ભાટી, નારાયણસિંગ

January, 2001

ભાટી, નારાયણસિંગ (જ. 1930, માલૂંગા, જોધપુર, રાજસ્થાન) : રાજસ્થાની કવિ અને વિદ્વાન. તેમના કાવ્યસંગ્રહ ‘બરસન રા દીગોરા ડુંગર લાગિયન’ નામના કાવ્યસંગ્રહને 1981ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે રાજસ્થાનીમાં એમ.એ.ની તથા પીએચ.ડી.ની તેમજ કાયદાની સ્નાતક ડિગ્રી મેળવી. રાજસ્થાની ભાષાના સંશોધન તથા સંદર્ભસાહિત્ય માટેની અગ્રણી સંસ્થા ‘રાજસ્થાની શોધ સંસ્થાન’ના તેઓ સ્થાપક, નિયામક રહ્યા હતા. તેમણે 8 કાવ્યસંગ્રહો તથા અનેક સંપાદિત ગ્રંથો આપ્યા છે. તેમના ‘મીરા’ નામક સુદીર્ઘ કાવ્યને રાજસ્થાન સાહિત્ય અકાદમી તરફથી રાઠોડ પૃથ્વીરાજ મેમૉરિયલ ઍવૉર્ડ મળ્યો હતો. સંખ્યાબંધ સાહિત્યિક તથા સાંસ્કૃતિક સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલા રહ્યા છે અને તેમને અનેક ઇનામ અને સન્માન મળેલાં છે.

જીવનસમસ્તનું તથા સમાજનું જીવંત ચિત્રણ, ઉત્કટ ઊર્મિશીલતા, માનવમૂલ્યોમાંની શ્રદ્ધા અને સ્વસ્થ આશાવાદ જેવી લાક્ષણિકતાઓને કારણે પુરસ્કૃત કૃતિ ધ્યાનાકર્ષક છે.

મહેશ ચોકસી