ભારતેન્દુ હરિશ્ચંદ્ર

January, 2001

ભારતેન્દુ હરિશ્ચંદ્ર (જ. 9 સપ્ટેમ્બર 1850; અ. 6 જાન્યુઆરી 1885) : અગ્રણી અર્વાચીન હિન્દી કવિ. અર્વાચીન હિન્દી સાહિત્ય અન્વયે સૌપ્રથમ ભારતેન્દુ હરિશ્ચંદ્રનું નામ લેવું પડે. અર્વાચીન હિન્દી સાહિત્યના જન્મદાતા તથા ભારતીય નવોત્થાનના પ્રતીક સમા ભારતેન્દુ હરિશ્ચંદ્રનું શૈશવ દુ:ખદ રહ્યું. 5 વર્ષની વયે માતા પાર્વતીદેવીનું અને 10 વર્ષની વયે પિતાનું અવસાન થયેલું. આ સ્થિતિમાં તેમનો ઉછેર દાઈ કાલીકદમા અને નોકરો દ્વારા થયો. તેઓ કુશાગ્ર બુદ્ધિના હતા. તેમણે બનારસની કિંગ્ઝ કૉલેજમાં શિક્ષણ મેળવ્યું. એ વખતના ‘સિતાર-એ-હિન્દ’ તરીકે ઓળખાતા રાજા શિવપ્રસાદને ત્યાં તેઓ અંગ્રેજી શીખવા જતા. તેઓ આપમેળે હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃતની સાથે સાથે મરાઠી, બંગાળી, ગુજરાતી, મારવાડી, પંજાબી અને ઉર્દૂ જેવી ભારતીય ભાષાઓ શીખ્યા.

13 વર્ષની નાની વયે કાશીનાં મન્નાદેવી સાથે તેમનું લગ્ન થયું. ત્યારપછી 15 વર્ષની વયે દેશના વિવિધ ભાગોમાં ફરવાની તક મળતાં તેઓ પ્રત્યેક સ્થળની સાહિત્યિક ગતિવિધિઓનું અધ્યયન કરતા તથા દેશપ્રેમપૂર્વક માતૃભાષાના ઉદ્ધારનાં પ્રવચનો પણ કરતા. આથી 1880માં પંડિત રઘુનાથ, પંડિત સુધાકર દ્વિવેદી અને પંડિત રામેશ્વરદત્ત વ્યાસ વગેરેએ હરિશ્ચંદ્રને ‘ભારતેન્દુ’ની પદવીથી વિભૂષિત કર્યા.

1884નો એમનો પ્રવાસ આખરી નીવડ્યો. કેવળ 34 વર્ષ અને ચાર મહિનાની અવસ્થાએ તેમનું દેહાવસાન થયું. આટલી નાની વયે તો તેમણે દેશની અને હિન્દી ભાષા-સાહિત્યની જે સેવા કરી તે સદાને માટે સ્મરણીય રહેશે. તેમને બે પુત્રો અને એક પુત્રી હતાં. પુત્રોનું તો તેમના શૈશવમાં જ અવસાન થઈ ગયેલું. પુત્રી વિદ્યાવતી શિક્ષિત હતી. ભારતેન્દુનાં પત્ની મન્નાદેવીએ 42 વર્ષનું વૈધવ્ય ભોગવીને 1926માં દેહત્યાગ કર્યો. તેઓ સદગુણી હતાં.

ભારતેન્દુજી પ્રેમી જીવ હતા; સંવેદનશીલ અને શીઘ્રકવિ પણ હતા. આર્થિક સંઘર્ષમાં તેમનું જીવન પસાર થયું. લોકો તેમને અજાતશત્રુ કહેતા. દેશપ્રેમ, ભાષાપ્રેમ, સાહિત્યપ્રેમ અને ઈશ્વરપ્રેમના કારણે તેઓ ખ્યાતનામ બન્યા હતા. તેઓ દ્રષ્ટા હતા. તેઓ એ જાણતા હતા કે અંગ્રેજોએ ભારતીઓનું આર્થિક શોષણ કર્યું છે, તો બીજી બાજુ ભવિષ્યમાં વિકાસ કરવા માટે ભારતીઓએ અંગ્રેજો પાસેથી પણ ઘણુંબધું શીખવાનું છે, ખાસ કરીને જ્ઞાનવિજ્ઞાનની બાબતમાં, એમ પણ તેઓ માનતા હતા.

‘નિજભાષાઉન્નતિ’ની ર્દષ્ટિએ એમણે 1868, 1873 અને 1874માં ક્રમશ: ‘કવિવચનસુધા’, ‘હરિશ્ચંદ્ર મૅગેઝીન’ (જે આઠ મહિના પછી ‘હરિશ્ચંદ્ર ચંદ્રિકા’ એ નામે અને પછી 1884માં ‘નવોદિતા’ને નામે પ્રકાશિત થયેલું) અને સ્ત્રીઓના ઉદ્ધાર માટે ‘બાલાબોધિની’ જેવાં નોંધપાત્ર સામયિકોનું પ્રકાશન કર્યું. 1873માં તેમણે વૈષ્ણવ ધર્મ અને દેશભક્તિના પ્રચારાર્થે ‘તદીય સમાજ’ની સ્થાપના કરી.

ભારતેન્દુજી પાસેથી 20 નાટક, 8 નવલકથાઓ, 28 કાવ્ય, 7 સ્તોત્ર, 8 અનુવાદ, 9 પરિહાસ, 27 ધર્મ તથા ઇતિહાસ અને 75 વ્યાખ્યાન વગેરેનાં પ્રકાશનો પ્રાપ્ત થયાં છે. જોકે રાધાકૃષ્ણ દાસની સૂચિ પ્રમાણે તો હજુ અનેક ગ્રંથો અપ્રકાશિત તથા અપ્રાપ્ય છે.

નાટકોમાં અનૂદિત અને મૌલિક બેય પ્રકારનાં નાટકો છે. વળી સામાજિક, ધાર્મિક, પૌરાણિક, ઐતિહાસિક તથા રાષ્ટ્રવિષયક નાટકો પણ છે. તેમાં ક્રમશ: ‘વિદ્યાસુન્દર’ (1868), ‘પાખંડવિડંબન’ (1872), ‘ધનંજયવિજય’ (1873), ‘કર્પૂરમંજરી’ (1875), ‘ભારત-જનની’ (1877) અને ‘મુદ્રારાક્ષસ’ (1874) નાટક અનૂદિત છે. મૌલિક નાટકોમાં ‘વૈદિકી હિંસા હિંસા ન ભવતિ’ (1873), ‘સત્ય હરિશ્ચંદ્ર’ (1875), ‘શ્રી ચન્દ્રાવલી’ (1876), ‘વિષયસ્ય વિષમૌષધમ્’ (1876), ‘ભારતદુર્દશા’ (1876) વગેરે છે. તેમનાં વિવિધ સાહિત્યપ્રકારનાં પ્રકાશનોમાં નાટ્યશાસ્ત્ર અંગે ‘નાટક’ (1883), ભાષા અંગે ‘હિન્દી ભાષા’ (1890), ઇતિહાસ-પુરાતત્વ અંગે ‘કાશ્મીરકુસુમ’, ‘મહારાષ્ટ્ર દેશ કા ઇતિહાસ’ અને ‘રામાયણ કા સમય’ (1871) ઉલ્લેખનીય છે. નવલકથાઓમાં ‘પૂર્ણપ્રકાશ’ અને ‘ચન્દ્રપ્રભા’ (1889) ગણનાપાત્ર છે.

તેમની કાવ્યરચનાઓથી સ્પષ્ટ થાય છે કે તેમણે હિન્દી કાવ્યસાહિત્યને નવીન વૈવિધ્યપૂર્ણ તથા વ્યાપક પ્રદાન કર્યું છે. તેમની રચનાઓમાં શૃંગાર, ભક્તિ અને દિવ્ય પ્રેમની અભિવ્યક્તિ સવિશેષ પ્રસ્તુત થયેલી છે; જેમ કે, ‘ભક્તિસર્વસ્વ’ (1870), ‘કાર્તિકસ્નાન’, ‘વૈશાખમાહાત્મ્ય’ (1872), ‘દેવીલીલા’ (1873), ‘પ્રાત:સ્મરણમંગલ-પાઠ’ (1873), ‘તન્મય લીલા’ (1874), ‘પ્રબોધિની’ (1874), ‘શ્રીનાથ-સ્તુતિ’ (1877), ‘ભક્તિસૂત્રવૈજયંતી’ વગેરે. દિવ્યપ્રેમ-વિષયક રચનાઓમાં ‘પ્રેમમાલિકા’ (1871), ‘પ્રેમસરોવર’ (1873), ‘પ્રેમમાધુરી’ (1875) અને ‘પ્રેમપ્રલાપ’(1877)નો સમાવેશ થાય છે. વળી ઉર્દૂમાં ‘રસા’ના નામથી તેઓ કવિતા કરતા. વ્યંગ્ય અને હાસ્યની ર્દષ્ટિએ તેમનાં ‘સ્યાપા’ (1874) અને ‘બન્દરસભા’ (1874) ઉલ્લેખનીય છે. ટૂંકમાં, આધુનિક હિન્દી સાહિત્યના કર્ણધાર સમા ભારતેન્દુ હરિશ્ચંદ્ર પોતાના વ્યક્તિત્વ અને કર્તૃત્વ દ્વારા ઊંડી છાપ મૂકી ગયા છે.

આમ, તેઓ યુગનિર્માતા લેખક હતા. આ જ કારણે હિન્દીના અર્વાચીન કાળના આરંભને ‘ભારતેન્દુયુગ’ કહેવામાં આવે છે. અંગ્રેજોની એમણે પ્રશંસા કરેલી છે તો તેમનાં કુકર્મો અંગે તેમને ઠપકાર્યા પણ છે; જેમ કે, ‘ભારતદુર્દશા’ નાટકમાં તેઓ કહે છે –

વહૈ ઉદૈપુર, જૈપુર, દીવ, પન્ના, આદિક રાજ,

પરવસ ભયે ના સોચિ સક હિં, કધું કરિ નિજબલ બેજાજ !

તેમણે લેખકોને સંગઠિત કર્યા અને તેમને લેખન દ્વારા રાષ્ટ્રધર્મ તરફ વાળવા પ્રયાસો કર્યા હતા. સમગ્રતયા હિન્દીના વર્તમાન સ્વરૂપનો સર્વાધિક યશ તેમને શિરે જાય છે.

રજનીકાન્ત જોશી