ભાનુમિત્ર (ઈ. પૂ. 1લી સદી) : લાટ દેશ(દક્ષિણ ગુજરાત)ના રાજા બલમિત્રનો નાનો ભાઈ અને યુવરાજ. જૈન અનુશ્રુતિ અનુસાર બલમિત્ર અને ભાનુમિત્ર બંને કાલકાચાર્યના ભાણેજ હતા. તેમનું પાટનગર ભરુકચ્છ (ભરૂચ) હતું. તેમના રાજ્યકાલ દરમિયાન આર્ય ખપુટાચાર્ય, એક સમર્થ વિદ્યાસિદ્ધ આચાર્ય, ભરૂચ ગયા હતા. કાલકાચાર્ય પારસ-કુલ(ઈરાન)થી 96 શાહી શકરાજાઓને લઈ આવ્યા. એ 96 શક રાજાઓ અને ભરૂચના બલમિત્ર તથા ભાનુમિત્રે ઉજ્જૈન પર ચડાઈ કરી, ગર્દભિલ્લ વંશના રાજા દર્પણને હરાવ્યો. આ આક્રમણ ઈ.પૂ. 57 કે 56ની પહેલાં થોડાં વર્ષ પર થયું હતું. લડાઈ બાદ ઉજ્જૈનની ગાદી ઉપર શક રાજા બેઠો હતો. પણ તેને કાઢી મૂકી બલમિત્ર અને ભાનુમિત્રે ઉજ્જૈન કબજે કરી લીધું હતું. બલમિત્ર અને ભાનુમિત્રના આગ્રહથી કાલકાચાર્ય ભરૂચમાં વર્ષા–ચોમાસું રહ્યા હતા. બલમિત્ર-ભાનુમિત્રના વંશની માહિતી મળતી નથી.

જયકુમાર ર. શુક્લ