ભારતી, ધર્મવીર (જ. 1926, અલ્લાહાબાદ; અ. 1998) : હિંદી ભાષાના લેખક. પિતા ચિરંજીવલાલ શર્મા અને માતા ચંદાદેવી. આઠમા ધોરણમાં હતા ત્યારે પિતાનું અવસાન થતાં મામાની છત્રછાયામાં અભ્યાસ કર્યો. 1942ની ‘હિંદ છોડો’ ચળવળમાં ભાગ લીધો અને અભ્યાસમાં વિઘ્ન આવ્યું. 1945માં બી.એ.માં સર્વાધિક ગુણ મેળવી ‘ચિંતામણિ ઘોષ મંડલ’ પુરસ્કાર મેળવ્યો. એમ.એ. કર્યા પછી ‘સિદ્ધ સાહિત્ય’ પર સંશોધનકાર્ય કર્યું. શરૂઆતમાં અલ્લાહાબાદ યુનિવર્સિટીમાં હિંદીના અધ્યાપક તરીકે કાર્ય કર્યું. સાથોસાથ ‘પરિમલ’ જેવી સાહિત્યસંસ્થા દ્વારા સાહિત્યિક ચળવળને વેગ આપ્યો. 1956માં મુંબઈ જઈ ‘ધર્મયુગ’ સામયિકનું સંપાદકપદ સંભાળ્યું અને સામાન્ય વાચકને સાહિત્યાભિમુખ કરવામાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો. સંપાદક તરીકે જોખમ ખેડીને સપ્ટેમ્બર 1971માં મુક્તિવાહિની સાથે બાંગ્લાદેશની ગુપ્ત યાત્રા કરી અને યુદ્ધનો પ્રથમદર્શી અહેવાલ લઈ આવ્યા; ઇંગ્લૅન્ડ, યુરોપ, જર્મની, ઇન્ડોનેશિયા તથા થાઇલૅન્ડના પ્રવાસો કર્યા. 1972માં તેમને ‘પદ્મશ્રી’નો ખિતાબ મળ્યો.
ભારતીની બહુમુખી પ્રતિભાએ નવલકથા, કવિતા, ટૂંકી વાર્તા, ગીતિ-નાટ્ય, એકાંકી તથા વિવેચનના ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કર્યું છે. ભારતી મૂળભૂત રીતે રંગદર્શી રચનાકાર છે. તેમની રંગદર્શિતાનું સફળ ઉદાહરણ છે 1949માં પ્રકાશિત ‘ગુનાહોં કા દેવતા’ નામની નવલકથા. અહીં સુધા અને ચંદરના પ્લેટૉનિક પ્રેમ દ્વારા મધ્યમવર્ગીય સમાજના વાસ્તવનું રોમૅન્ટિક નિરૂપણ થયું છે. એમની બીજી નોંધપાત્ર નવલકથા ‘સૂરજ કા સાતવાં ઘોડા’(1952)માં બીજે છેડે જઈને ભારતી વાસ્તવવાદી પૃષ્ઠભૂમિમાં હાસ્ય અને વિડંબન દ્વારા નિમ્ન- મધ્યમવર્ગની આંતરબાહ્ય વિષમતાઓનું કલાત્મક નિરૂપણ કરે છે. અહીં કથાસરિત્સાગરની શૈલીમાં 7 બપોરની 7 વાર્તાઓમાં કથાકથક માણિકમુલ્લાના પાત્ર દ્વારા એકત્વ સિદ્ધ થયું છે.
1951માં ‘દૂસરા સપ્તક’માં ભારતીની એકસાથે 12 કાવ્યરચનાઓ પ્રગટ થઈ. પછી ‘ઠંડા લોહા’ અને ‘સાત ગીત વર્ષ’ કાવ્યસંગ્રહો આવ્યા. ભારતીની કવિતામાં આધુનિક માનવીની સંકુલ અનુભૂતિઓ હોય કે માંસલ પ્રણયભાવના, બધે રંગદર્શિતા અને બૌદ્ધિકતાનું દ્વૈત દેખાય છે. ભાવાત્મક સઘનતા અને કલ્પન-પ્રતીકનો કલાત્મક વિનિયોગ તેમની કવિતાને સ્વત્વ અર્પે છે.
આધુનિક ભાવબોધ અને ગીતિ-નાટ્યના ક્ષેત્રે સ્વરૂપગત પ્રયોગની ર્દષ્ટિએ ‘અંધા યુગ’ (1954) એક સીમાચિહ્ન છે. મહાભારતના યુદ્ધની અંતિમ સંધ્યાનું વિષયવસ્તુ લઈ અહીં યુદ્ધોત્તર સમયમાં માનવ-મૂલ્યોના સંકટની અભિવ્યક્તિ છે. અંધકાર જ્યોતિનો માર્ગ ચીંધે છે. ‘કનુપ્રિયા’(1959)માં પણ રાધાકૃષ્ણના પ્રણયને અસ્તિત્વવાદી ર્દષ્ટિએ જોવાનો પ્રયત્ન છે.
અન્ય રચનાઓમાં ‘ચાંદ ઔર ટૂટે હુએ લોગ’ તથા ‘બંદ ગલી કા આખિરી મકાન’ જેવા વાર્તાસંગ્રહો અને ‘પ્રગતિવાદ : એક સમીક્ષા’, ‘માનવમૂલ્ય ઔર સાહિત્ય’ તથા ‘સિદ્ધ સાહિત્ય’ જેવા વિવેચનગ્રંથો છે. વિવેચનમાં ભારતીની મૂલ્યાન્વેષી ર્દષ્ટિ જોવા મળે છે. હિંદી સાહિત્યમાં પ્રયોગવાદી રચનાકાર ધર્મવીર ભારતીનું મહત્વપૂર્ણ પ્રદાન છે.
બિંદુ ભટ્ટ