ભારતભૂષણ (જ. 14 જૂન 1923; અ. 27 જાન્યુઆરી, 1992) : હિન્દી ચલચિત્રોના, કવિ, શાયર અને સંતની ભૂમિકાઓ દ્વારા નામના પ્રાપ્ત કરનાર અભિનેતા. મેરઠના વકીલ મોતીલાલ અગ્રવાલને ઘેર તેઓ જન્મેલા. તેમનો સ્વભાવ જન્મથી જ વિદ્રોહી હતો. આ સ્વભાવના કારણે તેમને તેમના આર્યસમાજી પિતા સાથે બનતું નહોતું. તેઓ ઘર છોડીને અલીગઢમાં દાદી પાસે જઈને રહ્યા. અભ્યાસ સાથે સંગીતનું શિક્ષણ પણ તેમણે લીધું. સ્નાતક થયા પછી આકાશવાણીના લખનૌ કેન્દ્રમાં જોડાયા. ફિલ્મોની લાલસા તેમને મુંબઈ ખેંચી લાવી. ત્યાં તેઓ મેહબૂબ અને અન્ય નિર્માતાઓને મળ્યા; કામ મળ્યું નહિ. આ દરમિયાન તેમની મુલાકાત કલકત્તાથી આવેલા રામેશ્વર શર્મા સાથે થઈ. રામેશ્વર શર્માએ કલકત્તામાં નિર્માણ પામી રહેલી ‘ભક્ત કબીર’ નામની ફિલ્મમાં કાશીના રાજકુમારની ભૂમિકાનો પ્રસ્તાવ મૂક્યો. માસિક 60 રૂપિયામાં વાત નક્કી થઈ. ફિલ્મમાં કબીરની ભૂમિકામાં પંડિત ઓમકારનાથ ઠાકુર હતા. આ મહાન સંગીતકારને નિર્માતા સાથે વાંધો પડતાં તેમણે ફિલ્મ છોડી દીધી. તેથી નિરાશા અને બેકારીથી તંગ થઈને ભારતભૂષણ પાછા ઘેર આવ્યા. અચાનક એક દિવસ કલકત્તાથી તેમના ઉપર તાર આવ્યો. ફિલ્મની મુખ્ય ભૂમિકા માટે તેમને પસંદ કરવામાં આવ્યા હતા. તેમની ફિલ્મ-યાત્રાનો પ્રારંભ થયો. ફિલ્મ સફળ થઈ. તેમના અભિનયની પ્રશંસા થઈ. તે પછીની ફિલ્મ ‘ભાઈચારા’ આર્થિક મુશ્કેલીને કારણે પૂરી થઈ શકી નહિ. દેશના ભાગલા અને કોમી રમખાણોના કારણે તેઓ કલકત્તાથી મુંબઈ આવ્યા. 1948માં કેદાર શર્માની ફિલ્મ ‘સુહાગ રાત’માં તેમને નાયકની ભૂમિકા મળી. તેમની નાયક તરીકેની ભૂમિકા ધરાવતી વિજય ભટ્ટની ફિલ્મ ‘બૈજુ બાવરા’ (1952) ઘણી લોકપ્રિય થઈ. ‘શ્રી ચૈતન્ય મહાપ્રભુ’ અને બિમલ રૉયની ‘માં’ ફિલ્મોએ ભારતભૂષણને આગલી હરોળમાં બેસાડી દીધા. ‘શ્રી ચૈતન્ય મહાપ્રભુ’ ફિલ્મની ભૂમિકા માટે તેમને સર્વશ્રેષ્ઠ અભિનેતાનો ફિલ્મફેર ઍવૉર્ડ મળ્યો. ભારતભૂષણે શ્રી વિશ્વભારતી ફિલ્મની સ્થાપના કરી, 1954માં ‘મિનાર’ ફિલ્મનું નિર્માણ કર્યું. આ ફિલ્મ નિષ્ફળ ગઈ. આ દરમિયાન તેમની નાયક તરીકેની ભૂમિકાવાળી ફિલ્મ ‘મિર્ઝા ગાલિબ’ને રાષ્ટ્રપતિનો ઍવૉર્ડ મળ્યો. નિર્માતા તરીકે ભારતભૂષણની ‘બસંતબહાર’ અને ‘બરસાત કી રાત’ ફિલ્મો સફળ નીવડી. ત્યારબાદ તેમની પડતી શરૂ થઈ. નાયક તરીકે તેમની છેલ્લી ફિલ્મ ‘જહાનઆરા’ (1964) હતી.
મુખ્ય ફિલ્મોની સૂચિ : ‘ભક્ત કબીર’ (1948). ‘ભાઈચારા’ (1948), ‘સુહાગ રાત’ (1948), ‘ચકોરી’ (1949), ‘બેબસ’ (1950), ‘ઠેસ’ (1951), ‘જન્માષ્ટમી’ (1951), ‘આંખેં’ (1951), ‘સગાઈ’ (1951), ‘દાનાપાની’ (1953), ‘ફરમાઇશ’ (1953), ‘લડકી’ (1953), ‘પહલી શાદી’ (1953), ‘શ્રી ચૈતન્ય મહાપ્રભુ’ (1953), ‘ઔરત તેરી યહી કહાની’ (1954), ‘કવિ’ (1954), ‘મિર્ઝા ગાલિબ’ (1954), ‘બસંતબહાર’ (1956), ‘ચંપાકલી’ (1957), ‘ગેટવે ઑવ્ ઇંડિયા’ (1957), ‘ફાગુન’ (1958), ‘સમ્રાટ ચંદ્રગુપ્ત’ (1958), ‘સોહની મહીવાલ’ (1958), ‘કવિ કાલિદાસ’ (1959), ‘રાની રૂપમતી’ (1959), ‘સાવન’ (1959), ‘અંગુલિમાલ’ (1960), ‘બરસાત કી રાત’ (1960), ‘ઘૂંઘટ’ (1960), ‘ગ્યારા હઝાર લડકિયાં’ (1962), ‘ચાંદી કી દીવાર’ (1964), ‘જહાનઆરા’ (1964), ‘નૂરજહાં’ (1967), ‘ઘરસંસાર’ (1986) તથા સિંહાસન (1986).
પીયૂષ વ્યાસ