ભાટિયા, વનરાજ (જ. 31 મે 1927, મુંબઈ અ. 7 મે 2021, મુંબઈ) : સમાંતર ધારાની ચળવળના સૌથી મોટા હિસ્સેદાર એટલે વનરાજ ભાટિયા.

વનરાજ ભાટિયાનો જન્મ એક કચ્છી ધંધાદારી પરિવારમાં થયો હતો. મુંબઈ ખાતે તેમની પ્રાથમિક સંગીતશિક્ષા દેવધર સ્કૂલ ઑફ મ્યુઝિકમાં થઈ. ન્યૂ એરા શાળામાં ભણતાં ભણતાં યુવાવયમાં તેમને પાશ્ચાત્ય સંગીતનો ચસકો લાગ્યો. ડૉ. માણેક ભગત પાસે તેમણે ચાર વર્ષ પિયાનોની તાલીમ લીધી. હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં સઘન તાલીમ લેવાની સાથે સાથે તેમણે મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી અંગ્રેજી વિષય સાથે અનુસ્નાતક કર્યું. ત્યારબાદ તેઓ પરદેશ ગયા. લંડન સ્થિત રૉયલ એકૅડેમી ઑફ મ્યુઝિકમાંથી તેઓ ગોલ્ડમેડલ સાથે ઉત્તીર્ણ થયા. સંગીતનાં તલસ્પર્શી વિદેશ અભ્યાસ દરમિયાન તેઓને ‘સર માઇકલ કોસ્ટા’. ‘રોકફેલર’ જેવી સ્કૉલરશિપ મળી. તેઓ ભારત પરત ફર્યા ત્યારે ટેલિવિઝનનો સુવર્ણયુગ ચાલુ થયેલો. આ દરમિયાન તેમણે અઢળક જાહેરાતોની ‘jingles’ (જિંગલ્સ) બનાવવાનું કામ કર્યું. તેમની બનાવેલી ‘jingles’ આજે પણ લોકોના હોઠે રમે છે. અનેક ઉદ્યોગગૃહો માટે લગભગ 6000 જેટલાં ‘જિંગલ્સ’ તેમણે તૈયાર કર્યા.

શ્યામ બેનેગલ સાથેનો તેમનો સંગીતમય નાતો આપણાં સૌ માટે યાદગાર બની રહ્યો. ‘નિશાંત’, ‘મંથન’, ‘ભૂમિકા’ જેવી ઘણી ફિલ્મોમાં તેમનું સંગીત વખણાયું. ટીવી સિરિયલોમાં પણ તેમનું યોગદાન સહુને સ્પર્શી ગયું. ‘તમસ’ સિરિયલ માટે તેમને ‘નૅશનલ ફિલ્મ ઍવૉર્ડ ફોર બેસ્ટ મ્યુઝિક ડિરેક્શન’ મળ્યો. શ્યામ બેનેગલની ઐતિહાસિક સિરિયલ ‘ભારત : એક ખોજ’માં વૈદિક મંત્રોચ્ચાર સાથેનું તેમનું સંગીત ચિરસ્મરણીય બની રહ્યું. તે માટે તેમને સંગીત નાટક અકાદમીનો ઍવૉર્ડ પણ મળ્યો હતો.

વનરાજ ભાટિયાનું સંગીત મુખ્ય પ્રવાહથી જરા હટકે જ રહ્યું. તેમના જીવનકાળ દરમિયાન તેમણે જાહેરાતોની જિંગલ્સની સાથે 40 બોલિવુડ ફિલ્મો અને આઠેક સિરીઝ કરી. આજની યુવાપેઢી માટે તેમણે પાશ્ચાત્ય સંગીત અને શાસ્ત્રીય સંગીતનો સમન્વય કરીને કરેલા પ્રયોગો ખરેખર પ્રેરણારૂપ બની રહેશે. ઉલ્લેખનીય છે કે તેમણે ગુજરાતી ફિલ્મ ‘એક ડાળ મીઠી’ અને ‘ધાડ’માં સંગીત આપેલ. આ સિવાય બિન-ફિલ્મી ગીતોનાં આલબમમાં ‘અનંત’, ‘ધી સ્પિરિટ ઑફ ઉપનિષદ’, ‘ધી ભગવદગીતા’ વગેરે સામેલ છે.

બીજલ બુટાલા