ભાલાવાળા, ચીમન (જ. 1 ઑક્ટોબર 1928) : શારીરિક શિક્ષણ તથા રમતગમતક્ષેત્રે ઉત્કૃષ્ટ ખેલાડી, નિષ્ણાત રાહબર અને પ્રશિક્ષક. સામાન્ય રીતે ‘સી. એસ. ભાલાવાળા’ના નામથી ઓળખાતા આ રમતવીરનું આખું નામ છે : ચીમનસિંઘ મોતીલાલ ભાલાવાળા. વતન : નાથદ્વારા, રાજસ્થાન. વિદ્યાર્થીકાળ દરમિયાન વૉલીબૉલ, ફૂટબૉલ, ઍથ્લેટિક્સ, ટેનિસ વગેરે અનેક પ્રચલિત રમતોમાં તેમની ઝળહળતી યશસ્વી કારકિર્દી હતી. 1953માં ગ્વાલિયરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય વૉલીબૉલ-સ્પર્ધામાં ભારતીય ટીમના ખેલાડી તરીકે તેઓ રશિયા સામે અને 1955માં ચીન સામે રમ્યા હતા.
ઇન્દોરની ક્રિશ્ચિયન કૉલેજમાંથી 1952માં બી.એ. કર્યા પછી 1961માં રાજપીપળાની શારીરિક શિક્ષણ-કૉલેજમાંથી ડી.પી.એડ્. કરી, 1962માં પતિયાળાની એન. આઈ. એસ. કૉલેજમાંથી વૉલીબૉલ કોચિંગનો રેગ્યુલર કોર્સ કરી ડિપ્લોમા મેળવ્યો હતો.
વ્યાવસાયિક કારકિર્દીમાં તે સૂરતની એમ. ટી. બી. આર્ટ્સ કૉલેજમાં શારીરિક શિક્ષણના અધ્યાપક તરીકે જોડાયા. તે પછી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના થતાં 1968માં તે યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ-નિયામક તરીકે જોડાયા અને આ જગ્યાએથી તેઓ 1988માં નિવૃત્ત થયા. તેમણે યુનિવર્સિટી-કક્ષાએ અનેક રમત-ગમત કાર્યક્રમોનું મૂલ્યનિષ્ઠાથી સફળતાપૂર્વક સંચાલન કરી યુનિવર્સિટી ખેલકૂદનું સ્તર ઊંચું લાવવામાં નોંધપાત્ર ફાળો આપ્યો હતો.
ચિનુભાઈ શાહ