ભારત–પાકિસ્તાન યુદ્ધ – 1947 : 1947માં ભારતને સ્વાતંત્ર્ય મળ્યું ત્યારથી જ ભારતમાં જમ્મુ અને કાશ્મીર રાજ્યના વિલીનીકરણની સમસ્યા સૌથી વધારે ઉગ્ર બનતી રહી છે અને ભારત-પાકિસ્તાન વચ્ચેના સારા સંબંધોમાં તે આડખીલીરૂપ બની રહેલી છે. ભારત સ્વાતંત્ર્ય ધારા, 1947ના અનુસંધાને ભારતના દેશી રાજવીઓને કાં ભારત સાથે અથવા પાકિસ્તાન સાથે સ્વેચ્છાથી જોડાવાનો અધિકાર બક્ષ્યો ત્યારે તે સમયના કાશ્મીરના મહારાજા હરિસિંહે ભારત કે પાકિસ્તાન સાથે નહિ જોડાઈને સ્વતંત્ર રાજ્ય તરીકે રહેવાનું સ્વીકાર્યું. કાશ્મીરમાં મુસ્લિમોની વસ્તી વધુ હોવાથી તેને પાકિસ્તાન સાથે જોડી દેવા માટે પાકિસ્તાનના શાસકો આતુર હતા, તેથી પાકિસ્તાને મહારાજા હરિસિંહ પર દબાણ લાવવાનું શરૂ કર્યું અને છેવટે કાશ્મીર પર આક્રમણ કર્યું. એ સમયે બ્રિટિશ શાસને ઊભી કરેલી યોજના અનુસાર ભારતનાં દેશી રાજ્યો ભારત અથવા પાકિસ્તાન સાથે જોડાઈ શકતાં હતાં અથવા ગર્ભિત રીતે તો જો તેઓ સ્વતંત્ર રાજ્ય તરીકેનો દરજ્જો ચાલુ રાખવા માંગતાં હોય તોપણ તેમ કરવાની તેમને છૂટ હતી.
22 ઓક્ટોબર, 1947ના રોજ પાકિસ્તાને કબાયલીઓ મારફત મોટેપાયે કાશ્મીર પર આક્રમણ કર્યું. પાકિસ્તાન આવા પ્રકારે કોઈ જાતનું આક્રમણરૂપી પગલું ભરશે એવી જાણ ભારતને હતી નહિ, તેથી ભારતે પણ એ સમયે આવા સંભવિત હુમલાને ખાળવા માટે કોઈ આગોતરી યોજના બનાવી નહોતી. વધારામાં ઉત્તરમાં પર્વતીય પ્રદેશ, બરફ તથા વરસાદે પણ અનેકગણી મુશ્કેલીઓ વધારી દીધી હતી; તેમ છતાં ભારતીય સૈનિકો પૂરા જોમ તથા ઉત્સાહથી લડ્યા. શ્રીનગર, દુશ્મનનું મુખ્ય નિશાન હતું. પાકિસ્તાને એવી યોજના ઘડી કાઢેલી કે તેનાં લશ્કરી દળોએ 22 ઑક્ટોબરે સરહદ પાર કરીને 26 ઑક્ટોબરે શ્રીનગર પર કબજો મેળવવો, પરંતુ આ સમયગાળામાં જ પ્રથમ ભારતીય લશ્કરી ટુકડી – ફર્સ્ટ શીખ બટૅલિયન – વિમાન દ્ધારા કાશ્મીરમાં આવી પહોંચી. ભારતીય સૈન્યને તુરત જ હવાઈ માર્ગે શ્રીનગર પહોંચાડવામાં આવ્યું. એક બાજુ ભારતીય સૈન્ય દુશ્મનના હુમલાને શક્ય એટલો ખાળવા માટે તૈયારી કરી રહ્યું હતું તો બીજી બાજુ પાકિસ્તાન પ્રેરિત આક્રમણખોરો સતત દસ દિવસ સુધી શ્રીનગર તરફ કૂચ કરી રહ્યા હતા. આ 1947ના ભારત-પાક યુદ્ધનો મુખ્ય અને નાજુક તબક્કો હતો.
7 નવેમ્બર, 1947ના રોજ શ્રીનગરની નજીકમાં આવેલ શોલાતોના મુકામે પ્રથમ મુખ્ય લડાઈ થઈ હતી. સમ્રગ દિવસ દરમિયાન યુદ્ધ ચાલુ રહ્યું હતું. ભારતીય લશ્કરે, શ્રીનગરથી 65 કિલોમીટર દૂર આવેલ ઉરી મુકામે દુશ્મનનાં દળોનો જોરદાર મુકાબલો કરીને તેને હરાવ્યું. દુશ્મનોનો જુસ્સો ઊતરવા લાગ્યો અને આક્રમણખોરો તેમના 300 જવાનોના મૃતદેહો છોડીને રણમેદાન છોડી ગયા. આ ઉપરાંત ગિલગીટ મુકામે રાજ્યના લશ્કરના વડા ધનશેરસિંઘની આગેવાની હેઠળ એક નાનું છમકલું થયું હતું, ત્યારબાદ પાકિસ્તાનીઓ કારગિલ તથા લેહ તરફ ગયા. દક્ષિણ ભાગમાં રાજ્યની લશ્કરી બટૅલિયન નૌશેરા, જાનગર, રાજૌરી, ભીમંબર, મીરપુર, કોટલી અને પુંચ સહિત સમગ્ર રાજ્યની સરહદો પર ગોઠવી દેવામાં આવી. આ રીતે એક વર્તુળાકારે લશ્કરને ગોઠવી દેવામાં આવ્યું. 19 નવેમ્બર, 1947ના રોજ ભારતીય લશ્કરે નૌશેરા અને જાનગર અને ત્યારબાદ કોટલી તથા મીરપુર કબજે કર્યાં અને ત્યારબાદ પુંચને આઝાદ કરવા માટેની યોજના ઘડવામાં આવી.
સૌથી મોટી લડાઈ, 6 ફેબ્રુઆરી, 1948ના રોજ નૌશેરાને આઝાદ કરવા માટે થઈ હતી. દક્ષિણ પૂર્વમાંથી 400 તથા ઈશાન ખૂણેથી 30,000 પાકિસ્તાની સૈનિકોએ ભારતીય થાણાંઓ ઉપર હુમલો કર્યો. બંને વચ્ચે ભયંકર યુદ્ધ ફાટી નીકળ્યું, જેમાં ભારતીય હવાઈ દળે સારો દેખાવ કર્યો. આ લડાઈમાં 2,000 આક્રમણખોરો તથા 48 ભારતીય જવાનો મૃત્યુ પામ્યા. છેવટે 18 માર્ચ, 1948ના રોજ જાનગરને પણ મુક્ત કરવામાં આવ્યું. 8મી એપ્રિલ, 1948ના રોજ ભારતીય સૈનિકોએ રાજૌરીને મુક્ત કરવા પ્રયાણ કર્યું અને 12મી એપ્રિલ, 1948ના રોજ તે કબજે કર્યું. કેટલાક પર્વતીય પ્રદેશોમાં છૂટાછવાયા હુમલાઓ બાદ 1948ના સપ્ટેમ્બરમાં પુંચને મુક્ત કરવાની શરૂઆત કરી. 21 નવેમ્બર, 1948ના રોજ પુંચને મુક્ત કરવામાં આવ્યું અને 23 નવેમ્બરના રોજ માગહેર કબજે કર્યું. 1 જાન્યુઆરી, 1949ના રોજ સંયુક્ત રાષ્ટ્ર સંઘના સૂચનથી યુદ્ધવિરામની જાહેરાત કરી. હજુ પણ કાશ્મીરના 1⁄3 ભાગને પાકિસ્તાનના અનધિકૃત કબજામાંથી મુક્ત કરાવવાનું બાકી રહ્યું જ છે.
ધર્મેન્દ્રસિંહ દિ. ઝાલા