાવનગર રેસિડેન્શિયલ યુનિવર્સિટી એક અલગ યુનિવર્સિટી તરીકે કાર્યાન્વિત થઈ. રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીજીએ શામળદાસ કૉલેજના જે મકાનમાં એક સત્ર માટે અભ્યાસ કર્યો હતો, તે જ મકાનમાં માજીરાજ ગર્લ્સ હાઇસ્કૂલના સભાખંડમાં ભાવનગર રેસિડેન્શિયલ યુનિવર્સિટીનો નાનકડો પણ ગરિમાપૂર્ણ ઉદઘાટન સમારંભ યોજાયો.
ભાવનગર રેસિડેન્શિયલ યુનિવર્સિટીના આરંભકાળે રસાયણવિજ્ઞાન, ગણિતશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, વાણિજ્ય, શિક્ષણ અને ભૌતિકવિજ્ઞાનના વિષયોમાં યુનિવર્સિટીના સીધા સંચાલન હેઠળ અનુસ્નાતક કેન્દ્રો ચાલતાં હતાં. ધીમે ધીમે યુનિવર્સિટી કાર્યાલય, કુલપતિ અને કુલસચિવના નિવાસો, વાણિજ્ય ભવન, જીવવિજ્ઞાન ભવન વગેરેનાં મકાનોનું નિર્માણકાર્ય નવા પરિસરમાં શરૂ થયું. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનની આર્થિક સહાય માટે પ્રયાસો થયા. યુ. જી. સી.ની સૂચનાથી યુનિવર્સિટી ધારામાં સુધારો કરીને ભાવનગર રેસિડેન્શિયલ યુનિવર્સિટીનું નામાભિધાન બદલીને ભાવનગર યુનિવર્સિટી કરવામાં આવ્યું, જેને પરિણામે ભાવનગર યુનિવર્સિટીનો સીમાવિસ્તાર ભાવનગર શહેર પૂરતો મર્યાદિત ન રહેતાં સમસ્ત ભાવનગર જિલ્લાને એમાં આવરી લેવાયો.
1987માં ડોલરરાય વસાવડા ભાવનગર યુનિવર્સિટીના પ્રથમ ઉપકુલપતિ થયા. યુનિવર્સિટીના નિરંતર શિક્ષણ (continuing education) વિભાગને આ સમયગાળામાં ભવનનો દરજ્જો પણ મળ્યો. ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, મનોવિજ્ઞાન, ઇતિહાસ, સમાજશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર જેવાં અનુસ્નાતક કેન્દ્રોનું યુનિવર્સિટીનાં વિદ્યા ભવનોમાં રૂપાંતર થયું. 1988ના અરસામાં સાગર રસાયણ વિદ્યાભવન શરૂ કરવા માટે ભાવનગર યુનિવર્સિટીને છ લાખનું અનુદાન મળ્યું અને 1988–89માં તે વિદ્યાભવન કાર્યાન્વિત થયું. તે દરમિયાન શાંતિલાલ શાહ તરફથી મળેલા રૂ. 25 લાખના માતબર દાનના ફળસ્વરૂપે 1983માં ‘શાંતિલાલ શાહ ઇજનેરી કૉલેજ’ સ્થપાતાં યુનિવર્સિટીની એક નવી વિદ્યાશાખાનો પ્રારંભ થયો.
1990 પછી ભાવનગર યુનિવર્સિટીના શૈક્ષણિક વિકાસ સાથે તેનો વિસ્તાર પણ વધ્યો છે. એક સમયની રેસિડેન્શિયલ યુનિવર્સિટી સાથે આજે ભાવનગર શહેરની ઉચ્ચ શિક્ષણસંસ્થાઓ તેમજ સણોસરા ખાતે આવેલી લોકભારતી ઉપરાંત જિલ્લાનાં મુખ્ય મથકો – મહુવા, બોટાદ, પાલિતાણા, ઢસા, ગારિયાધાર, ગઢડા અને શિહોરમાં સ્થપાયેલ કૉલેજો પણ જોડાઈ છે. આજે ભાવનગર યુનિવર્સિટી વિનયન, વાણિજ્ય, વિજ્ઞાન, શિક્ષણ, કાયદો, ઇજનેરી, ગ્રામવિદ્યાશાખા વ્યવસ્થાપન, તબીબી વિદ્યા અને કમ્પ્યૂટરવિજ્ઞાન જેવા વિષયોમાં ઉચ્ચ શિક્ષણ આપે છે. હાલ (2001) ભાવનગર યુનિવર્સિટીમાં યુનિવર્સિટી-સંચાલિત તથા સંલગ્ન કૉલેજોની કુલ સંખ્યા 21 જેટલી છે, જ્યારે અનુસ્નાતક-ભવનો અને કેન્દ્રોની સંખ્યા 20 જેટલી છે. તેમાં બધા મળીને હાલ 12,000થી વધુ વિદ્યાર્થીઓ (1300થી પણ વધુ અનુસ્નાતક વિદ્યાર્થીઓ સહિત) અભ્યાસ કરી રહ્યા છે. તે ઉપરાંત જે કેટલાક વ્યવસાયલક્ષી ડિપ્લોમા-અભ્યાસક્રમો ભાવનગર યુનિવર્સિટીએ દાખલ કર્યા છે તેમાં વાણિજ્ય–પ્રબંધન, માર્કેટિંગ, પત્રકારત્વ, ચિત્રકલા, નિસર્ગોપચાર અને યોગવિજ્ઞાન, કરવેરા, કાયદાશાસ્ત્ર, કંપની લૉ, મેડિકલ લૅબોરેટરી, ટૅકનૉલોજી, કમ્પ્યૂટર ઍપ્લિકેશન તથા નૃત્ય અને સંગીત જેવા સમાજોપયોગી વ્યાવસાયિક અભ્યાસક્રમોનો સમાવેશ થાય છે.
ભાવનગર જિલ્લાને સંપૂર્ણ સાક્ષર જિલ્લો બનાવવાની દિશામાં યુનિવર્સિટીના પ્રૌઢ નિરંતર શિક્ષણ અને વિસ્તરણ વિભાગે કરેલી કામગીરી સવિશેષ ધ્યાનાર્હ રહી છે.
ભાવનગર યુનિવર્સિટીનું ગ્રંથાલય ઠીક ઠીક પ્રમાણમાં સમૃદ્ધ છે. એકાદ લાખ જેટલાં પુસ્તકો અને દસેક હજાર જેટલા સંદર્ભગ્રંથો આ ગ્રંથાલયમાં છે. વળી ગ્રંથાલયવિજ્ઞાનના સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમનું સંચાલન પણ તે કરે છે.
શિક્ષણ અને રમતગમત તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં પણ ભાવનગર યુનિવર્સિટી મોખરાનું સ્થાન ધરાવે છે. યુનિવર્સિટીના યુવક મહોત્સવોમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની કેટલીક સ્પર્ધાઓમાં સારો દેખાવ કરતા રહ્યા છે.
ભાવનગર યુનિવર્સિટીની સ્થાપનાથી અત્યાર સુધીમાં જે કુલપતિઓની સેવાઓનો લાભ મળ્યો છે, તેમનાં નામ અનુક્રમે આ મુજબ છે : રમણલાલ એસ. ત્રિવેદી (1978–81), ઇંદુભાઈ જે. ધ્રુવ (1981–84), રસેન્દુ વી. પંડ્યા (1984–87), ડોલરરાય વસાવડા (1987–89), વિનોદ સી. શાહ (1989–90), નિરંજન આર. દવે (1991–92), ગાયત્રીપ્રસાદ એચ. ભટ્ટ (1992–95), વિદ્યુત જોશી (1995–98), ભરતભાઈ ઓઝા (1998થી)
મહેબૂબ દેસાઈ