ભારતીય વિદ્યા (indology) : ભારતના બધા સમયખંડનાં ઇતિહાસ અને સંસ્કૃતિનાં બધાં પાસાંઓનું અધ્યયન, સર્વેક્ષણ અને સંશોધન. જ્યારથી પશ્ચિમી પ્રજાઓ, વિશેષ રૂપે યુરોપીય પ્રજાઓ, આપણા દેશના સંપર્કમાં આવી ત્યારથી તે પ્રજાઓમાં પૌરસ્ત્ય ભૂમિ ભારત વિશે જાણવાની વૃત્તિ વિકસતી ગઈ. આ પ્રજાઓને ભારત એક નૂતન વાણિજ્યતીર્થ અને રાજકીય તીર્થભૂમિ તરીકે જ નહિ, ભારતીય વિદ્યા નામના અન્વેષણના પણ નવા તીર્થ તરીકે આકૃષ્ટ કરતું રહ્યું. ખાસ કરીને ભારતમાંના જ્ઞાનરસિક અંગ્રેજ અધિકારીઓ આ ક્ષેત્રના અગ્રેસર થયા. આ અધિકારીઓએ ‘ઇન્ડૉલૉજી’ નામથી ભારતમાં અધ્યયન-અન્વેષણકાર્ય હાથ ધર્યું. જોકે તે પૂર્વે પણ ‘ભારતીય વિદ્યા’ના ક્ષેત્રે અધ્યયન-અધ્યાપન-અન્વેષણની ત્રિવેણીપ્રક્રિયા અસ્તિત્વમાં હતી જ. ભારતના મનીષીઓ એમાં સક્રિય હતા જ. પણ ભારતીય મનીષીઓને તેઓ ભારતના વતની હોઈ તેમની ઉપર્યુક્ત ત્રિવિધ જ્ઞાનપ્રવૃત્તિને ‘ભારતીય વિદ્યા’ એવું નામાભિધાન કરવાની જરૂર જણાઈ ન હતી. યુરોપીય પ્રજાઓનાં આગમન-આક્રમણ પછી પ્રસ્તુત ક્ષેત્રને આંતરરાષ્ટ્રીય મહત્વ પ્રાપ્ત થયું. બ્રિટિશ અધ્યેતાઓનાં અન્વેષણકાર્યોને કારણે ભારતીય અધ્યેતાઓની નિષ્ક્રિયતા દૂર થઈ અને તેમણે પણ અધ્યયન-અન્વેષણક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કર્યું. ખાસ કરીને ઓગણીસમી અને વીસમી સદીના પ્રથમ ચરણ દરમિયાન સીમાચિહ્નરૂપ ભારતીય વિદ્યાવિદોએ કાર્યો કર્યાં. તેથી તો ભારતીય ઇતિહાસના ઘણા તબક્કાઓની ઘટનાઓની જાણકારી ઉપલબ્ધ થઈ.
આરંભમાં ફ્રેન્ચ સાહિત્યમાં ઓગણીસમી સદીના પ્રારંભે ‘Andolo’ (અર્થાત્ ભારત વિશે જાણકારી ધરાવનાર વ્યક્તિ) શબ્દ પ્રયોજાયો. તે ઉપરથી ‘Andology’ (અર્થાત્ ભારત વિશેનું જ્ઞાન) શબ્દ પ્રચારાયો અને તે અંગ્રેજી ભાષામાં ‘Indology’ શબ્દ તરીકે રૂપાંતરિત થયો. આમ, ‘ઇન્ડૉલૉજી’ શબ્દથી ‘ભારત વિશેની જાણકારી’ એવી સમજ કેળવાઈ.
ભારતને આઝાદી મળી ત્યાં સુધી અંગ્રેજી પ્રભાવ હેઠળ ‘ભારતીય વિદ્યા’નું કાર્યક્ષેત્ર સાવ સીમિત હતું અને તદનુસાર તેના અધ્યયનમાં અન્વેષણમાં પ્રાચીન ભારતીય ઇતિહાસ, પ્રશિષ્ટ સાહિત્ય, ધર્મ અને ફિલસૂફી, પ્રાચીન કલા અને સ્થાપત્ય આદિ સાંસ્કૃતિક પરંપરાઓનો સમાવેશ થતો હતો. સ્વાતંત્ર્યોત્તર સમયમાંય થોડાં વર્ષો સુધી ભારતીય વિદ્વાનોએ પણ અંગ્રેજો દ્વારા મળેલી ‘ભારતીય વિદ્યા’ની સીમિત સમજ અનુસાર કાર્ય કર્યું. અંગ્રેજોએ ‘ભારતીય વિદ્યા’ને પુરાતત્વનું અંગ ગણ્યું અને તેની સમયાવધિ ઈ. પૂ. 1500થી ઈ. સ. 1000 સુધીની સ્વીકારી. ‘પુરાતત્વ’ શબ્દના અર્થાનુસાર અંગ્રેજોએ ‘ઇન્ડૉલૉજી’ના કાર્યક્ષેત્રમાં સંસ્કૃત-પ્રાકૃત-પાલિ ભાષાઓના અધ્યયનનો સમાવેશ કર્યો. તદનુસાર ઈ. સ. 1000 પછીનો સમય ‘ઇન્ડૉલૉજી’ના અધ્યયનના કાર્યક્ષેત્રની બહાર રખાયો.
નહેરુ-યુગના અસ્ત પછી ‘ભારતીય વિદ્યા’નાં અધ્યયન-અધ્યાપન-અન્વેષણનાં કાર્યક્ષેત્ર અતિ વિસ્તૃત બન્યાં અને એની વિભાવના વધુ વ્યાપક બની. તદનુસાર ભારતીય ઉપખંડને સ્પર્શતી બધી જ બાબતોનાં બધા સમયનાં અધ્યયન-અન્વેષણ ભારતીય વિદ્યાના કાર્યક્ષેત્ર તરીકે પ્રસ્થાપિત થયાં અને સર્વગ્રાહી અભિગમયુક્ત, આંતરવિદ્યાકીય પદ્ધતિનું અધ્યયન-અધ્યાપન-અન્વેષણ અમલમાં આવ્યાં. એ રીતે આ વિષયનું અધ્યયન-સંશોધન સઘન અને વિશાળ બનવા સાથે વૈવિધ્યપૂર્ણ બન્યું. વળી ભારતીય સંસ્કૃતિનાં વિશિષ્ટ લક્ષણોની અસર હેઠળ આવેલા પ્રદેશોનાં અન્વેષણનો પણ એમાં સમાવેશ થયો. તેમાં નવી દિશાઓ, નવાં પરિમાણો અને ગુણાત્મક પદ્ધતિઓ આમેજ થવાથી ભારતીય વિદ્યાનું સ્વરૂપ ખરેખરું વિકસ્યું.
એક રીતે જોઈએ તો, ભારતીય વિદ્યાનો પ્રારંભ અલબત્ત, અપ્રત્યક્ષ રીતે આપણા દેશમાં જો કોઈ વિદેશીએ કર્યો હોય તો તે વૉરન હેસ્ટિંગ્ઝે. તેઓ બંગાળના ગવર્નર તરીકે કૉલકાતા આવ્યા ત્યારથી તેમનું સ્પષ્ટ માનવું હતું કે પોતાના રિવાજો અને પરંપરાઓનું ભારતીયોએ પાલન કરવું જોઈએ અને તદનુસાર બ્રિટિશ કાયદો અને બ્રિટિશ મૂલ્યોને ભારતની પ્રજા ઉપર લાદવાં નહિ એવી નીતિ અમલમાં મૂકવી જોઈએ. આ નીતિને પરિણામે હિંદુ ધર્મશાસ્ત્રોનો અભ્યાસ અનિવાર્ય બન્યો. એ નિમિત્તે વ્યવસ્થિત અને પદ્ધતિસર અભ્યાસનો પ્રારંભ કર્યો કોલકાતાની વડી અદાલતના ન્યાયમૂર્તિ સર વિલિયમ જૉન્સે 15–10–1784ના રોજ ‘એશિયાટિક સોસાયટી ઑવ્ બૅંગૉલ’ની સ્થાપના કરીને. આ પછી આ સંસ્થાના ઉપક્રમે શોધખોળ-અન્વેષણ અને અધ્યયનમાં ઘણી પ્રગતિ ઉત્તરોત્તર થતી રહી; અલબત્ત, ભારતીય વિદ્યાનાં સીમિત પણ વિવિધ પાસાંઓ સંદર્ભે આથી અને અન્ય શિક્ષણ-સંસ્થાઓના સહકાર અને પુરુષાર્થને પરિણામે ભારતના સાંસ્કારિક-સાંસ્કૃતિક વારસા વિશે પુષ્કળ પ્રમાણમાં પુરાવાઓ પ્રાપ્ત થતા રહ્યા. એક તરફ અભ્યાસનાં પરિણામો પ્રગટ કરવાની અને બીજી બાજુ એકત્રિત થયેલી ઐતિહાસિક સામગ્રીને સંગૃહીત કરવાની જરૂર ઊભી થઈ. પરિણામે 1788માં ‘એશિયાટિક રિસર્ચિઝ’ નામનું મુખપત્ર શરૂ થયું અને 1814માં એક સંગ્રહાલય પણ સ્થાપવામાં આવ્યું, જે પછીથી ‘ઇન્ડિયા મ્યુઝિયમ’થી જાણીતું થયું. બંગાળમાં શરૂ થયેલી ભારતીય વિદ્યાનાં અધ્યયન-અન્વેષણ-પ્રવૃત્તિની અસર પ્રસરતાં 1804માં મુંબઈમાં અને 1818માં ચેન્નઈમાં ‘લિટરરી સોસાયટી’ નામની સંસ્થાઓ સ્થપાઈ. બંનેના ઉદ્દેશ એશિયાટિક સોસાયટીને અનુરૂપ હતા. આ પછી ભારતીય વિદ્યામાં થયેલાં અન્વેષણોને પ્રજાપ્રત્યક્ષ કરવા સંદર્ભે કેટલાંક સામયિકો પ્રગટવાં શરૂ થયાં : ‘જર્નલ ઑવ્ ધી એશિયાટિક સોસાયટી ઑવ્ બૅંગૉલ’, ‘જર્નલ ઑવ્ ધ બૉમ્બે બ્રાન્ચ ઑવ્ ધ રૉયલ એશિયાટિક સોસાયટી’, ‘ઇન્ડિયન ઍન્ટિક્વેરી’ (1872), કૉપર્સ ઇન્સ્ક્રિપ્શનમ ઇન્ડિકેરમ’ (1877), ‘એપિગ્રાફિકા ઇન્ડિકા’ ઇત્યાદિ. 1851માં મદ્રાસ મ્યુઝિયમ, 1863માં લખનૌ પ્રાદેશિક મ્યુઝિયમ અને નાગપુર સંગ્રહાલય, 1874માં મથુરાનું કર્ઝન મ્યુઝિયમ ઑવ્ આર્કિયૉલૉજી, 1901માં જૂનાગઢ મ્યુઝિયમ, 1910માં સારનાથ સંગ્રહાલય, 1921માં પ્રિન્સ ઑવ્ વેલ્સ મ્યુઝિયમ ઑવ્ વેસ્ટર્ન ઇન્ડિયા, 1917માં પટના મ્યુઝિયમ, 1931માં આશુતોષ મ્યુઝિયમ ઇત્યાદિ સંગ્રહાલયોની સ્થાપના થઈ. પ્રિન્સેપ, કનિંગહમ, બર્જેસ, બ્યૂહલર, સેનાર્ત, કિલ્હૉર્ન, હુલ્ત્શ, લ્યૂડર, ફ્લિટ, માર્શલ, ફૉગેલ જેવા પશ્ચિમી વિદ્વાનોએ, તો પંડિત ભગવાનલાલ ઇન્દ્રજી, ડૉ. ભાઉ દાજી, રાજેન્દ્રલાલ મિત્ર, રામકૃષ્ણ ગોપાલકૃષ્ણ ભાંડારકર, હેમચંદ્ર રાયચૌધરી, દત્તાત્રય રામકૃષ્ણ ભાંડારકર, રાખાલદાસ બૅનરજી, હરપ્રસાદ શાસ્ત્રી, દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી, આનંદશંકર બાપુભાઈ ધ્રુવ, હરિપ્રસાદ ગાં. શાસ્ત્રી જેવા ભારતીય વિદ્વાનોએ ભારતીય વિદ્યાની અન્વેષણ-પ્રવૃત્તિમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે.
આમ, આ બધી સંસ્થાઓ અને સામયિકોના તથા સારસ્વતોના વ્યક્તિગત અને સહકારી પ્રયાસોથી વેદો, મહાકાવ્યો, પુરાણો, ધર્મશાસ્ત્રો, સ્મૃતિઓ, પ્રશિષ્ટ સાહિત્ય, પ્રાકૃત-સંસ્કૃત અભિલેખો, પ્રાચીન ભાષાઓ, વિવિધ સંપ્રદાયો, ફિલસૂફીની વિધવિધ પદ્ધતિઓ ઇત્યાદિ ક્ષેત્રોમાં સીમિત સમયાવધિમાં પરિણામદાયી અને અર્થપૂર્ણ અન્વેષણો અને પ્રકાશનો થતાં રહ્યાં. ગુજરાત પણ આવાં અન્વેષણોમાં પાછળ ન રહ્યું.
1887માં વજેશંકર ગૌરીશંકર ઓઝાએ ‘ભાવનગર પ્રાચીન શોધસંગ્રહ’ પ્રગટ કરીને ભારતીય વિદ્યાના ક્ષેત્રે ભોંય ભાંગી. ભાવનગર રાજ્યના પુરાતત્વ વિભાગ તરફથી ‘એ કલેક્શન ઑવ્ પ્રાકૃત ઍન્ડ સંસ્કૃત ઇન્સ્ક્રિપ્શન્સ’ ગ્રંથ પ્રગટ થયો. તે પછી ગિરિજાશંકર વલ્લભજી આચાર્યે ‘ગુજરાતના ઐતિહાસિક લેખો’ના ત્રણ ગ્રંથ 1933, 1935 અને 1942માં પ્રગટ કર્યા. આ પૂર્વે આઝાદીની ચળવળના ભાગ રૂપે 18–10–1920ના રોજ મહાત્મા ગાંધીજીએ સ્થાપેલી ઉચ્ચ શિક્ષણની સંસ્થા ગૂજરાત વિદ્યાપીઠના એક મહત્વના અંગ રૂપે 28–11–1920ના રોજ ‘ગૂજરાત સંશોધન મંદિર’ની સ્થાપનાથી ભારતીય વિદ્યાનાં અધ્યયન-અધ્યાપન-અન્વેષણની પરંપરાનો પ્રારંભ થઈ ચૂક્યો હતો. એકાદ મહિના પછી 22–12–1920ના રોજ આ સંસ્થા ‘ગૂજરાત પુરાતત્વ મંદિર’નું નામકરણ પામી અને મુનિ જિનવિજયજી, પંડિત સુખલાલજી, પંડિત બેચરદાસ દોશી, પંડિત ધર્માનંદ કોસાંબી, આચાર્ય કાકાસાહેબ કાલેલકર, રામનારાયણ વિશ્વનાથ પાઠક, રસિકલાલ છોટાલાલ પરીખ, રામચંદ્ર બ. આઠવલે અને મૌલવી અબુ ઝફર નદવી જેવા મનીષીઓએ ભારતીય વિદ્યાનાં અધ્યયન-અધ્યાપન તથા અન્વેષણના કામને આગળ વધાર્યું. એમના આ પ્રયાસોનાં પરિણામો એક તરફ ‘પુરાતત્વ’ (1922) ત્રિમાસિકમાં તો બીજી તરફ ગ્રંથો(ગૂજરાત પુરાતત્વ ગ્રંથાવલી)ના સ્વરૂપે પ્રગટ થતાં રહ્યાં. ગૂજરાત વિદ્યાપીઠની જેમ ગુજરાત વિદ્યાસભાએ પણ ભારતીય વિદ્યાના ક્ષેત્રે ઍલેક્ઝાંડર કિન્લૉક ફૉર્બ્સની રાહબરી હેઠળ ત્રિવેણીકાર્ય સંપન્ન કર્યું અને તેનાં પરિણામો ‘બુદ્ધિપ્રકાશ’ માસિકમાં પ્રગટ થતાં રહ્યાં. આ જ અરસામાં મુનિ જિનવિજયજીએ ‘પ્રાચીન જૈનલેખસંગ્રહ’ના બે ભાગ પ્રગટ કરેલા.
કલકત્તા વિશ્વવિદ્યાલયે 1918માં સહુપ્રથમ વખત પારંગત કક્ષાએ ‘ઍન્શિયન્ટ ઇન્ડિયન હિસ્ટરી ઍન્ડ કલ્ચર’નો અભ્યાસક્રમ શરૂ કરી ભારતીય વિદ્યાના ક્ષેત્રમાં અન્વેષણ-કાર્યકર્તાઓ તૈયાર કરી આપવાનું કાર્ય કર્યું. આ પછી દેશનાં અન્ય વિશ્વવિદ્યાલયોમાં આ વિષયનું અધ્યાપન-અન્વેષણ પ્રારંભાયું. આઝાદી પૂર્વે મુખ્યત્વે ભારતનો પ્રાચીન રાજકીય ઇતિહાસ, અભિલેખવિદ્યા, સિક્કાવિજ્ઞાન, ધર્મ અને તત્વજ્ઞાન તથા રાજકીય અને સામાજિક સંસ્થાઓ પૂરતું વિદ્યાકાર્ય થતું રહેતું હતું; પરંતુ ભારતીય પ્રાગૈતિહાસિક અને આદ્યૈતિહાસિક યુગોનાં ઇતિહાસ અને સંસ્કૃતિ, ક્ષેત્રીય પુરાવસ્તુવિદ્યા, ઐતિહાસિક ભૂગોળ, લલિત કલાઓ અને વિદેશો સાથેના પૂર્વકાલીન ભારતના સંબંધો વિશેના મુદ્દાઓ પરત્વે ઓછું ધ્યાન અપાતું હતું. સ્વાતંત્ર્યોત્તર સમયમાં આ બધાં પાસાંઓનું મહત્વ વધારે ને વધારે પ્રમાણમાં સ્વીકારાતું થયું. કોલકાતા, બનારસ, અલ્લાહાબાદ, પટના, નાગપુર, પુણે, સાગર, વડોદરા, મદ્રાસ ઇત્યાદિ વિશ્વવિદ્યાલયોએ આ ક્ષેત્રને વિકસાવવામાં સારું પ્રદાન કર્યું. ગુજરાત વિદ્યાસભા સંચાલિત શેઠશ્રી ભોળાભાઈ જેસિંગભાઈ અધ્યયન-સંશોધન વિદ્યાભવને પણ પારંગત કક્ષાએ પ્રાચીન ભારતીય સંસ્કૃતિ, સંસ્કૃત ભાષા-સાહિત્ય વગેરેના અભ્યાસક્રમો મારફતે ભારતીય વિદ્યાના ક્ષેત્રને પ્રદાન શરૂ કર્યું. પુણેની ભાંડારકર ઓરિયેન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને ડેક્કન કૉલેજ ઑવ્ પોસ્ટ ગ્રૅજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ, પટનાની કાશીપ્રસાદ જાયસ્વાલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને બિહાર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, અલ્લાહાબાદની ગંગનાથ ઝા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, મુંબઈનું ભારતીય વિદ્યાભવન, હોશિયારપુરની વિશ્વેશ્વરાનંદ વૈદિક ઇન્સ્ટિટ્યૂટ અને વડોદરાની પ્રાચ્યવિદ્યા મંદિર જેવી સંસ્થાઓએ અને એમનાં મુખપત્રોએ ભારતીય વિદ્યાના ક્ષેત્રે ધ્યાનાર્હ યોગદાન કર્યું છે. ભારતીય પુરાવસ્તુ સર્વેક્ષણ વિભાગે (જેની સ્થાપના અંગ્રેજોએ કરેલી) અને વિવિધ રાજ્યોમાંનાં કેટલાંક વિશ્વવિદ્યાલયોના પ્રાચીન ભારતીય ઇતિહાસ, સંસ્કૃતિ અને પુરાવસ્તુવિદ્યા વિભાગોએ તથા તેમાંના કેટલાકે સ્થાપેલાં સંગ્રહાલયોએ ભારતીય વિદ્યાનાં અધ્યયન-અન્વેષણના વૈજ્ઞાનિક વિકાસમાં ગણનાપાત્ર ફાળો નોંધાવ્યો છે. આ બધા પ્રયાસોએ પુરવાર કર્યું કે પૂર્વકાલીન ભારત ક્યારેય પાર્થક્યમાં જીવ્યું નથી. હકીકતે સમસ્ત જ્ઞાનવિદ્યાના વિકાસ અને વિસ્તરણમાં એનું નિર્ણાયક પ્રદાન રહ્યું છે.
અહીં એક બાબત નોંધપાત્ર છે કે ભારતમાં યુરોપીય પ્રજાઓના આગમનના સમયને શોધખોળનો યુગ એવું આકર્ષક નામ આપવાની પરંપરા કેટલાક ભારતીય ઇતિહાસજ્ઞોમાં છે. તો વિવિધ યુરોપીય પ્રજાઓની ભારતમાંની પ્રવૃત્તિઓથી આ દેશને થયેલા પારાવાર નુકસાનને ધ્યાનમાં રાખી તેને ‘દરિયાઈ આક્રમણોનો યુગ’ એવું નામ આપનાર પણ કેટલાક ઇતિહાસજ્ઞોનો બીજો વર્ગ છે. આ બંને ર્દષ્ટિકોણ ઇતિહાસલેખકના અભિગમ તરફ અંગુલિનિર્દેશ કરે છે.
સંસ્થાઓ અને સંશોધનપત્રિકાઓ દ્વારા ભારતીય વિદ્યાને ક્ષેત્રે અન્વેષણપ્રક્રિયા સતત થતી રહે છે. આ માટે ઑલ ઇન્ડિયા ઓરિયેન્ટલ કૉન્ફરન્સ, ઇન્ડિયન હિસ્ટરી કૉંગ્રેસ, એપિગ્રાફિકલ સોસાયટી ઑવ્ ઇન્ડિયા, ઇન્ડિયન આર્કિયૉલૉજિકલ સોસાયટી, ઇન્ડિયન હિસ્ટરી ઍન્ડ કલ્ચર સોસાયટી, આર્કિયૉલૉજિકલ સોસાયટી ઑવ્ સાઉથ ઇન્ડિયા, મિથિક સોસાયટી, પ્લેસ-નેમ્સ સોસાયટી ઑવ્ ઇન્ડિયા, ન્યૂમિસ્મૅટિક સોસાયટી ઑવ્ ઇન્ડિયા, ઇન્ડિયન હિસ્ટૉરિકલ રેકર્ડ કમિશન, ઇન્ડિયન કાઉન્સિલ ઑવ્ હિસ્ટૉરિક રિસર્ચ, ઇન્ડિયન સોસાયટી ફૉર પ્રી-હિસ્ટૉરિક ઍન્ડ ક્વાર્ટનરી સ્ટડીઝ, પ્રૉજેક્ટ ઑન ઇન્ડિયન હિસ્ટરી ઑવ્ સાયન્સ, ફિલૉસૉફી ઍન્ડ કલ્ચર, આર્કિયોલૉજિકલ સર્વે ઑવ્ ઇન્ડિયા, ઇન્ડિયન મ્યુઝિયમ ઍસોસિયેશન, તથા તે તે ક્ષેત્રની પ્રાદેશિક સંસ્થાઓ તેમજ વિશ્વવિદ્યાલયો અન્તર્ગત તે તે વિષયના વિભાગો – આ સૌ તરફથી સમયે સમયે થતાં અન્વેષણો એમનાં મુખપત્રોમાં કે વાર્ષિકીમાં અવારનવાર પ્રસિદ્ધ થતાં રહે છે; દા.ત., ‘જર્નલ ઑવ્ ઇન્ડિયન હિસ્ટૉરિકલ ક્વાર્ટર્લી’, ‘ધી ઍનલ્સ ઑવ્ ધ ભાંડારકર ઓરિયેન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ’, ‘ક્વાર્ટર્લી જર્નલ ઑવ્ ધ મિથિક સોસાયટી’, ‘ધ જર્નલ ઑવ્ ધી ઓરિયેન્ટલ ઇન્સ્ટિટ્યૂટ’, ‘જર્નલ ઑવ્ ધ ન્યૂમિસ્મૅટિક સોસાયટી ઑવ્ ઇન્ડિયા’, ‘પુરાતત્વ’, ‘ભારતીય સ્થળનામ પત્રિકા’, ‘પુરાભિલેખ’, ‘બુલેટિન ઑવ્ રામકૃષ્ણ મિશન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ કલ્ચર’ ઇત્યાદિ. ગુજરાતીમાં પ્રગટ થતાં ‘બુદ્ધિપ્રકાશ’, ‘શારદાપીઠ પ્રદીપ’, ‘ચૂનીલાલ ગાંધી વિદ્યાભવન બુલેટિન’, ‘બુલેટિન ઑવ્ મ્યુઝિયમ ઍન્ડ પિક્ચર ગૅલરી’, ‘વિદ્યાપીઠ’, ‘સ્વાધ્યાય’, ‘સંબોધિ’ અને ‘સામીપ્ય’ વગેરે પણ આ પરત્વે સક્રિય છે.
છેલ્લા બે દાયકાથી ભારતીય વિદ્યાના એક ભાગ રૂપે ‘દફતરવિદ્યા’ના અધ્યાપનનો પ્રારંભ થઈ ચૂક્યો છે. વિશ્વવિદ્યાલય અનુદાન પંચે વિશ્વવિદ્યાલયોમાં આ અંગેનો અભ્યાસક્રમ શરૂ થાય અને પ્રત્યેક વિશ્વવિદ્યાલયમાં દફતર-એકમ (archival sell) સ્થપાય તેવો ઠરાવ કર્યો છે, જેની પહેલ ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા થઈ છે. વળી પ્રત્યેક રાજ્યના દફતરભંડાર પણ ભારતીય વિદ્યાના વિકાસને પોષક પ્રવૃત્તિ કરે છે, અને તેમનાં પરિણામો એમનાં સામયિકોમાં પ્રગટ થતાં રહે છે : ‘રાજદફતર’ (ગુજરાત), ‘ઇતિહાસ’ (આંધ્રપ્રદેશ), ‘પુરાતત્વ-પુરાભિલેખ’ (ગોવા), ‘અભિલેખ’ (રાજસ્થાન), ‘મહારાષ્ટ્ર આર્કાઇવ્ઝ’ (મુંબઈ) ઇત્યાદિ.
વળી ભારતના આ સ્વાતંત્ર્યોત્તર ગાળામાં સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં લખાયેલા પ્રશિષ્ટ ગ્રંથોમાંથી કોઈ એકાદની પસંદગી કરી એમાંથી સામાજિક-સાંસ્કૃતિક સામગ્રીનું ચયન કરી એની સમીક્ષિત આવૃત્તિઓ સંપાદિત કરી પ્રકાશિત કરવાની પ્રવૃત્તિ થઈ રહી છે. તેમાં પુણેની ભાંડારકર સંસ્થાએ ‘મહાભારત’ની અને વડોદરાની પ્રાચ્યવિદ્યા મંદિરે ‘રામાયણ’ની સમીક્ષિત આવૃત્તિઓ આપી છે. અમદાવાદની ભો. જે. વિદ્યાભવન સંસ્થા પણ ‘ભાગવત’ની સમીક્ષિત આવૃત્તિ પ્રકાશિત કરવા સક્રિય છે. તે સાથે સામાન્ય જનને વિશ્વેતિહાસની અને તદન્તર્ગત ભારતના ઇતિહાસની મહત્વની માહિતી હાથવગી થાય તે સારુ હિન્દી, મરાઠી, ગુજરાતી અને બીજી કેટલીક ભાષાઓમાં ‘વિશ્વકોશ’ના ગ્રંથો પણ પ્રકાશિત થઈ રહ્યા છે.
રસેશ જમીનદાર