ભારત-ચીન યુદ્ધ : 1962માં ભારતના ઉત્તર-પૂર્વથી ચીન દ્ધારા ભારત પર કરવામાં આવેલ આક્રમણમાંથી સર્જાયેલ યુદ્ધ. ચીન ભારતનો શક્તિશાળી ને સામ્યવાદી પડોશી દેશ છે. તેણે 1962માં ઉત્તર-પૂર્વ સરહદેથી ભારત પર આક્રમણ કર્યું હતું. તે સમયે ભારતની ચીન સાથે જોડાયેલી ઉત્તર-પૂર્વીય સરહદો હિમાલયની બરફ-આચ્છાદિત ગિરિમાળાઓને કારણે દુર્જેય માનવામાં આવી હતી. આ બંને દેશો વચ્ચે સરહદોના રેખાંકન બાબતે પ્રારંભથી જ મતભેદો હતા, પરંતુ 1954માં બંને દેશો વચ્ચે થયેલ પંચશીલ કરારને આધારે શાંતિમય સહઅસ્તિત્વના પાયાના પાંચ સિદ્ધાંત સ્વીકારાયા હતા અને તે અનુસાર કોઈ પણ મતભેદોનો ઉકેલ મંત્રણાઓ દ્વારા લાવવાનું ઠરાવવામાં આવ્યું હતું. આથી સરહદ–રેખા અંગેના મતભેદો શાંતિમય ધોરણે ચર્ચાવિચારણા અને મંત્રણાઓ દ્વારા ઉકેલાવાની આશા બંધાયેલી હતી. બ્રિટિશ શાસન સમયથી ઉત્તરે મેકમાહોન હરોળ રચાયેલી હતી અને તેનો ચીન કાયદેસર રીતે સ્વીકાર કરી લે એવું ભારતનું સૂચન હતું, પરંતુ તે બાબતે ચીન ચૂપ રહ્યું હતું.

ભારતનું પડોશી તિબેટ બ્રિટિશ શાસન-સમયથી સ્વાયત્ત અને ભારત-ચીન વચ્ચેનું બફર રાજ્ય હતું. 1953માં ત્યાં ચીને સામ્યવાદી શાસન સ્થાપ્યું. 1959માં તિબેટિયનોએ ચીની શાસન સામે બળવો કર્યો. ચીને તેને સખત હાથે કચડી નાંખ્યો. આથી તિબેટના બૌદ્ધ ધાર્મિક નેતા દલાઈ લામાએ હજારો અનુયાયીઓ સાથે ભારતમાં રાજ્યાશ્રય લીધો અને આ કારણે પણ ભારત-ચીન સંબંધો તણાવપૂર્ણ બન્યા. આ સમયે ચીને સરહદોની સંયુક્ત સમીક્ષા કરવા અંગે તેની એલચી કચેરી દ્વારા સૂચન કર્યું, પરંતુ ભારતે ચીન દ્વારા મેકમેહોન રેખાનો કાયદેસર સ્વીકાર કરવા આગ્રહ રાખ્યો. દરમિયાન 1959–60માં ચીને પાકિસ્તાન અને બ્રહ્મદેશ (હવે મ્યાનમાર) સાથેના સરહદી મતભેદો અંગે સમાધાનનો માર્ગ સ્વીકાર્યો હતો; આથી ભારત સાથે પણ એવો માર્ગ અપનાવશે એવી મજબૂત આશા હતી, પરંતુ આ અંગે ચીને કોઈ ચોક્કસ અભિગમ દાખવ્યો નહિ અને સરહદો અંગેની મડાગાંઠ ચાલુ રહી.

આ બંને દેશો વચ્ચે સરહદોના વિવાદને કારણે તણાવ પ્રવર્તતો હતો. છેક 1955માં ઉત્તર પ્રદેશના બારાહોતીમાં ચીને ઘૂસણખોરીની શરૂઆત કરી હતી. ત્યારબાદ પૂર્વભારતમાં મિઝાનમાં, 1956માં નેલંગ અને શીપકીલામાં, 1958માં ખરનાક, ફૉર્ટ, અકસાઈ ચીન, સાંગ્યામાલા અને લેપ્થાલમાં, 1959માં પશ્ચિમ પેંગોંગ સરોવર અને ગોંઝાલામાં, 1960માં હૉટ સ્પ્રિંગમાં, 1961માં ચુશુલ, ન્યાન્ઝ, દમ્બુગુરુ, નં. 22 (લદ્દાખનું એક અજાણ્યું સ્થળ)માં, 1962માં ચિપચાપ, સુગ્દો, સ્પેન્ગુર ધોરી માર્ગ પર ત્રણ સ્થળોએ અને જુલાઈ, 1962માં ગાલવણ ખીણ, ચેંગચેન્યો ને પેંગા પ્રદેશમાં – આમ લગભગ 30 સ્થળોએ ઘૂસણખોરી કરી હતી.

7મી સપ્ટેમ્બર, 1962ની સરહદ-મંત્રણા માટે ભારતની શરતો અનુસાર વર્તવા સામે ચીને નારાજી વ્યક્ત કરી અને સામેથી ભારત સામે આક્ષેપો કર્યા. 8મી સપ્ટેમ્બર, 1962ના રોજ ચીને પ્રથમ વાર ભારતીય સરહદ પાર કરી આક્રમણનો આરંભ કર્યો. ભારતે પૂર્વવત્ સ્થિતિ ન સ્થાપવામાં આવે ત્યાં સુધી સરહદ અંગે ચીન સાથે ચર્ચાની ના પાડતી યાદી મોકલી. 11મી ઑક્ટોબર, 1962ના રોજથી સહરદો પર યુદ્ધ વધુ ઘેરું બન્યું. નેફા વિસ્તારમાં 11 કિમી. ઊંડે સુધી ચીની દળો પ્રવેશ્યાં અને ભારતીય સૈન્યને ઘેરો ઘાલ્યો, ઘમસાણ લડાઈ ચાલુ રહી. તે પછીના પ્રત્યેક દિવસે ચીનની આક્રમક ભીંસ વધુ ને વધુ મજબૂત બની. ભારતીય લશ્કરને ચીની દળોને હાંકી કાઢવાના આદેશો આપવામાં આવ્યા, પણ શિયાળો કાતિલ બનવા માંડ્યો હતો અને ભારતીય લશ્કર આવા અણધાર્યા આક્રમણ માટે સજ્જ પણ નહોતું. 20મી ઑક્ટોબરે ઉત્તરની સરહદો પર નેફા-લડાખ વિસ્તારોમાં ચીને ભયંકર આક્રમણ કર્યું અને ઠેકઠેકાણેથી ચીની લશ્કર ભારતીય હદમાં પ્રવેશ્યું. આ રીતે બે દેશો વચ્ચેના મૈત્રીભર્યા સંબંધોનો કરુણ રકાસ થયો અને સરહદો પર ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પ્રવર્તવા લાગી.

22 ઑક્ટોબર, 1962ના રોજ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ રાષ્ટ્રજોગું વાયુપ્રવચન કરી પરિસ્થિતિની ગંભીરતાની દેશને જાણ કરી અને ચીન 8મી સપ્ટેમ્બર, 1962ની સ્થિતિએ પાછું ખસે પછી જ મંત્રણા થઈ શકે એવો મત વ્યક્ત કર્યો. આ બાહ્ય આક્રમણને કારણે 26 ઑક્ટોબર, 1962ના રોજ કેન્દ્ર સરકારે દેશમાં કટોકટી જાહેર કરી, સંરક્ષણ અંગેના વટહુકમો બહાર પાડ્યા, મૂળભૂત અધિકારો મોકૂફ રાખવામાં આવ્યા અને પેટા-ચૂંટણીઓ મુલતવી રાખવામાં આવી. આ જ દિવસે ચીને નેફામાં ભારે લશ્કર ઉતાર્યું અને પૂર્વ દિશા તરફ તેજપુર તરફ ચીની સેના આગળ વધી. લડાખમાં ચીની સૈન્યની ભારે જમાવટ ચાલુ રહી  અને ભારતીય સૈન્યને પીછેહઠ કરવાની ફરજ પડી. ચીનની દરખાસ્ત સ્વીકારી લેવા ત્યાંના વડાપ્રધાન ચાઉ-એન-લાઇએ ભારત સરકારને પત્ર લખ્યો. 28 ઑક્ટોબર, 1962ના રોજ ભારતે આ દરખાસ્તોનો અસ્વીકાર કર્યો.

1962ના નવેમ્બર મહિનામાં આક્રમણને કારણે થતા સંરક્ષણ-ખર્ચને પહોંચી વળવા સોનાનાં બૉન્ડ અને 10 વર્ષ તથા 12 વર્ષનાં સંરક્ષણ સર્ટિફિકેટોની યોજના સરકારે જાહેર કરી. ચીની આક્રમણને મારી હઠાવવાના મક્કમ નિર્ધારનો નહેરુનો ઠરાવ સર્વાનુમતે પસાર થયો. પંજાબે 284 રતલ સોનું સંરક્ષણ અર્થે ભેટ ધર્યું. વડાપ્રધાન પંડિત નહેરુએ 104 દેશોને પત્રો પાઠવ્યા, તેમાંથી 59 દેશોએ ભારતને અને આલ્બેનિયાએ ચીનને ટેકો આપ્યો. વાલોંગ અને બોમડીલાનું પતન થયું. સરહદો પર પરિસ્થિતિ ગંભીર હતી. ભારત આ યુદ્ધમાં ભારે ખુવારી વેઠી રહ્યું હતું. ચીને સરહદો પર માનવહરોળોના રૂપમાં લશ્કરી ખડકલો કર્યો હતો. ભારતીય લશ્કરને આ પૂર્વે દર્શાવ્યું તેમ કાતિલ ઠંડી અને પર્વતીય યુદ્ધના બિનઅનુભવના કારણે તથા જરૂરી સાધનસામગ્રીના અભાવે પીછેહઠ કરવાની ફરજ પડી. આ સંજોગોમાં ભારતે અમેરિકા અને બ્રિટન જેવા દેશોને સહાય માટે વિનંતી કરી. આ વિનંતીને માન આપી ભારતની લોકશાહી તથા શાંતિપ્રિયતાની  કદર કરી અમેરિકાના તે સમયના પ્રમુખ જૉન કૅનેડીએ કલકત્તા હવાઈ મથક પર સી-130 વિમાનોમાં જંગી કાફલા રૂપે લશ્કરી તથા મુલ્કી સરંજામ મોકલવાનું શરૂ કર્યું. આમ ચીનને તે સમયના તેના મુખ્ય હરીફ અમેરિકાના પડકારનો સામનો કરવાનો સમય આવ્યો અને ચીને એકાએક 21મી નવેમ્બર, 1962ની મધરાતથી એકતરફી યુદ્ધવિરામ જાહેર કર્યો તેમજ 7મી નવેમ્બર, 1959ની ખરેખરી અંકુશરેખા પર પાછા ખસી જવાની તેમજ પોતે એકપક્ષી રીતે આ યુદ્ધવિરામનો અમલ કરશે અને ‘જૈસે થે’ની સ્થિતિ જાળવશે એવી ત્રણ મુદ્દાની જાહેરાત કરી. આ અણધારી એકપક્ષી જાહેરાતથી યુદ્ધનો અંત આવ્યો.

આ યુદ્ધ દ્વારા ભારત-ચીન સરહદો પર ચીને ભારતની ભૂમિનો કેટલોક ભાગ પચાવી પાડ્યો. યુદ્ધના પરિણામરૂપે ભારતમાં જંગી લશ્કરી કારખાનાં સ્થાપવા અને પર્વતીય યુદ્ધતાલીમનો વિકાસ કરવા પાછળ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું અને ભારતીય લશ્કર સજ્જ બનવા લાગ્યું. તેને કારણે આ પછીનાં પાકિસ્તાન સાથેનાં યુદ્ધોમાં ભારત વિજેતા રહ્યું અને ‘દુશ્મનનો દુશ્મન મિત્ર’ એ ન્યાયે પાકિસ્તાન ચીન તરફ ઢળ્યું. સદાય ભારતની પડખે રહેતું અને ભારતની મૈત્રીની કદર બૂઝતું સોવિયેત સંઘ આ સમગ્ર યુદ્ધથી વેગળું રહ્યું હતું. આમ આ યુદ્ધથી ભારતની બિનજોડાણની વિદેશનીતિને નવેસરથી મૂલવવાની જરૂર ઊભી થઈ.

રક્ષા મ. વ્યાસ