ભાભા, હોમી જહાંગીર (જ. 30 ઑક્ટોબર 1909, મુંબઈ; અ. 24 જાન્યુઆરી 1966, મૉં બ્લાં, આલ્પ્સ, યુરોપ) : ભારતના ન્યૂક્લિયર કાર્યક્રમના આયોજક અને અમલકર્તા.
તેઓ ધનવાન પારસી કુટુંબમાં જન્મ્યા હતા અને જમશેદજી તાતાના નજીકના સગા હતા. શરૂઆતનું શિક્ષણ તેમણે કથીડ્રલ અને જૉન કૅનન હાઈસ્કૂલમાં લીધું અને ઉચ્ચ શિક્ષણ એલ્ફિન્સ્ટન કૉલેજ તથા મુંબઈની ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સમાં લીધું. ઇલેક્ટ્રિકલ ઇજનેરીના સ્નાતક બનીને કેમ્બ્રિજની ગૉનવિલે અને કેરિયસ કૉલેજમાં જોડાયા. અહીં તેમને ભૌતિકવિજ્ઞાનમાં રસ પડતાં આપોઆપ વિષયાન્તર થઈ ગયું. 1930માં મિકૅનિકલ સાયન્સનો ટ્રાઇપૉસ લીધો. 1934માં તેમણે કેમ્બ્રિજમાંથી પીએચ.ડી.ની ઉપાધિ મેળવી સૈદ્ધાંતિક ભૌતિકવિજ્ઞાનના ક્ષેત્રે સંશોધનકાર્ય શરૂ કર્યું. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક હિટલર સાથે તેમણે બ્રહ્માંડ-કિરણો (cosmic rays) ઉપર પોતાનો મૌલિક સિદ્ધાંત સોપાની વર્ષણ (cascade shower) સ્થાપિત કર્યો.
1932થી 1934 દરમિયાન ગણિતશાસ્ત્રમાં રાઉસ બૉલ ટ્રાવેલિંગ શિષ્યવૃત્તિ મળતાં તેમણે ઝૂરિકમાં ડબ્લ્યૂ. પાઉલી અને રોમમાં એનરિકો ફર્મી સાથે સંશોધનકાર્ય કર્યું. 1936માં બીજી વરિષ્ઠ આઇઝેક ન્યૂટન શિષ્યવૃત્તિ મળી. વિશિષ્ટ આંતરરાષ્ટ્રીય સૈદ્ધાંતિક ભૌતિકવિજ્ઞાની તરીકેની ખ્યાતિ સાથે તેઓ 1940માં ભારત પાછા આવ્યા.
સૈદ્ધાંતિક ભૌતિકવિજ્ઞાની તરીકે, કારકિર્દીની શરૂઆતમાં ઊર્જાના દ્રવ્યમાં અને દ્રવ્યના ઊર્જામાંના રૂપાંતર બાબતે ભારે રસ પડ્યો. ભાભા તથા હિટલર; કાર્લસન અને ઓપનહાઇમરે ‘જોડ ઉત્પત્તિ’(pair production)ની સમજૂતી આપી ન હતી ત્યાં સુધી – 1937 સુધી – વર્ષણની કાર્યવિધિ વિશે અટકળો ચાલતી હતી.
બ્રહ્માંડ-કિરણોમાં અત્યંત શક્તિશાળી ધન કે ઋણ ઇલેક્ટ્રૉન કોઈ ન્યૂક્લિયસ સાથે અથડાય છે ત્યારે તે ઊર્જા ગુમાવે છે. પરિણામે અતિશક્તિશાળી ફોટૉન (પ્રકાશનો ઊર્જાકણ) પેદા થાય છે. આવો શક્તિશાળી ફોટૉન જ્યારે પરમાણુની ન્યૂક્લિયસના વિદ્યુત(કુલંબ)ક્ષેત્રમાં થઈને પસાર થાય છે ત્યારે તે ક્ષેત્ર સાથે આંતરક્રિયા કરીને ઇલેક્ટ્રૉન અને પૉઝિટ્રૉનની જોડ પેદા કરે છે. આવા ઇલેક્ટ્રૉન અને પૉઝિટ્રૉન પાસે પૂરતી ઊર્જા હોવાથી તે ન્યૂક્લિયસ સાથે આંતરક્રિયા કરે ત્યારે નવા ફોટૉન પેદા કરે છે. આવા ફોટૉન આગળ જતાં ઇલેક્ટ્રૉન-પૉઝિટ્રૉનની નવી જોડ પેદા કરે છે. આ રીતે એક જ ફોટૉનથી શરૂ થયેલ ઇલેક્ટ્રૉન-પૉઝિટ્રૉન જોડની શ્રેણી વર્ષણમાં પરિણમે છે. વર્ષણ-પ્રક્રિયાને અંતે ઢગલાબંધ ઇલેક્ટ્રૉન અને પૉઝિટ્રૉન પેદા થાય છે. તે બધા ભૂમિ-સ્તરે બ્રહ્માંડકિરણોનો નરમ ઘટક (soft component) રચે છે. આ રીતે વિદ્યુતચુંબકીય પ્રક્રિયામાં વર્ષણની વૃદ્ધિ કેવી રીતે થાય છે તેની સમજૂતી એ ભાભાનું વિશિષ્ટ પ્રદાન ગણાય છે.
1940માં બૅંગલોરની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સમાં તેમના માટે સૈદ્ધાંતિક ભૌતિકવિજ્ઞાન વિષયમાં ખાસ રીડરશિપની જગા ઊભી કરવામાં આવી. 1942માં તેમને એ વિષયના પ્રાધ્પાયક બનાવ્યા. જોગાનુજોગ આ સમયે આ સંસ્થામાં પ્રો. સી. વી. રામન, ભાભા અને વિક્રમ સારાભાઈનું સુભગ મિલન થયું. અહીં તેમણે બ્રહ્માંડ-કિરણોને લગતા પ્રાયોગિક અને સૈદ્ધાંતિક સંશોધનનું જૂથ તૈયાર કર્યું. થોડાક સમય બાદ તેઓ મુંબઈની તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફન્ડામેન્ટલ રિસર્ચ(T.I.F.R.)માં જોડાયા. બ્રહ્માંડ-કિરણો અને ઉચ્ચ ઊર્જા-ભૌતિકીના ક્ષેત્રે સંશોધન કરવાનું તેમણે અહીં પણ ચાલુ રાખ્યું.
પરમાણુઊર્જા-સ્થાપન(atomic energy establishment)માં જૈવભૌતિકી (biophysics) અને સૂક્ષ્મજૈવિકી(microbiology)નો અભ્યાસક્રમ અને સંશોધન શરૂ કરાવ્યાં. વળી યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (U. G. C.) અને કાઉન્સિલ ઑવ્ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ(C.S.I.R.)ના સહયોગથી રેડિયો-ખગોળવિદ્યાના સંશોધન માટે ઉટાકામંડ ખાતે વિશ્વમાં બીજા ક્રમે આવતો રેડિયો-ટેલિસ્કોપ તૈયાર કરવામાં પ્રમુખ ફાળો આપ્યો. 1966માં પરમાણુ-ઊર્જાસ્થાપન(ટ્રૉમ્બે)ના ભૌતિકી અને ઇલેક્ટ્રૉનિક્સ વિભાગો T.I.F.R.ના મકાનમાં ચાલુ કર્યા. આ સાથે પરમાણુ-ઊર્જાક્ષેત્રને શિખર સુધી લઈ જવામાં તેમણે પ્રમુખ ફાળો આપ્યો.
વિશાળ ર્દષ્ટિ, ગહન વિચારશક્તિ અને અથાગ પ્રયત્નોને આધારે તેમણે ભારતનાં વિજ્ઞાન અને ટૅકનૉલૉજીને ત્રીજા વિશ્વમાં સર્વોચ્ચ સ્થાન અપાવ્યું. T.I.F.R.માં રહીને તેમણે 1945થી 1966 સુધી બ્રહ્માંડ-કિરણોના સંશોધનક્ષેત્રે માર્ગદર્શન પૂરું પાડ્યું. આ સંસ્થામાં શરૂ કરેલ બ્રહ્માંડ-કિરણોનો સંશોધનવિભાગ આજે પણ વિશ્વમાં અજોડ છે. બ્રહ્માંડ-કિરણોમાં મેસૉન કણની રચના માટે રશિયન ભૌતિકવિજ્ઞાની લેન્ડોવે સિદ્ધાંત આપ્યો. અલગ રીતે તેમણે પણ તે આપ્યો. મેસૉનકણની રચના માટે 1953માં તેમણે આપેલો સિદ્ધાંત વધુ બલવત્તર છે.
મૌલિક પદ્ધતિએ સંશોધનકાર્ય કરનારાઓને ભાભાએ ઘણી સારી રીતે પ્રોત્સાહિત કર્યા. T.I.F.R.ના ભાભા–જૂથે વિકસાવેલ સંસૂચક(detector)નો આજે વૈશ્વિક કક્ષાએ ઉપયોગ થાય છે. કોલાર(કર્ણાટક)ની સોનાની ખાણો ઊંડામાં ઊંડી છે. ત્યાં આગળ ન્યૂટ્રીનો વડે થતી આંતરક્રિયાનો અભ્યાસ કરવાની યોજનાને તેમણે પૂરો સહકાર આપ્યો. ન્યૂટ્રીનોના પ્રાયોગિક અભ્યાસ માટે કોલાર-ગોલ્ડ ફીલ્ડ-પ્રયોગનું અનોખું મહત્વ છે.
આઝાદી પહેલાં વૈજ્ઞાનિક સંશોધન અને વિકાસની પ્રવૃત્તિઓ યુનિવર્સિટીમાં કેન્દ્રિત થયેલી હતી. તેમાં કલકત્તા યુનિવર્સિટી અને તેના ગતિશીલ ઉપકુલપતિ સર આશુતોષ મુખરજીએ અસાધારણ નેતૃત્વ પૂરું પાડ્યું હતું. તેમને કારણે ભારતને સી. વી. રામન, મેઘનાદ સાહા, સત્યેન્દ્રનાથ બોઝ, કે. એસ. કૃષ્ણન અને અન્ય વિજ્ઞાનીઓ મળ્યા. તે સમયે વિજ્ઞાનીઓને વ્યક્તિગત રીતે વિકાસની વધુ તકો હતી. યુનિવર્સિટીઓમાં પાયાનું સંશોધન થતું હતું અને ઉદ્યોગો માટે ભાગ્યે જ કંઈ થતું હતું. અલબત્ત, આ બાબતે બૅંગ્લૉરની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સ અપવાદરૂપ હતી. આ સંસ્થામાં ટૅકનૉલૉજીના વિકાસ માટે સંશોધનકાર્ય થતું હતું. આ બધું જોતાં ભાભાએ ભારતમાં પરમાણુ–ઊર્જા–કાર્યક્રમની શરૂઆત કરીને દેશમાં વિજ્ઞાન માટેનું એક નવું અને અનોખું માળખું તૈયાર કર્યું. T.I.F.R. તો તેમનું સર્જન ગણાય. આ સાથે ડૉ. શાંતિસ્વરૂપ ભટનાગરના સહયોગથી રાષ્ટ્રીય પ્રયોગશાળાઓ અને ઔદ્યોગિક સંશોધનનો પાયો વિસ્તારીને તેમણે મજબૂત કર્યો. તેમના આ બધા પ્રયત્નોને અંતે 1948ના ઑગસ્ટમાં પરમાણુ–ઊર્જાપંચ(Atomic Energy Commission)ની સ્થાપના કરાઈ. 1948માં પરમાણુ-ઊર્જાનો કાયદો પસાર થતાની સાથે તેમને ‘ઍટમિક એનર્જી કમિશન’(A.E.C.)ના પ્રથમ અધ્યક્ષ તથા પરમાણુ-ઊર્જા-વિભાગના વૈજ્ઞાનિક સલાહકાર બનાવવામાં આવ્યા. ઉચ્ચ ગુણવત્તાવાળા સંશોધન માટે વૈજ્ઞાનિક ઉપકરણોની અનિવાર્યતા જણાતાં ઇલેક્ટ્રૉનિક સાધનો તૈયાર કરવાં એ જ મોટું સંશોધન હતું. પરિણામે તેમણે T.I.F.R.માં ઇલેક્ટ્રૉનિક્સ પ્રોડક્શન યુનિટ શરૂ કર્યો. આ એકમ આજે હૈદરાબાદમાં ઇલેક્ટ્રૉનિક કૉર્પોરેશન ઑવ્ ઇન્ડિયા લિમિટેડ (E.C.I.L.) તરીકે ધમધમી રહ્યો છે. આ રીતે ભારતમાં ઇલેક્ટ્રૉનિક્સ–ઉદ્યોગને તેમણે સધ્ધર અને સ્વનિર્ભર બનાવ્યો; પણ દુર્ભાગ્યે તે જોવા તેઓ ન રહ્યા.
રાષ્ટ્રના વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક વિકાસ માટે તેઓ વિવિધ વિદ્યાશાખાઓનો સંપૂર્ણ સહકાર લેતા. સંશોધકોને પ્રોત્સાહિત કરવા માટે તેમણે ડિરાક, પાઉલી, બૉહર અને અન્ય વિશ્વવિખ્યાત ભૌતિકવિજ્ઞાનીઓને T.I.F.R. ખાતે નિમંત્ર્યા હતા.
1954માં રાષ્ટ્રીય ભૌતિક પ્રયોગશાળા (N.P.L), ન્યૂ દિલ્હી ખાતે પ્રો. સાહા, પ્રો. બોઝ, પ્રો. કૃષ્ણન અને અન્ય ભારતીય ભૌતિકવિજ્ઞાનીઓ, રસાયણવિજ્ઞાનીઓ, ઇજનેરો અને અન્ય તજ્જ્ઞોની એક પરિષદ પરમાણુ રિઍક્ટરના નિર્માણ માટે બોલાવવામાં આવી. આ પરિષદનું સંચાલન તેમણે કરેલું. પરમાણુ–ઊર્જા–કાર્યક્રમની યોજના માટે આ પરિષદ સીમાચિહ્નરૂપ બની રહી. તેઓ યુરોપના વિજ્ઞાનીઓ સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવતા હતા. આથી યુરોપમાં થતા વિજ્ઞાન અને ટેક્નૉલોજીના વિકાસની વિગતો તેમને સમયસર મળતી. આ સાથે રિઍક્ટર માટે જરૂરી દ્રવ્ય, નિયંત્રણ-પ્રણાલી, ન્યૂટ્રૉન (ભૌતિક) તથા સમૃદ્ધ યુરેનિયમની બાબતે તેમને ફ્રાંસનો સહયોગ મળ્યો. તરણકુંડ અણુભઠ્ઠી (swimming pool reactor) માટે જરૂરી સમૃદ્ધ યુરેનિયમ ઉપલબ્ધ કરાવ્યું અને તેમની રાહબરી નીચે ટ્રૉમ્બેમાં ‘અપ્સરા’ રિઍક્ટરનું સફળ નિર્માણ થયું.
તેઓ ગુણવત્તાની રીતે અને માત્રાત્મક રીતે રિઍક્ટરને સ્વ-નિર્ભર બનાવવા માંગતા હતા. આ માટે તેમણે ઇન્ડિયન-રેર-અર્થ લિમિટેડની સ્થાપના દ્વારા શુદ્ધ યુરેનિયમ અને થોરિયમ ઘરઆંગણે પેદા કરવામાં આવતું હોવા છતાં, સ્વ-નિર્ભરતાની દિશામાં આગળ વધવા માટે યુરેનિયમ મેટલ પ્લાંટની રચના કરી.
1955માં જિનીવા ખાતે પરમાણુ-ઊર્જાના શાંતિમય ઉપયોગો માટેની આંતરરાષ્ટ્રીય પરિષદના અધ્યક્ષ તરીકે તેમને નિયુક્ત કરવામાં આવ્યા. તે સમયે સંલયન(fusion)થી નિયંત્રિત ઊર્જા પેદા કરવા માટે તેમણે આશા વ્યક્તિ કરી, કારણ કે પરંપરાગત ઊર્જાના સ્રોત મર્યાદિત હતા. સંલયન માટે જરૂરી ભારે પાણી દરિયામાંથી વિપુલ પ્રમાણમાં મળી રહે તેમ છે, તેમની આ આગાહી ટૂંકસમયમાં સાચી પડી. જિનીવા પરિષદ દરમિયાન, કોલંબો પ્લાનની યોજના હેઠળ, કૅનેડાએ ભારતને NRX-પ્રકારનું રિઍક્ટર ભેટ આપ્યું. આવા રિઍક્ટર પરત્વે યુવાન વિજ્ઞાનીઓનાં સૂચનો તેમણે ઉમળકાભેર સ્વીકારી લોકશાહી પ્રક્રિયાનું જ્વલંત ઉદાહરણ સ્થાપિત કર્યું. આ રિઍક્ટર માટે જરૂરી ઈંધણ ભારતીય વિજ્ઞાનીઓએ તૈયાર કર્યું અને તે પણ કૅનેડાના ઈંધણની ગુણવત્તા જેવું જ. ભારતીય વિજ્ઞાનીઓના સહયોગથી તેમણે વિશ્વની શ્રેષ્ઠ ધાતુવિદ્યા અને રેડિયો-ધાતુવિદ્યા પ્રયોગશાળા સ્થાપિત કરી. ત્યારબાદ ‘સાયરસ’ અને તે પછી તુરત જ ‘ઝર્લિન’(zero energy linear reactor)ની રચના કરી. આ રિઍક્ટર સંપૂર્ણપણે ભારતીય વિજ્ઞાનીઓએ જ તૈયાર કર્યું.
અદ્યનત વૈજ્ઞાનિક સંશોધન માટે પરમાણુ–ઊર્જા–કાર્યક્રમનો ‘સ્પ્રિંગબૉર્ડ’ તરીકે ઉપયોગ થતો રહ્યો. પરિણામે ભૌતિક, રસાયણ અને જૈવ વિજ્ઞાન જેવા કેટલાય વિભાગોમાં આધુનિક સંશોધનના પ્રવાહો શરૂ થયા. આ બધું પરમાણુ-ઊર્જા-વિકાસના કાર્યક્રમ હેઠળ અને તેમની ‘બ્લૂ-પ્રિન્ટ’ પ્રમાણે થવા લાગ્યું.
તેઓ અમલદારશાહીનાં દૂષણોથી વાકેફ હતા. કોઈ પણ યોજના ખોરંભે ન પડે કે વિલંબ ન થાય તે માટે તેમણે પરમાણુ-ઊર્જા વિભાગના સચિવાલયને દિલ્હીથી મુંબઈ ખસેડ્યું. બીજો સુધારો તે કરાવ્યો કે અહીં આખરી નિર્ણય માટે સચિવો નહિ, પણ વિજ્ઞાનીઓને સર્વોપરિ સત્તા આપવામાં આવી. આ માટે ટ્રૉમ્બે કાઉન્સિલ અને ટ્રૉમ્બે વૈજ્ઞાનિક સમિતિની રચના કરવામાં આવી. આવા ફેરફારોથી શાસનને ભારે ઝટકો લાગ્યો હતો. તેમને અનુભવ ઉપરથી લાગ્યું કે પરમાણુ–ઊર્જા–ક્ષેત્રે તેઓ જે રીતે આયોજન કરવા માગે છે તે માટે યુનિવર્સિટીમાં અપાતું શિક્ષણ બિલકુલ અપર્યાપ્ત છે. આથી યુનિવર્સિટીમાંથી નીકળતા પ્રથમ કક્ષાના સ્નાતકોને તૈયાર કરવા માટે પરમાણુ–ઊર્જા સ્થાપનના ઉપક્રમે પ્રશિક્ષણ આપવાની પ્રથા ચાલુ કરી. ત્યાં દર વર્ષે 150 સ્નાતકોને પ્રશિક્ષણ અપાય છે.
તેમનો આગ્રહ હતો કે અદના માણસને પણ પોષાય તે રીતે વિદ્યુત પૂરી પાડવી જોઈએ. વિકસતાં રાષ્ટ્રોને ન્યૂક્લિયર પાવર મળી રહે તે માટે 1955માં જિનીવા પરિષદમાં તેમણે વિશિષ્ટ કામગીરી બજાવી હતી. યુરોપનાં કેટલાંક સ્થાપિત હિતોના વિરોધને કારણે તેમને સારો એવો સંઘર્ષ કરવો પડ્યો હતો. આથી તેમણે તારાપુર રિઍક્ટર માટે યુ.એસ. પરમાણુ ઊર્જા-પંચ સાથે મંત્રણા કરી. તેના ફલસ્વરૂપ તારાપુર વિદ્યુત-મથક તૈયાર થયું, પણ તેમના અવસાન બાદ આ પછી કોટા અને કલપક્કમ્નાં પરમાણુ-ઊર્જા આધારિત વિદ્યુત-મથકો તૈયાર થયાં. ઝડપી પ્રજનક રિઍક્ટર (fast breeder reacter) એ તેમનું સ્વપ્ન હતું, જે કલપક્કમ્ ખાતે તેમના અવસાન બાદ સાકાર થયું.
પરમાણુ ઊર્જા-કાર્યક્રમના પ્રથમ તબક્કા (1948–56) દરમિયાન અપ્સરા રિઍક્ટર તૈયાર થયું. તેના બીજા તબક્કા (1956–66) દરમિયાન વિદ્યુત–પાવરમથકો માટે જરૂરી નિમ્નસ્તરીય સુવિધાઓ તૈયાર કરવામાં આવી. તેમની કલ્પનાશીલતાએ ભારતને ‘ન્યૂક્લિયર યુગ’માં સ્થાન અપાવ્યું. તેમના અવસાન બાદ ત્રીજા તબક્કા (1964–74) દરમિયાન પાવર-મથકોના નિર્માણનું કાર્ય શરૂ થયું. પરમાણુ-ઊર્જા-ક્ષેત્રે કરેલા કાર્યને અનુલક્ષીને ભાભાને ‘ભારતના રધરફર્ડ’ કહેવામાં આવે છે. તેઓ ઉચ્ચ કોટિના વિજ્ઞાની હોવા ઉપરાંત તેમનું રસવૈવિધ્ય અદભુત હતું. વિજ્ઞાન, કલા, સંગીત, ચિત્રકળાના ક્ષેત્રે તેમણે અપ્રતિમ શ્રેષ્ઠતા સિદ્ધ કરી હતી. પરમાણુ-ઊર્જા-સ્થાપન અને ટ્રૉમ્બેના વિસ્તારમાં ઉદ્યાનોના સૂચન અંગે માર્ગદર્શન તેમણે આપ્યું હતું. પોતાના માનવ-ચક્ષુ દ્વારા આ નવીન નગરને પ્રકૃતિનું સૌંદર્ય બક્ષવા માટે તેમણે રાત-દિવસ જહેમત ઉઠાવી હતી. ઉદ્યાનનાં સર્જન, સજાવટ અને સૌંદર્ય માટે તેઓ અદ્ભુત જાણકારી અને ર્દષ્ટિ ધરાવતા હતા. તેમનો કોઈ ખ્યાલ સૌંદર્ય વિનાનો નહોતો. કોલાબા ખાતે T. I. F. R.નું વૈજ્ઞાનિક અને પ્રાકૃતિક સર્જન એ તેમની સૌન્દર્યમંડિત વૈજ્ઞાનિક ર્દષ્ટિનું કાયમી સ્મારક છે.
તેમને મળેલાં સંખ્યાબંધ ઍવૉર્ડ અને સન્માનોમાં મુખ્ય નીચે મુજબ છે : (1) લંડનની રૉયલ સોસાયટીના નિર્વાચિત ફેલો (1941); (2) કેમ્બ્રિજ યુનિવર્સિટીનો ઍડમ્સ પુરસ્કાર (1943); (3) કેમ્બ્રિજ ફિલોસૉફિકલ સોસાયટીનો હૉપ્કિન પુરસ્કાર (1948); (4) યુ.એસ. નૅશનલ એકૅડેમી ઑવ્ સાયન્સિઝના ફૉરેન એસોસિયેટ (1963); (5) ન્યૂયૉર્ક એકૅડેમી ઑવ્ સાયન્સિઝના આજીવન સભ્ય (1963); (6) મેડ્રિડ રૉયલ એકૅડેમી ઑવ્ સાયન્સિઝના ફૉરેન એસોસિયેટ (1964); (7) પદ્મભૂષણ (1954). (8) અધ્યક્ષ, ઇન્ટરનૅશનલ યુનિયન ઑવ્ પ્યૉર ઍન્ડ એપ્લાઇડ ફિઝિકસ (1960–63); (9) અધ્યક્ષ, પરમાણુ-ઊર્જા-(U. N.)ના શાંતિમય ઉપયોગ માટેની આંતરરાષ્ટ્રીય પરિષદ (1955); (10) અધ્યક્ષ, નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સિઝ ઑવ્ ઇન્ડિયા (1963); (11) અધ્યક્ષ, ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસ; (12) અધ્યક્ષ, ભારતની વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની કૅબિનેટ; (13) અધ્યક્ષ, પરમાણુ-ઊર્જા-પંચ.
આંતરરાષ્ટ્રીય પરમાણુ-ઊર્જાની વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની વિયેના ખાતેની બેઠકમાં ભાગ લેવા જતાં આલ્પ્સ ગિરિમાળાના મા બ્લાં શિખર સાથે વિમાન અથડાતાં બનેલી દુર્ઘટનામાં તેમનું આકસ્મિક અવસાન થયું. તેમના નિધનથી સમગ્ર વિશ્વના વિજ્ઞાનક્ષેત્રને ભારે ફટકો પડ્યો અને સવિશેષ તો ભારતના વૈજ્ઞાનિક વિકાસને. ભાભા બુદ્ધિનિષ્ઠ અને ઉચ્ચ રાષ્ટ્રીય ચારિત્ર્યના પ્રતીક સમાન હતા. સંશોધન-સંસ્થાઓના સર્જન દ્વારા તેઓ ચિરસ્મરણીય બન્યા છે. પરમાણુ-ઊર્જાના શાંતિમય ઉપયોગોના હિમાયતી આ ફિરસ્તાએ ભારતના કરોડો લોકોનાં ઘર અજવાળ્યાં છે; લાખ્ખો કારખાનાંઓનાં ચક્રોને ગતિ આપી છે અને તે રીતે સમગ્ર ભારતને રોશન કર્યું છે. તેઓ સદાયે દરેક કાર્યમાં શ્રેષ્ઠતાની ઝંખના કરતા, તેથી તેઓ સૌંદર્ય અને સંવાદિતાનું સર્જન કરી શક્યા. આ બધી સિદ્ધિઓને કારણે વિશ્વનાં વિકસિત રાષ્ટ્રોની હરોળમાં ભારતને ઉચ્ચ સ્થાન અપાવવા માટે પુરુષાર્થ કરતી ભારતના વિજ્ઞાનીઓની આગામી પેઢી માટે તેઓ પ્રેરણાનો અખૂટ સ્રોત બન્યા છે.
પ્રહલાદ છ. પટેલ