ભારતમાં અંગ્રેજી રાજ (1929) : ભારતનું રાજ્ય મેળવવામાં અંગ્રેજોએ અમલમાં મૂકેલ કુટિલ નીતિ, દગો, શોષણ વગેરેને આલેખતો ઇતિહાસનો ગ્રંથ.

ઇતિહાસવિદ પંડિત સુંદરલાલનું ‘ભારતમાં અંગ્રેજી રાજ’ નામનું પુસ્તક હિંદી ભાષામાં અલ્લાહાબાદમાં પ્રસિદ્ધ થયું હતું. એમાં ભારતીય ર્દષ્ટિબિંદુથી ભારતમાંના બ્રિટિશ શાસનનો ઇતિહાસ આલેખવામાં આવ્યો છે. આ પુસ્તકમાં પંડિત સુંદરલાલે જણાવ્યું છે તેમ, એમના પુસ્તક ઉપર મેજર વામનરાવ બસુનાં પુસ્તકો (1) ‘રાઇઝ ઑવ્ ધ ક્રિશ્ચિયન પાવર ઇન ઇન્ડિયા’ (પાંચ ભાગ), (2) ‘કન્સૉલિડેશન ઑવ્ ધ ક્રિશ્ચિયન પાવર ઇન ઇન્ડિયા’, (3) ‘રાઇઝ ઑવ્ ઇન્ડિયન ટ્રેડ ઍન્ડ ઇન્ડસ્ટ્રિઝ’ અને (4) ‘એજ્યુકેશન ઇન ઇન્ડિયા અન્ડર ધી ઈસ્ટ ઇન્ડિયા કંપની’ની અસર છે. આ ઉપરાંત બીજાં પુસ્તકોની પણ એમણે મદદ લીધી હતી. એમણે આ પુસ્તક હિંદુ-મુસ્લિમ એકતાના આદિપ્રવર્તક કબીરસાહેબને અર્પણ કર્યું હતું.

પંડિત સુંદરલાલના આ પુસ્તકમાં અંગ્રેજોએ હિંદના વેપારીઓ, રાજાઓ અને નવાબો પાસેથી દગો, વિશ્વાસઘાત, છળકપટ, લુચ્ચાઈ, લાંચરુશવત, કરારભંગ, વચનભંગ તથા અનૈતિક આક્રમણો દ્વારા એમની સંપત્તિ, સત્તા અને રિયાસતો પ્રાપ્ત કરી હતી એવું ઉદાહરણો અને અંગ્રેજ લેખકોનાં અવતરણો દ્વારા સાબિત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ પુસ્તક પ્રગટ થયું કે તુરત જ અંગ્રેજ સરકારે તેના પર પ્રતિબંધ મૂક્યો હતો. પરંતુ 1937માં દેશમાં જે ચૂંટણી થઈ, તે પછી રચાયેલાં કૉંગ્રેસી પ્રધાનમંડળોએ આ પુસ્તક પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો. તેથી એનો પ્રચાર થયો. અંગ્રેજોએ હિંદનું કંઈ ભલું કર્યું જ નથી; પરંતુ એને લૂંટવાનો પ્રયત્ન કર્યો છે એવો એ પુસ્તકનો મુખ્ય સૂર અને સાર છે.

મધ્યપ્રદેશના ગુજરાતી ધારાસભ્ય અને ગોંદિયામાં રહેતા ચતુર્ભુજ વિઠ્ઠલદાસ જસાણીએ પંડિત સુંદરલાલની સંમતિ લઈ ભાસ્કરરાવ વિદ્વાંસ પાસે એ પુસ્તકનું ગુજરાતીમાં ભાષાંતર કરાવ્યું અને ‘ભારતમાં અંગ્રેજી રાજ’ શીર્ષકથી એનો પ્રથમ ભાગ 1938માં અને બીજો ભાગ 1939માં પ્રસિદ્ધ કર્યો. પ્રથમ ભાગની ‘પ્રસ્તાવના’માં લેખકે અંગ્રેજોની કાર્યપ્રણાલી અને પ્રદેશલાલસા વિશે ટીકાત્મક વિધાનો કરેલાં છે. આ ગ્રંથમાં હિંદમાં યુરોપિયનોના પ્રવેશથી 1804 સુધીનો અંગ્રેજોનો ઇતિહાસ આલેખવામાં આવ્યો છે.

આ પુસ્તકના બંને ભાગમાં વ્યક્તિઓ, સ્થળો અને પ્રસંગોનાં અનેક ચિત્રો તથા નકશા મૂકવામાં આવ્યાં છે. બીજા ભાગમાં 1804થી 1858માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનનો અંત આવ્યો ત્યાં સુધીના બનાવોનું પંડિત સુંદરલાલે પોતાની વિશિષ્ટ અને મૌલિક પદ્ધતિથી અર્થઘટન, વર્ણન તથા મૂલ્યાંકન કર્યું છે. આ પુસ્તક ભારતમાં અને ગુજરાતમાં ખૂબ વંચાયું હતું તથા એણે લોકોમાં રાષ્ટ્રવાદને પ્રેરવાનું કાર્ય કર્યું હતું.

આ પુસ્તકના લેખકે ‘ભારતમાં અંગ્રેજી રાજ’ ઉપરાંત હિંદીમાં ‘હઝરત મુહમ્મદ ઔર ઇસ્લામ’ અને ‘ગીતા ઔર કુરાન’ નામનાં અન્ય પુસ્તકો પણ લખ્યાં હતાં તથા કેટલાંક સામયિકોનું સંપાદન કર્યું હતું. ભારતીય સંસ્કૃતિ તથા ઇતિહાસના વિદ્વાન અને પ્રખર ગાંધીવાદી તરીકે એમનું પ્રદાન ઘણું મોટું છે. ‘ભારતમાં અંગ્રેજી રાજ’ દ્વારા અંગ્રેજોની સામ્રાજ્યવાદી, સ્વાર્થી શોષણનીતિને એમણે ખુલ્લી પાડી એ એમની મોટી વિશેષતા હતી.

મુગટલાલ પોપટલાલ બાવીસી