ભાટિયા, લક્ષ્મણ (‘કોમલ’)

January, 2001

ભાટિયા, લક્ષ્મણ (‘કોમલ’) (જ. 26 માર્ચ 1936, કંડિયારો, સિંધ) : સિંધી ભાષાના જાણીતા કવિ. કૉમર્સ ગ્રૅજ્યુએટ થઈને પત્રકારત્વમાં ડિપ્લોમા કર્યો અને ‘ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા’ દૈનિકમાં જોડાયા અને ચીફ સબ-એડિટર તરીકે નિવૃત્ત થયા.

લક્ષ્મણ ભાટિયાએ 12 વર્ષની ઉંમરમાં એક નાનકડી રચના લખી, જે તે વખતના સુપ્રસિદ્ધ બાલસામયિક ‘ગુલિસ્તાન’માં છપાઈ. તે પછી એમણે સાહિત્યસર્જનનું કાર્ય સતત ચાલુ રાખ્યું છે. શરૂઆત ગઝલલેખનથી કરી અને સારી ગઝલો પણ લખી; પરંતુ તે પછી તેઓ નવી કવિતા તરફ વળ્યા. એમના કવિતાસંગ્રહ ‘જીસ ઝરોખો’ માટે એમને 1976માં કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ મળ્યો. તે પહેલાં 1965માં ‘હિકિડો હો રાજા’ માટે કેન્દ્રના શિક્ષણ વિભાગનું બાલસાહિત્યનું પારિતોષિક મળ્યું હતું. ‘કોમલ’ની ઉર્દૂ-મિશ્રિત સિંધી ભાષામાં લખેલી કાવ્યરચનાઓમાં ક્રાંતિકારી વિચારધારાની સાથે માનવતાવાદનાં જુદાં જુદાં પાસાંનાં દર્શન થાય છે. સિંધીના શ્રેષ્ઠ કવિઓ શાહ લતીફ, શેખ અયાઝ, નારાયણ શ્યામ એમના માટે પ્રેરણારૂપ રહ્યા છે. સિંધી ઉપરાંત ઉર્દૂ અને અંગ્રેજીમાં એમનું લેખન ચાલુ રહ્યું છે. અંગ્રેજીમાં એમના એક પુસ્તક ‘ફોકટેલ્સ ઑવ્ પાકિસ્તાન’ની 6 આવૃત્તિઓ થઈ છે. દિલ્હીના લોકપ્રિય કલાકાર હેમ  નાગવાણીની કલા અને તેમના વ્યક્તિત્વ પર શ્રદ્ધાંજલિ-સ્વરૂપે પ્રગટ થયેલ લેખસંગ્રહ ‘કાક છડે વિયા કુંડ તે’(1986)નું સંપાદન તેમણે કરેલ છે.

તેમના કર્મક્ષેત્રના વિપુલ અનુભવો અને તત્પ્રેરિત ક્ષિતિજ-વિસ્તારનો લાભ સાહિત્યને મળ્યો. વિષયોના નાવીન્યની સાથે તેમની ગઝલોમાં તાજગી છે. જેમ સિંધી નવ-ગઝલકાર તરીકે તેમ અછાંદસ નવી કવિતાના પ્રયોગશીલ સર્જક તરીકે તેઓ ઊપસી આવ્યા છે. તેમણે નૃત્ય-નાટિકાઓ રચી છે તો સિંધી લોકકથાઓ પર આધારિત ‘સૂર સોરઠ’ અને ‘મૂમલ રાણો’ નામે બે સંગીતનાટકો પણ રચ્યાં છે. વળી નાટકોમાં તેમણે અભિનય આપ્યો છે.

અનુવાદના ક્ષેત્રે પણ ભાટિયાનું યોગદાન મહત્વપૂર્ણ છે. સોવિયેટ સંઘના જાણીતા ક્રાંતિકારી કવિ માયકૉવસ્કીની કવિતાઓનો સિંધીમાં કરેલો અનુવાદ ‘નઓં સુબહ’ (1975) ખૂબ જ વખણાયો અને તે માટે એમને સોવિયેટ લૅન્ડ નહેરુ પારિતોષિક મળ્યું અને બે અઠવાડિયાં સોવિયેટ સંઘ જવાનો અવસર મળ્યો. કુર્રતુલ-ઐન હૈદરના ‘પતઝડ કી આવાઝ’ના સિંધી અનુવાદ માટે કેન્દ્રની સાહિત્ય અકાદમીએ એમને 1997માં અનુવાદ માટેનું ઇનામ આપ્યું. એ સિવાય એમણે રાજેન્દ્રસિંઘની જાણીતી નવલકથા ‘એક ચાદર મૈલી સી’ તથા મીરાંબાઈ અને બુલેશાહના કાવ્યસંગ્રહોના અનુવાદ કર્યા છે.

હુંદરાજ બલવાણી

જયંત રેલવાણી