ભારતયુદ્ધ : પાંડવો અને કૌરવો વચ્ચે થયેલું યુદ્ધ. જન્માંધ ધૃતરાષ્ટ્રના પુત્રો અને પાંડુના અનાથ પુત્રો વચ્ચે પૈતૃક રાજવારસા માટે લાંબા સમયથી સંઘર્ષ ચાલતો હતો. આખરે એ સંઘર્ષ યુદ્ધમાં પરિણમ્યો. આ યુદ્ધ ધાર્તરાષ્ટ્રો અને પાંડવો વચ્ચે થયું હતું, પરંતુ એમાં એ બંને પક્ષના સહયોગમાં ભારતના લગભગ સર્વ રાજાઓ સંડોવાયા હતા. ધૃતરાષ્ટ્ર અને પાંડુ પુરુ કુલના હતા ને પુરુઓ ભરત જાતિના હતા. આથી આ યુદ્ધ વસ્તુત: ભરતો-ભરતો વચ્ચેનું આંતરિક યુદ્ધ હતું ને તેથી તે ‘ભારતયુદ્ધ’ તરીકે ઓળખાય છે.
આ યુદ્ધ થવાની તૈયારીમાં હતું ત્યારે શ્રીકૃષ્ણ વાસુદેવે સમાધાન કરી યુદ્ધ રોકવા ધાર્તરાષ્ટ્રો સાથે વિષ્ટિ કરી જોઈ, પરંતુ સમાધાન થઈ શક્યું નહિ. કુરુક્ષેત્રમાં ધાર્તરાષ્ટ્રો અને પાંડવોનાં વિપુલ સૈન્યો વચ્ચે ભીષણ યુદ્ધ ખેલાયું. એ કુલ 18 દિવસ ચાલ્યું. એમાં શ્રીકૃષ્ણે નિ:શસ્ત્ર રહી અર્જુનનું સારથિત્વ સ્વીકાર્યું હતું. ધાર્તરાષ્ટ્રોના પક્ષે ભીષ્મ પિતામહે સેનાપતિત્વ સંભાળી લીધું. યુદ્ધના આરંભે સ્વજનો સામે યુદ્ધમાં ઊતરતાં અર્જુનને ભારે વિષાદ થયો, તે શ્રીકૃષ્ણે વિવિધ પ્રકારે ઉપદેશ આપી દૂર કર્યો. દસ દિવસ સુધી ભીષ્મ પિતામહે યુદ્ધમાં ભારે કેર વર્તાવ્યો. આખરે દસમા દિવસે એમણે શિખંડી સામે આયુધ હેઠે મૂક્યાં ને અર્જુને એમનો પરાભવ કર્યો. તે પછીના પાંચ દિવસ આચાર્ય દ્રોણે ધાર્તરાષ્ટ્રોનું સેનાપતિપદ સંભાળ્યું. પુત્ર અશ્વત્થામા હણાયો એવો ભ્રમ થતાં પંદરમા દિવસે એ પણ નિ:શસ્ત્ર થયા ને અર્જુને એમનો વધ કર્યો. પછી બે દિવસ વીર કર્ણે દ્રોણાચાર્યનું સ્થાન સંભાળ્યું. એના રથનું ચક્ર નીકળી જતાં અર્જુને એનો વધ કર્યો. પાંડવોના પક્ષે દ્રૌપદીના પાંચેય પુત્ર તથા સુભદ્રાપુત્ર અભિમન્યુ હણાયા. અઢારમા દિવસે પૂર્વાહનમાં મદ્રરાજ શલ્યે અને અપરાહનમાં દુર્યોધને પાંડવસેનાની ટક્કર ઝીલી. શલ્યનો યુધિષ્ઠિરના હાથે વધ થયો. આખરે ભીમે ગદાયુદ્ધમાં દુર્યોધનનો વધ કર્યો. પાંડવોને તેમના અધિકારનું સમસ્ત પૈતૃક રાજ્ય પ્રાપ્ત થયું અને હસ્તિનાપુરમાં યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક થયો. ભારત યુદ્ધનો સમય ઈ.પૂ. 3102, ઈ.પૂ. પંદરમી સદી કે ઈ.પૂ. નવમી સદીનો આંકવામાં આવે છે.
હરિપ્રસાદ ગં. શાસ્ત્રી