ભાડભૂત : ભરૂચ જિલ્લાના ભરૂચ તાલુકામાં નર્મદા નદીના ઉત્તર કિનારે આવેલું હિંદુઓનું પ્રાચીન પૌરાણિક તીર્થસ્થાન. ભરૂચથી તે 20 કિમી. દૂર છે.
ભાડભૂત ભરૂચ-દહેજ રાજ્યમાર્ગ ઉપર આવેલું છે. નજીકનું રેલવે-સ્ટેશન ભરૂચ છે. અહીં ગ્રામપંચાયત-સંચાલિત દવાખાનું, બૅંક, પ્રાથમિક શાળા, સાર્વજનિક પુસ્તકાલય તથા સેવા સહકારી મંડળી આવેલાં છે. નર્મદાની પરિક્રમા કરનારની સગવડ ખાતર સાર્વજનિક ધર્મશાળા, ગૌશાળા, તળાવ, વાવ તથા વારિગૃહ છે. અહીં અનેક દેવસ્થાનો છે. તે પૈકી અઢારમી સદીનું ભારભૂતીશ્વર અને ભાડભૂતેશ્વર; પંચમુખી તથા નીલકંઠ મહાદેવનાં મંદિરો; અંબાજી, ભૈરવીદેવી તથા નર્મદાદેવીનાં મંદિરો; સૂર્યમંદિર; રામજીમંદિર; સત્યનારાયણ તથા રણછોડરાયનાં મંદિરો; દત્તાત્રેયનું મંદિર તથા બળિયાદેવનું મંદિર છે. અહીં દર અઢાર વરસે ભાદરવા માસમાં ‘કુંભ’ મેળો ભરાય છે. તેનો તથા નર્મદાસ્નાનનો હજારો માણસો લાભ લે છે. આ ઉપરાંત દર વર્ષે માગશર અને ચૈત્રી પૂનમને દિવસે નાનો મેળો ભરાય છે.
શિવપ્રસાદ રાજગોર