ભાનુમતી (1890–91) : આસામી કૃતિ. અસમિયા લેખક પદ્મનાથ ગોંહાઈ બરુઆની નવલકથા. આસામી સાહિત્યની તે પ્રથમ નવલકથા છે. આસામીમાં એ સાહિત્યપ્રકાર તેનાથી શરૂ થાય છે. આ નવલકથા સામયિકમાં ધારાવાહીરૂપે પ્રકાશિત થઈ હતી. એ ભાનુમતી અને ચારુ ગોંહાઈની પ્રણયકથા છે. ભાનુમતીના પિતા એને, કશી વાતનું દુ:ખ ન પડે તે માટે, રાજકુંવર સાથે પરણાવવા માગતા હતા. ભાનુમતીનો પ્રણયી ચારુ ગોંહાઈ અનાથ હતો. ભાનુમતીના પિતા જ એના વાલી હતા. તેથી ચારુ ગોંહાઈને પોતાનો હૃદયભંગ થવા છતાં, ભાનુમતીના પિતાની વાતનો સ્વીકાર કરવો પડ્યો. ભાનુમતી લગ્ન પૂર્વે ઘરથી ભાગી ગઈ. તેથી રાજાને ચારુ ગોંહાઈ પર વહેમ જતાં એને પકડ્યો. ભાનુમતી ઝાઝો સમય છૂપી રહી શકી નહિ ને એને પિતાને ત્યાં પાછું આવવું પડ્યું. ચારુ ગોંહાઈને ચાહનારી તારાની મદદથી ભાનુમતી કારાવાસમાં ચારુને મળી અને એને જેલમાંથી ભાગવા માટેની વ્યવસ્થા કરવાનું વચન આપ્યું; પણ ચારુએ એ વાતનો અસ્વીકાર કર્યો. ચારુને ફાંસીને માંચડે લઈ જતા હતા ત્યારે એના પર વીજળી પડવાથી એનું મૃત્યુ થયું. શોકસાગરમાં ડૂબેલી ભાનુમતીએ આત્મહત્યા કરી અને તારા જે એની હરીફ હતી તેણે દીક્ષા લીધી.

આ કથામાં ચારુ નિષ્ક્રિય નાયક છે. તે ભાનુમતીને બચાવવા કશો જ પ્રયત્ન કરતો નથી; જ્યારે ભાનુમતી સાચી પ્રણયિની છે અને પ્રેમી વિના એ જીવી શકતી નથી. એ સાહસપ્રિય છે. તેથી જ ચારુને જેલમાંથી ભાગે તે માટેની વ્યવસ્થા કરે છે. તારા આદર્શ સહેલી છે અને ભાનુમતીની ચારુને ભગાડવાની યોજનામાં સક્રિય રીતે મદદ કરે છે. નવલકથામાં ભાનુમતીના આત્મકથનની શૈલી અપનાવાઈ છે. આસામી નવલકથાની પરંપરામાં તેનું ઐતિહાસિક ર્દષ્ટિએ મહત્વ છે.

ચન્દ્રકાન્ત મહેતા