ભામહ (ઈ.સ. 600ની આસપાસ) : સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં જાણીતા આલંકારિક આચાર્ય. તેઓ અલંકારવાદી વિચારધારાના પ્રવર્તક હતા. તેમના જીવન વિશે ઝાઝી માહિતી મળતી નથી. અનુગામી આલંકારિક આચાર્યોની જેમ તેઓ કાશ્મીરના વતની હોવાનું વિદ્વાનો માને છે. ‘કાવ્યાલંકાર’ નામના તેમના જાણીતા ગ્રંથના અંતિમ શ્લોકમાં જણાવ્યા મુજબ, તેઓ રક્રિલ ગોમિન્ના પુત્ર હતા. ‘રક્રિલ’ નામ અને ‘ગોમિન્’ એ ઉપનામ પરથી તથા પ્રથમ શ્લોકમાં ‘સર્વજ્ઞ’ને નમસ્કાર કર્યા હોવાથી કેટલાક વિદ્વાનો તેઓ બુદ્ધના અનુયાયી હોવાનું માને છે; આમ છતાં, ‘ગોમિન્’ શબ્દ ‘પૂજ્ય’ એવા અર્થમાં હોવાથી અને ‘સર્વજ્ઞ’ શબ્દનો ‘શિવ’ એવો અર્થ પણ થતો હોવાથી ઘણા વિદ્વાનો તેમને વૈદિકધર્માવલંબી બ્રાહ્મણ માને છે. વળી ‘કાવ્યાલંકાર’માં બૌદ્ધોના અપોહવાદનું તો ભામહે ખંડન કર્યું છે અને બ્રાહ્મણ ધર્મના દેવોની વાત કરે છે; તેથી તેઓ બૌદ્ધ ન હોવાનું આ વિદ્વાનો સિદ્ધ કરે છે. કાશ્મીરના રાજા જયાપીડના સમય(779–813)માં થઈ ગયેલા આચાર્ય વામને ઉપમા અલંકારની ભામહની વ્યાખ્યાનો કરેલો સ્વીકાર તથા આચાર્ય ઉદભટે ભામહના ‘કાવ્યાલંકાર’ પર ‘ભામહવિવરણ’ એ નામની ટીકાનું કરેલું લેખન તેમને ઈ.સ. 750 પહેલાં થઈ ગયેલા સિદ્ધ કરે છે. કાદંબરીના લેખક બાણે ભામહની એક કલ્પનાનો સ્વીકાર કર્યો હોવાનો આચાર્ય આનંદવર્ધને કરેલો નિર્દેશ ભામહ 650 પહેલાં થયા હોવાનું સિદ્ધ કરે છે. બૌદ્ધ નૈયાયિક દિઙ્નાગની પ્રત્યક્ષ પ્રમાણની વ્યાખ્યાનો સ્વીકાર અને ‘કાવ્યાલંકાર’માં દિઙ્નાગને અનુસરીને કરેલી ન્યાયશાસ્ત્રની ચર્ચા તેમને ઈ.સ. 400 પછી થયેલા જણાવે છે. તેઓ આચાર્ય દંડીથી વાકેફ નથી તેથી અને ધર્મકીર્તિ (620) તેમની પ્રત્યક્ષ પ્રમાણની વ્યાખ્યાનું ખંડન કરે છે તથા શાંતરક્ષિત અપોહવાદનું ખંડન કરનારને પોતાના ‘તત્વસંગ્રહ’માં ‘દુરાત્મા’ કહે છે તેથી તેઓ ઈ.સ. 600ની આસપાસ થઈ ગયા એમ કહી શકાય.

લેખક તરીકે ભામહની કીર્તિ તેમના ‘કાવ્યાલંકાર’ ગ્રંથ પર નિર્ભર છે. તેમણે કાલિદાસના ‘શાકુંતલ’ નાટકના ટીકાકાર રાઘવભટ્ટે કરેલા ઉલ્લેખ મુજબ, છંદશાસ્ત્ર પર કોઈ ગ્રંથ લખ્યો હશે, જે હાલ ઉપલબ્ધ નથી. વામનના ‘કાવ્યાલંકારસૂત્રવૃત્તિ’ ગ્રંથ પરની ‘કામધેનુ’ નામની ટીકામાં કરેલા ઉલ્લેખો મુજબ તેમણે ‘કાવ્યાલંકાર’ ઉપરાંત અલંકારશાસ્ત્ર ઉપર અન્ય કોઈ ગ્રંથ લખ્યો હોવો જોઈએ. વરરુચિના ‘પ્રાકૃતપ્રકાશ’ નામના વ્યાકરણશાસ્ત્રના ગ્રંથ પર રચાયેલી ‘મનોરમા’ નામની ટીકા ભામહે લખી છે એમ વિદ્વાનો માને છે. આ ટીકા ઉપલબ્ધ પણ છે. ભામહે ‘કાવ્યાલંકાર’ નામનો કાવ્યશાસ્ત્રનો સર્વપ્રથમ ગ્રંથ લખ્યો છે; એટલું જ નહિ, અલંકારશાસ્ત્ર કે કાવ્યશાસ્ત્રને સ્વતંત્ર શાસ્ત્રનો દરજ્જો પણ સર્વપ્રથમ તેમણે જ આપ્યો છે. ભામહના ‘કાવ્યાલંકાર’ પર આચાર્ય ઉદભટે ‘ભામહવિવરણ’ નામની એક ટીકા લખી છે એવા નિર્દેશો ઉદભટના ‘કાવ્યાલંકારસારસંગ્રહ’ પરની પ્રતિહારેન્દુરાજની ‘લઘુવૃત્તિ’ નામની ટીકામાં કર્યા છે; પરંતુ તે ટીકા હાલ ઉપલબ્ધ નથી.

પ્ર. ઉ. શાસ્ત્રી