ભારવિ (છઠ્ઠી સદીનો ઉત્તરાર્ધ) : પ્રસિદ્ધ સંસ્કૃત કવિ. સંસ્કૃત મહાકાવ્ય ‘કિરાતાર્જુનીયમ્’ના કર્તા.
ભારવિ સંસ્કૃત મહાકાવ્યોમાં કૃત્રિમ અથવા અલંકૃત શૈલીના પ્રવર્તક મહાકવિ લેખાય છે. 634માં લખાયેલા અઈહોલના શિલાલેખમાં ભારવિનો ઉલ્લેખ છે. 776માં લખાયેલા દાનના તામ્રપત્રમાં લેખકે પોતાની સાતમી પેઢીના પૂર્વજ રાજા દુર્વિનીતે ભારવિના ‘કિરાતાર્જુનીયમ્’ ના 15મા સર્ગ પર ટીકા લખી હોવાનો ઉલ્લેખ કર્યો છે. 650માં ‘કાશિકાવૃત્તિ’ માં ભારવિનાં ઉદ્ધરણો છે અને 600માં બાણે ભારવિનો ઉલ્લેખ નથી કર્યો તેથી તેઓ 550થી 610માં થઈ ગયાનું અનુમાન છે. ભારવિ પરમ શૈવ હતા. તેમની કવિ તરીકેની પરીક્ષા ઉજ્જૈનમાં થયેલી. ‘કિરાતાર્જુનીયમ્’ના 5/39માં કરેલી ‘आतपात्र’ની અદભુત કલ્પના ઉપરથી તેમને ‘આતપત્રભારવિ’ એવું ઉપનામ આપવામાં આવ્યું છે. તેમના અર્થગૌરવ માટે વિવેચકોએ તેમની પ્રશંસા કરી છે. વંશસ્થ છંદની રચનામાં ભારવિની સિદ્ધહસ્તતાની ક્ષેમેન્દ્ર જેવા આચાર્યોએ પ્રશંસા કરી છે. વીરરસ-પ્રધાન મહાકાવ્ય ‘કિરાતાર્જુનીયમ્’ના પંદરમા સર્ગમાં ચિત્રબંધની કૃત્રિમ કાવ્યરચનામાં તેઓ અગ્રગણ્ય ગણાયા છે.
‘અવંતીસુંદરીકથા’ નામના ગદ્યકાવ્યમાં જણાવ્યા મુજબ ભારવિનું મૂળ નામ દામોદર હતું. તેમના પિતાનું નામ નારાયણ હતું. તેઓ કૌશિક ગોત્રના હતા. તેમના પૂર્વજો ગુજરાતના આનર્તપુર એટલે વડનગરના વતની હતા. ત્યાંથી નાસિકના રાજદરબારમાં ગયા. કોંકણના ગાંગવંશના રાજા દુર્વિનીત અને કાંચીના પલ્લવવંશના રાજા વિષ્ણુવર્ધન અને સિંહવિષ્ણુ એ ત્રણેયના દરબારમાં રહેલા. શિકારે ગયેલા રાજાની સાથે માંસ ખાવાના પાપના પ્રાયશ્ચિત્ત માટે ભારવિએ તીર્થયાત્રા કરેલી. સિંહવિષ્ણુના રાજકુમાર મહેન્દ્ર વિક્રમ સાથે તેઓ સુખેથી રહેલા. તેમના પુત્રનું નામ મનોરથ અને પ્રપૌત્રનું નામ દંડી હતું. તેમની એકમાત્ર રચના ‘કિરાતાર્જુનીયમ્’નું કથાનક મહાભારતના વનપર્વમાંથી લીધું છે.
‘કિરાતાર્જુનીયમ્’ પાંચ પ્રતિષ્ઠિત પ્રશિષ્ટ સંસ્કૃત મહાકાવ્યોમાં સ્થાન પામેલું છે. ભારવિની વિદ્વત્તા કાવ્યમાં ગાંભીર્ય, વિચારશીલતા અને અર્થગૌરવ પ્રગટાવે છે. પાત્રાલેખન મહાભારતની જ રેખાઓને ર્દઢ કરે છે, પણ ભારવિનું સામર્થ્ય એમનાં પ્રકૃતિનાં અને માનવભાવોનાં વૈવિધ્યપૂર્ણ વર્ણનોમાં છે. સંસ્કૃત કલ્પનોની સમૃદ્ધિ એમાં પ્રતિબિંબિત થાય છે. વળી દીર્ઘ સુબદ્ધ તર્કને પડખે ઘેરા મનોભાવોને પ્રગટ કરતા સંવાદો એમની વિશેષતા છે. એ અંગે ભારવિ પોતે પણ સભાન છે. કથામાં શિવ અને અર્જુનમાંથી એકે હારતું નથી; તેમાં કવિ દેવાધિદેવ શિવ તેમજ કાવ્યનાયક અર્જુન – બંનેનું ગૌરવ ઔચિત્યપૂર્વક જાળવે છે. મહાભારતની જેમ જ કથાનક અહીં પણ સરળ, કશા વૈવિધ્ય કે પરિવર્તન વિના રજૂ થયું છે. મહાભારતમાં આ પ્રસંગ મહાયુદ્ધની શાંત પણ એકાગ્ર પૂર્વતૈયારીરૂપ છે. કેટલાક માને છે કે ભારવિના સમયમાં એનું રાષ્ટ્ર જય-પરાજયના ઝોલાઓવાળી અસ્થિર અવસ્થામાંથી પસાર થતું હતું, તેથી પ્રજાને ઉત્સાહ પ્રેરવા તથા એકાગ્ર લક્ષ્યસિદ્ધિનો માર્ગ ચીંધવા ભારવિએ આ પ્રસંગ મહાકાવ્ય માટે પસંદ કર્યો.
રાજેન્દ્ર નાણાવટી