ભારતેર શક્તિસાધના ઓ શાક્ત સાહિત્ય : બંગાળી વિદ્વાન ડૉ. શશિભૂષણ દાસગુપ્ત રચિત ભારતમાં શક્તિવાદનો ઉદભવ, વિકાસ તેમજ તેને અનુષંગે રચાયેલ શાક્ત સાહિત્ય વિશેનો અધ્યયનગ્રંથ. માતૃપૂજાનું પ્રચલન જગતમાં અનેક સ્થળે અનેક રૂપમાં જુદા જુદા સમયે જોવા મળે છે, પણ ભારતમાં એ પૂજામાંથી ઉદભવ પામેલ શક્તિવાદ અને શાક્ત સંપ્રદાય અન્યત્ર નથી. ખરેખર તો શક્તિવાદ ભારતીય વિચારધારાની એક વિશેષતા છે અને એનો પ્રભાવ આપણા જનજીવનમાં આજે પણ જોવા મળે છે.
ડૉ. શશિભૂષણ દાસગુપ્તે આ ગ્રંથમાં શક્તિવાદ અને શાક્ત સાહિત્યનો સમગ્રતયા ઊંડાણથી અભ્યાસ પ્રસ્તુત કર્યો છે અને એ વિષયનું ઐતિહાસિક તેમજ આધ્યાત્મિક ર્દષ્ટિએ નિરૂપણ કર્યું છે. આરંભમાં તેમણે બતાવ્યું છે કે પ્રાચીન કાળથી પ્રચલિત માતૃપૂજા અને શક્તિવાદ કેટકેટલી ધારાઓમાં કેવી રીતે વિકસિત થતાં ગયાં છે. તે પછી 14 પ્રકરણમાં વિભાજિત આ ગ્રંથની ભૂમિકામાં પદ્મપુરાણના સૃષ્ટિખંડમાં વિષ્ણુના મુખે ‘દેવી’નાં જે વિભિન્ન રૂપો છે, તેની આખી સૂચિ આપી છે; જેમ કે, પુષ્કરમાં સાવિત્રી, વારાણસીમાં વિશાલાક્ષી, નૈમિષારણ્યમાં લિંગધારિણી, પ્રયાગમાં લલિતાદેવી વગેરે. બીજા પ્રકરણ ‘દેવીનો વિચિત્ર ઇતિહાસ’માં પૃથ્વી-દેવી, પાર્વતી ઉમા, દક્ષતનયા સતી, દુર્ગા, ચંડીદેવી કે ચંડિકા અને કાલીદેવી તથા કાલીપૂજાનો ઇતિહાસ આપ્યો છે. એ પછીનાં પ્રકરણોમાં સંસ્કૃત, બૌદ્ધ, વૈષ્ણવ, રામાયણ, બંગાળી મંગળ કાવ્ય વગેરેમાં દેવીની જે ચર્ચાઓ છે તે યોગ્ય અવતરણો સાથે આપી છે. એ પછી બંગાળી, ઊડિયા, અસમિયા, મૈથિલી અને હિન્દી ભાષામાં શક્તિવાદ અને શાક્ત સંપ્રદાયની જે ચર્ચા છે, તેની સર્દષ્ટાંત વાત કરી છે. આ બધાંમાં બંગાળના શક્તિસાહિત્ય અને શાક્ત પદાવલિની વાત વિસ્તારથી અને અધિકૃત રીતે કહેવાઈ છે. લેખક કહે છે કે બંગાળીઓ જે રીતે ‘મા’ બોલે છે, તે રીતે બીજા બોલી શકતા નથી. વળી બંગાળમાં આ ક્ષેત્રમાં જે સાહિત્ય મળે છે, તે બીજે ઓછું છે. લેખકે આધુનિક કાળમાં શ્રી રામકૃષ્ણ પરમહંસ, શ્રી અરવિંદ તથા શ્રી સત્યદેવની શક્તિસાધના વિશે પણ વાત કરી છે. શાક્ત પદાવલિના પ્રસિદ્ધ કવિ રામપ્રસાદના ‘શ્યામાગાન’ની માર્મિકતા વૈષ્ણવ પદાવલિ અનુષંગે ચર્ચી છે. ઊડિયા કવિ સારલાદાસના મહાભારતમાં મહિષાસુરમર્દિની દેવીએ મહિષાસુરનો વધ વિવસના થઈ અસુરને મોહિત કરી, તેની દુર્બલ ક્ષણોમાં કેવી રીતે કર્યો, તે અવતરણ આપી બતાવ્યું છે. આ ગ્રંથનો સાથી ગ્રંથ ડૉ. દાસગુપ્ત દ્વારા રચિત ‘શ્રીરાધાર ક્રમવિકાસ’ છે. અધ્યયનની સામગ્રી એકઠી કરવાનો શ્રમ અને એ સામગ્રીના પરીક્ષણની વિવેકર્દષ્ટિ ડૉ. દાસગુપ્ત પાસે છે અને સૌથી મોટી વિશેષતા તો રસપ્રદ રૂપે પોતાના વિષયનું તેઓ નિરૂપણ કરે છે તે છે. આ ગ્રંથને 1961ના વર્ષનો સાહિત્ય અકાદમી, દિલ્હીનો ઍવૉર્ડ પ્રાપ્ત થયો છે.
ભોળાભાઈ પટેલ