ભાલાફેંક : એક રમત. શિકાર કરવા માટે અને યુદ્ધ લડવા માટે ભાલાનો ઉપયોગ પ્રાચીન સમયથી થતો રહ્યો છે. જ્યારે પ્રાચીન ઓલિમ્પિકની શરૂઆત થઈ હતી ત્યારે પાંચ રમતોના સમૂહ(પેન્ટૅથ્લૉન)માં ભાલાફેંકનો સમાવેશ કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં ફીરકી લઈને ભાલા ફેંકવાની છૂટ હતી, પણ આ રીતે ફેંકવાની રીત જોખમી જણાતાં આંતરરાષ્ટ્રીય ખેલકૂદ ફેડરેશને તેના પર પ્રતિબંધ મૂક્યો. મધ્યકાલીન યુગમાં ભાલાનો ઉપયોગ નિયત લક્ષ્ય(‘ફિક્સ ટારગેટ’)ની અંદર નિશાન તાકવા માટે થતો હતો. 1850 પછી હંગેરી અને જર્મનીના લોકો ભાલાફેંકનો ઉપયોગ ‘વધારે અંતર’ માટે કરતા હતા. ધીમે ધીમે ભાલાનાં માપ અને આકારમાં ફેરફાર થતા ગયા. 1920માં ભાલાફેંકના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો. પુરુષો માટેની ડેકૅથ્લૉનમાં પણ ભાલાફેંકને સ્થાન આપવામાં આવ્યું છે અને ઓલિમ્પિક રમતોમાં ભાઈઓ અને બહેનો બંનેની હરીફાઈઓ થાય છે. ફિનલૅન્ડ દેશે ભાલાફેંકને રાષ્ટ્રીય રમત તરીકે સ્વીકારી હતી. આના પરિણામે તે દેશમાં ભાલાફેંકની રમતનો વિકાસ ખૂબ જ ઝડપથી થવા માંડ્યો. ધીમે ધીમે અમેરિકા, રશિયા, હંગેરી, સ્વીડન, રુમાનિયા ચેકોસ્લોવાકિયા, જર્મની વગેરેના ખેલાડીઓ આ રમતમાં ઉચ્ચતમ સિદ્ધિ પ્રાપ્ત કરવા લાગ્યા. અત્યારે દરેક કક્ષાની સ્પર્ધામાં આ રમતને સ્થાન મળેલું છે. ભારતના આ રમતના અગ્રણી ખેલાડીઓમાં સતબીરસિંગ અને જાન ઝેબેઝનીનાં નામ ઉલ્લેખનીય છે.

નવીનચંદ્ર જાદવભાઈ ચનિયારા