ભાગવત સંપ્રદાય

January, 2001

ભાગવત સંપ્રદાય : હિંદુ ધર્મનો બહુધા વૈષ્ણવ સંપ્રદાય નામે ઓળખાતો પ્રાચીન સંપ્રદાય. ભગવાન અને તેના અવતારોમાં આસ્થા તેમજ તેની ભક્તિ – એ તત્વોને લીધે તેની લોકપ્રિયતા વિશેષ થયેલી જોવામાં આવે છે. સંપ્રદાયના મુખ્ય ઉપાસ્ય દેવ વાસુદેવ છે. તેઓ જ્ઞાન, શક્તિ, બળ, વીર્ય, ઐશ્વર્ય અને તેજ – એ છ ગુણોથી પરિપૂર્ણ હોઈ તેમને ‘ભગવાન’ કે ‘ભગવત્’ કહેવામાં આવ્યા છે. આ સંપ્રદાયમાં સિદ્ધાંત પરત્વે બ્રહ્મ, મુક્તિ, ભોગ, યોગ અને સંસાર – એ પાંચ વિષયોનું ‘રાત્ર’ અર્થાત્ જ્ઞાન આધાર રૂપે હોઈને તેને ‘પાંચરાત્ર સંપ્રદાય’ પણ કહેવામાં આવ્યો છે. આ સંપ્રદાયનાં મૂળ છેક ઉત્તર વેદકાળમાં હોવાનું જણાય છે.

વેદો અને બ્રાહ્મણગ્રંથોના કાલ દરમિયાન ધર્મસાધનામાં કર્મ અને જ્ઞાન – એ બે પદ્ધતિઓ પ્રચલિત થઈ હતી; પણ બ્રાહ્મણગ્રંથોમાં યાજ્ઞિક કર્મકાંડો પરાકાષ્ઠાએ પહોંચી ગયા અને ધાર્મિક ક્ષેત્રે પુરોહિતોની બોલબાલા વધી ગઈ, ત્યારે ઉપનિષદોના વિચારકોએ યજ્ઞને ‘અર્દઢ હોડી’ જેવું સંસારસાગરમાં ડુબાડનારું સાધન ગણાવીને યાજ્ઞિક કર્મકાંડોની નિરર્થકતા બતાવી. એમણે ઋગ્વેદમાં બીજરૂપે રહેલા તત્વજ્ઞાનને અપનાવ્યું અને તેની સિદ્ધિ (= બ્રહ્મજ્ઞાન અને આત્મજ્ઞાન)ના સાધન તરીકે ત્યાગ, તપસ્યા, મનોનિગ્રહ, ધ્યાન વગેરે પર ભાર મૂક્યો. બીજી બાજુ પૂર્વમાં બંગાળ સુધી અને દક્ષિણમાં નર્મદા સુધી આર્યોનો વિસ્તાર થઈ ચૂક્યો હતો. આર્યોના આ પ્રસાર સાથે વધુ ને વધુ સંખ્યામાં આર્યેતર પ્રજા આર્ય સમાજમાં ભળતાં પરિસ્થિતિ બદલાતી જતી હતી. આર્યેતરોને આર્ય સમાજના ચોથા વર્ણમાં ગોઠવવામાં આવ્યા હતા ને એમને વેદાભ્યાસ તેમજ યજ્ઞાદિ ધાર્મિક કાર્યોથી વંચિત રાખવામાં આવ્યા હતા; જોકે તેઓ પોતાનાં દેવદેવીઓની પરંપરાનુસાર પૂજા-ઉપાસના કરતા હતા. બીજી બાજુ સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે સ્થપાયેલી બ્રાહ્મણોની જોહુકમીનો ક્ષત્રિયો દ્વારા વિરોધ થવા લાગ્યો હતો. આ પૃષ્ઠભૂમિમાં ભાગવત, જૈન અને બૌદ્ધ ધર્મના પાયા નંખાયા. ભાગવતધર્મ પ્રાચીન બ્રાહ્મણ ધર્મનો અંગભૂત બની રહી એમાં આર્યેતર તત્વોને ભેળવી સુધારાનું વલણ ધરાવતો રહ્યો; જ્યારે જૈન અને બૌદ્ધ ધર્મ બ્રાહ્મણ ધર્મના વિરોધી તરીકે ઉદભવ્યા. જૈન અને બૌદ્ધ ધર્મ ત્યાગ અને તપસ્યાપ્રધાન હતા. જ્યારે ભાગવત ધર્મ ભક્તિ-ઉપાસનાપ્રધાન હતો.

અલબત્ત, ભક્તિ-ઉપાસનાના વિચારોનો ઉદય તો ઘણો વહેલો થયો હતો. મથુરાની આસપાસના શૂરસેન પ્રદેશના સાત્વતો ભક્તિ-ઉપાસનાના હિમાયતી હતા. તેઓ યજ્ઞયાગ કે તપસ્યાના વિરોધી નહોતા, પણ એને મુકાબલે ભક્તિ અને કર્તવ્યપાલનને વધુ મહત્વ આપતા હતા. સાત્વત એ યાદવોની એક શાખા હતી ને એના વૃષ્ણિકુલમાં જન્મેલા વાસુદેવ (શ્રીકૃષ્ણ), સંકર્ષણ (બલરામ), પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધે નવા વિચારોનો ખૂબ પ્રચાર કર્યો હતો. આમાં ભગવદભક્તિ અને નિષ્કામ કર્મ ઉપર ભાર મૂકતા વાસુદેવનો પ્રભાવ વ્યાપક હતો. આ વિચારસરણી આગળ જતાં ‘એકાન્તિક ધર્મ’ કે ‘ભાગવત સંપ્રદાય’ તરીકે અથવા તો વાસુદેવ એના મુખ્ય પ્રવર્તક હોવાથી ‘વાસુદેવ સંપ્રદાય’ તરીકે પ્રસિદ્ધ થઈ. એના અનુયાયી સાત્વતો ‘વાસુદેવક’ કહેવાયા. વાસુદેવ મથુરાના યાદવ નેતા વસુદેવના દેવકીથી થયેલા પુત્ર હતા. ‘વાસુદેવ’ એમનું વ્યક્તિવાચક નામ હતું અને ‘કૃષ્ણ’ એ સંભવત: એમનું કૃષ્ણાયન ગોત્ર પરથી પડેલું નામ હતું. તેઓ શૂરસેન દેશના યાદવોના અંધક-વૃષ્ણિ (સાત્વત) સંઘના નેતા હતા. તેઓ રાજનીતિદક્ષ, વિચારક અને ધર્મોપદેશક હતા. એમના માર્ગદર્શન નીચે પાંડવો મગધરાજ જરાસંધનો પરાજય કરી શક્યા હતા. વાસુદેવે કુરુક્ષેત્રના મેદાનમાં સગાંસંબંધીઓની સામે યુદ્ધ કરવાની બાબતમાં દ્વિધામાં પડેલા અર્જુનને ઉપદેશ આપીને કર્તવ્યપાલન માટે પ્રેર્યો હતો. વૃદ્ધાવસ્થામાં વાસુદેવે સંઘનું નેતૃત્વ છોડી દઈને યોગીનું જીવન વિતાવ્યું હોવાનું જણાય છે. ભક્તિ અને નિષ્કામ કર્મનો ઉપદેશ કરતા વાસુદેવ સાત્વતોને મન આચાર્ય જ નહિ, પૂર્ણ પુરુષ હતા. વાસુદેવના અનુયાયીઓ તેમની લોકોત્તર પુરુષ તરીકે પૂજા કરવા લાગ્યા. પાણિનિએ વાસુદેવકોનો ઉલ્લેખ કર્યો છે. તે પરથી ઈ. પૂ. પાંચમી સદી સુધીમાં વાસુદેવના ઉપાસકોનો સંપ્રદાય બંધાઈ ગયો હોવાનું જણાય છે. જૈનોના શલાકા(ઉત્તમ)પુરુષોમાં વાસુદેવ અને બળદેવનો પણ સમાવેશ થયો છે. બૌદ્ધ સાહિત્યના ‘ચુલ્લ નિદ્દેસ’માં વાસુદેવના પૂજક વાસુદેવકોનો નિર્દેશ થયો છે. પ્રસિદ્ધ પ્રવાસી મૅગેસ્થિનિસે સૌરસેનોઈ જાતિ (શૂરસેન જાતિ અર્થાત્ સાત્વતો) હેરેક્લીઝ(વાસુદેવ-કૃષ્ણ)ની પૂજા કરતી હોવાનું નોંધ્યું છે. ઈ. પૂ. 200ના બેસનગર(ભિલસા)ના સ્તંભલેખમાં બૅક્ટ્રિયાના રાજદૂત હેલિયોદોરે દેવાધિદેવ વાસુદેવના માનમાં એ ગરુડસ્તંભ ઊભો કર્યો હોવાનું જણાવ્યું છે. એ લેખમાં હેલિયોદોરે પોતાને ‘પરમ ભાગવત’ કહ્યો છે. આ અને બીજા અભિલેખો તેમજ સાહિત્યિક ઉલ્લેખો પરથી પ્રતીત થાય છે કે ભાગવત સંપ્રદાય મૂળમાં ‘વાસુદેવ સંપ્રદાય’ કે ‘વાસુદેવોપાસના’ના નામથી પ્રચલિત હતો. તેનું ભાગવત સંપ્રદાય નામ ઈ. પૂ. ત્રીજી-બીજી સદી સુધીમાં તો નિશ્ચિતપણે પ્રચલિત થઈ ગયું હતું. પશ્ચિમ અને વાયવ્ય ભારતમાં સાત્વતોના ફેલાવા સાથે વાસુદેવની ઉપાસના પણ વ્યાપક બની હોવાનું જણાય છે.

અગાઉ જોયું તેમ, ઉપનિષદ-કાળથી ક્ષત્રિય વિચારકો ધાર્મિક વિષયો પર સક્રિય ચિંતનમાં પ્રવૃત્ત હતા. એમાંના કેટલાક તો નૂતન વિચારધારાઓના પ્રવર્તક હતા. બૌદ્ધિક જાગરણના જમાનામાં પૂર્વમાં મહાવીર અને બુદ્ધે નૂતન ધાર્મિક સંપ્રદાયોની સ્થાપના કરી. એમણે ઈશ્વરના અસ્તિત્વના સિદ્ધાંતનું ખંડન કર્યું કે મૌન રહી એને ટાળી દીધો. ને મુક્તિ માટે કઠોર નૈતિક આચરણ કરી સ્વપ્રયત્નનો, ત્યાગ-તપસ્યાપ્રધાન માર્ગ દર્શાવ્યો. પૂર્વના પ્રદેશોની અનેક જાતિઓએ એને અપનાવ્યો. તે કાળે પશ્ચિમ ભારતની સાત્વત જાતિ પાસે પૂર્વકાળમાં કૃષ્ણ-વાસુદેવે પ્રબોધેલો ‘એકાન્તિક ધર્મ’ હતો. તેમાં એણે પરમેશ્વરના વિચારને માન્યતા આપી મુક્તિ માટે ભક્તિમાર્ગ અપનાવ્યો હતો. આ અરસામાં (ઈ. પૂ. ચોથીથી ત્રીજી સદીમાં) કોઈ પરમ વાસુદેવભક્ત આચાર્યે વાસુદેવના મૂળ ઉપદેશને અદ્યતન ‘ભગવદગીતા’નું સ્વરૂપ આપ્યું. એમાં તત્કાલીન પ્રચલિત બધા મતમાર્ગોનો સમન્વય સાધી સર્વજનસુલભ ધર્મ પ્રબોધવામાં આવ્યો. વસ્તુત: ગીતાની રચના પૂર્વે વેદ ધર્મમાં મોક્ષપ્રાપ્તિ અર્થે યજ્ઞ અને જ્ઞાન એ બે ઉપાયો માનવામાં આવતા હતા; પણ એ માટે સુશિક્ષિત થવું, શ્રુતિનું અધ્યયન કરવું અને યજ્ઞોના સંપાદન માટે સંપત્તિવાન હોવું આવશ્યક હતું. આથી વૈદિક યજ્ઞો અને ઉપનિષદોનો જ્ઞાનમાર્ગ સર્વ જનસમાજ માટે સુસાધ્ય નહોતાં. બીજી બાજુ શ્રમણ-પરંપરામાં મોક્ષ માટે સંન્યાસ અને તપ પર વિશેષ ભાર મુકાતો હતો અને એ ઉપાયો પણ સર્વ જન માટે સુલભ નહોતા. એ યુગમાં સામાન્ય જનસમાજમાં અનેક આર્ય-આર્યેતર દેવોની ઉપાસના પ્રચલિત હતી; પરંતુ તેમને તાત્વિક વિચારોનું પીઠબળ નહોતું. ગીતાએ એ બધાં તત્વોનો યુક્તિપુર:સર ઉપયોગ કરીને ભાગવત સંપ્રદાયની ભૂમિકા પર તેમનો સમન્વય સાધ્યો. ભાગવત-સંપ્રદાયના પાયાનાં બે તત્વો – અવતારવાદ અને શરણભક્તિ–ની બાબતમાં ગીતા પાયારૂપ બની. ગીતામાં અવતારવાદનો મજબૂત પાયો નંખાયો, જે આગળ જતાં ભાગવત ધર્મનો મુખ્ય આધાર બન્યો. તેવી રીતે પરમાત્માની અનન્યભાવે ભક્તિ કે શરણાગતિ(પ્રપત્તિ)ની પીઠિકા પર ઉત્તરકાલમાં ભક્તિની ભવ્ય ઇમારત ઊભી થઈ. ભગવદગીતાની રચના થકી ભાગવત સંપ્રદાયને મજબૂત દાર્શનિક આધાર મળતાં પ્રચલિત વૈદિક ધર્મ અને અન્ય સંપ્રદાયોને મુકાબલે તેનો પ્રભાવ વધી ગયો. તેનો પ્રસાર વધવા લાગ્યો, સાથોસાથ એમાં અનેક નવાં તત્વો ભળવા લાગ્યાં. આ નવાં તત્વોને લીધે ભાગવત સંપ્રદાયનું વાસ્તવિક સ્વરૂપ બંધાયું. એ તત્વોમાં વાસુદેવની વિષ્ણુ અને નારાયણ સાથે એકરૂપતા વિશેષ મહત્વ ધરાવે છે.

વૈદિક દેવતાઓમાં વિષ્ણુનું એક આદિત્ય દેવતા તરીકે સ્થાન હતું. અલબત્ત, વૈદિક દેવોની જેમ તેમની ઉપાસના પણ યાજ્ઞિક કર્મકાંડો અને મંત્રોથી થતી. વિષ્ણુની સ્તુતિ કરતા ઋગ્વેદના એક સૂક્તમાં કહ્યું છે કે તેમના વિક્રમમાં સંપૂર્ણ વિશ્વ સમાવિષ્ટ છે, એમણે પોતાનાં ત્રણ પગલાંથી સઘળા લોકને માપી લીધા હતા. આમ છતાં વિષ્ણુનું સ્થાન અન્ય દેવતાઓને મુકાબલે ગૌણ હતું. બ્રાહ્મણગ્રંથોના સમયથી તેમનો મહિમા વધ્યો ને તેઓ સૃષ્ટિના પાલનકર્તા મનાવા લાગ્યા. એમ છતાં એ વખતે તેમની ઉપાસના કે ભક્તિ, ઉત્તરકાલમાં જોવા મળે છે એવા સ્વરૂપે ચાલુ થઈ નહોતી. નારાયણ સંભવત: અવૈદિક દેવતા હતા અને તેમણે ધીમે ધીમે વૈદિક દેવતાઓમાં પ્રવેશ કર્યો હતો. શતપથ બ્રાહ્મણના સમયમાં એમણે દેવતાઓ વચ્ચે મુખ્ય સ્થાન પ્રાપ્ત કરી લીધું હતું. નારાયણની કલ્પના આદિપુરુષ તરીકે કરવામાં આવી છે. જોકે, મહાભારત અને પુરાણોની કથાઓ પરથી મનાય છે કે ‘નર’ અને ‘નારાયણ’ નામના બે પ્રાચીન ઋષિઓએ ધાર્મિક ક્ષેત્રે વૈદિક કર્મકાંડવિરોધી ‘એકાંતિક સંપ્રદાય’ની એક નવી વિચારસરણીને જન્મ આપ્યો હતો. સાત્વતોના વાસુદેવ-કૃષ્ણની જેમ એમની પણ દેવતા તરીકે ઉપાસના શરૂ થઈ ગઈ હતી. નારાયણના ઉપાસકો ‘પંચરાત્રિક’ કહેવાતા. શતપથ બ્રાહ્મણ અનુસાર પંચરાત્રસત્ર દ્વારા નારાયણ અન્ય સહુને મુકાબલે ઉત્કૃષ્ટતાને પામ્યા હતા. નારાયણને ‘ભાગવત’ની સંજ્ઞા આપવામાં આવી હોવાથી એમનો સંપ્રદાય ‘ભાગવત સંપ્રદાય’ તરીકે ઓળખાતો હતો. ‘નર’ અને ‘નારાયણ’ને નમસ્કાર કરીને મહાભારતનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જે એ બંનેનું તત્કાલીન મહત્વ સૂચવે છે. આમ વેદોત્તર કાલમાં આ ‘નારાયણીય’ સંપ્રદાય પોતાનું અલગ અસ્તિત્વ ધરાવતો  હતો. સાત્વતોથી પોતાને અલગ બતાવવા માટે નારાયણના ઉપાસકો પોતાને ‘એકાન્તિક’ કહેવડાવતા, પરંતુ સાત્વતોનો વાસુદેવ સંપ્રદાય વાયવ્ય ભારત અને પશ્ચિમ ભારતમાં વ્યાપક પ્રસાર પામતાં ‘નારાયણીય સંપ્રદાય’ પોતાનું અલગ અસ્તિત્વ ટકાવી શક્યો નહિ અને એ પણ વાસુદેવ સંપ્રદાયમાં ભળી ગયો. નારાયણનું વાસુદેવ-કૃષ્ણ સાથે અને નરનું અર્જુન સાથે ઐક્ય સધાયું. જેમ ‘નર’ ‘નારાયણ’ના સખા હતા તેમ અર્જુન વાસુદેવના સખા હતા. આથી એમના એકત્વની કલ્પનામાં કોઈ વિસંગતિ પણ આવે એમ નહોતી. બીજું, ‘નર’ની જેમ અર્જુનની પણ ઉપાસના થતી હતી. પાણિનિની અષ્ટાધ્યાયી (4-3-9) પ્રમાણે વાસુદેવના ભક્તો જેમ ‘વાસુદેવક’ કહેવાતા તેમ અર્જુનના ભક્તો ‘અર્જુનક’ કહેવાતા હતા.

અન્ય અનેક ધાર્મિક સંપ્રદાયોની સ્થિતિ પણ ‘નારાયણીય સંપ્રદાય’ જેવી થઈ. ભાગવત સંપ્રદાયમાં જે અનેક કથાઓ પ્રવેશી, વાસુદેવ-કૃષ્ણને જે અનેક નામો અને વિશેષણો પ્રાપ્ત થયાં, એમની પૂજાવિધિમાં પણ જે અનેક નવાં તત્વોનો સમાવેશ થયો, તે આ પ્રક્રિયાનું પરિણામ છે. વસ્તુત: નારાયણ ઉત્તર-બ્રાહ્મણકાલમાં પરમ પુરુષ કે આદિપુરુષ તરીકે વિકસિત થયા હતા ને તેઓ વાસુદેવથી પૂર્વવર્તી હતા. મહાભારતના રચનાકાલના પ્રારંભમાં (સંભવત: ઈ. પૂ. ચોથી સદીમાં) જ્યારે વાસુદેવની પૂજાનો ઉદય થયો ત્યારે નારાયણ સાથે વાસુદેવનું તાદાત્મ્ય સ્થાપવામાં આવ્યું. બીજી બાજુ, ત્યાર-સુધીમાં વિષ્ણુ પણ, દરેક ર્દષ્ટિએ પરમાત્માની કોટિએ પહોંચી ગયા હોવાથી વિષ્ણુ સાથે વાસુદેવનું તાદાત્મ્ય સધાયું. મહાભારતના ભીષ્મપર્વમાં પરમાત્માને નારાયણ અને વિષ્ણુ કહ્યા છે ને તેમનું વાસુદેવ સાથે એકત્વ પ્રતિપાદિત કર્યું છે.

વૃષ્ણિકુલમાં વાસુદેવ-કૃષ્ણ ઉપરાંત તેમના મોટા ભાઈ સંકર્ષણ (બલરામ), પોતાના બે પુત્રો પ્રદ્યુમ્ન અને સામ્બ અને પૌત્ર અનિરુદ્ધ(પ્રદ્યુમ્નનો પુત્ર)ની પૂજા થતી હતી. વાસુદેવની જેમ એ ચારેયની મૂર્તિઓ સ્થાપવામાં આવી હતી. મથુરા પાસે મોરા નામના સ્થાનેથી મળેલા ઈ. સ.ની પહેલી સદીના એક શિલાલેખમાં આ પાંચેય વૃષ્ણિકુલ-વીરોની મૂર્તિઓ એક મંદિરમાં સ્થાપ્યાનો ઉલ્લેખ મળે છે. આ વીરોની આગળ ‘ભગવત્’ વિશેષણ લગાડેલું છે તે પરથી જણાય છે કે વાસુદેવની જેમ અન્ય ચાર વૃષ્ણિવીરોને સાત્વતો દેવતા ગણવા લાગ્યા હતા. સમય જતાં વાસુદેવના મુકાબલે એમનું મહત્વ ઘટી ગયું. તેથી દેવ રૂપે પૂજાતા સંકર્ષણાદિ વૃષ્ણિવીરો વાસુદેવ-કૃષ્ણના જ ‘વ્યૂહ’ મનાવા લાગ્યા અને આ વ્યૂહ વાસુદેવમાંથી જ પ્રગટ્યા છે એમ પ્રતિપાદિત કરવામાં આવ્યું. ભાગવત સંપ્રદાયમાં પ્રવર્તેલા આ ‘વ્યૂહવાદ’ અનુસાર વાસુદેવ જ સર્વોચ્ચ છે અને ‘પર’(સર્વોપરી) રૂપે એમની ભક્તિ કરવી જોઈએ. વાસુદેવ-પૂજકોએ આમ વાસુદેવ-કૃષ્ણને પરબ્રહ્મની સ્થિતિ પ્રદાન કરી, સાંખ્ય વગેરે દર્શનશાસ્ત્રોમાં સૃષ્ટિપ્રક્રિયાના સંદર્ભમાં પ્રચલિત પ્રકૃતિ, બુદ્ધિ અને અહંકારાદિ તત્વોનું પ્રતિપાદન વાસુદેવમાંથી સૃષ્ટિના ઉદભવના સંદર્ભમાં ઘટાવ્યું ને એ પ્રક્રિયામાં સંકર્ષણાદિ વૃષ્ણિ-વીરોને ‘વ્યૂહ’ બનાવી દીધા.

વિષ્ણુ-નારાયણ-વાસુદેવના ઉપાસકોને માટે પ્રાચીન સાહિત્ય અને અભિલેખોમાં ‘ભાગવત’, ‘પંચરાત્રિક’, ‘એકાન્તિક’ અને ‘સાત્વત’ જેવા શબ્દો પ્રયોજાય છે એ પરથી આ ત્રણેય દેવો એકાકાર થયા છતાં લોકમાનસમાં પ્રચલિત આસ્થાઓ અનુસાર ઉપાસકો વચ્ચે ભેદ ચાલુ રહ્યા હતા. આમાં ક્યાંય વિષ્ણુના ઉપાસકો અર્થાત્ વૈષ્ણવોનો ઉલ્લેખ મળતો નથી. એનો ખરો ઉલ્લેખ ગુપ્તકાલીન પુરાણોમાં મળે છે. જોકે ગુપ્ત સમ્રાટોનો ઉલ્લેખ પરમ વૈષ્ણવ તરીકે નહિ, પણ ‘પરમ ભાગવત’ તરીકે થયેલો છે. સર્વપ્રથમ ઉલ્લેખ ‘પરમ વૈષ્ણવ’ મહારાષ્ટ્ર-ગુજરાતના ત્રૈકૂટક રાજાઓના સિક્કાઓ પર મળે છે તે પરથી ‘વૈષ્ણવ’ શબ્દપ્રયોગ ઈ. સ. પાંચમી–છઠ્ઠી સદીના પ્રારંભે થયો હોવાનું જણાય છે.

વાયવ્ય અને પશ્ચિમ ભારતમાં જ્યારે ભાગવત સંપ્રદાયનો ઉપર્યુક્ત સ્વરૂપે વિકાસ થઈ રહ્યો હતો, ત્યારે બીજી બાજુ ઈ. પૂ. ચોથી–ત્રીજી સદીમાં મૌર્યોના શાસનકાળ દરમિયાન, જૈન અને બૌદ્ધ ધર્મો મગધમાંથી બહાર નીકળી દેશભરમાં પ્રસાર પામવા લાગ્યા હતા. આવી સ્થિતિમાં પ્રચલિત બ્રાહ્મણ ધર્મના અનુયાયીઓને ધાર્મિક ક્ષેત્રે સુધારણાની અનિવાર્યતા જણાઈ. પ્રાચીન યજ્ઞયાગ ચાલી શકે તેમ નહોતા તેમજ ધાર્મિક અનુષ્ઠાનોમાં પશુહિંસા કે બલિદાન ઉચિત નથી એમ તેમને પ્રતીત થવા લાગ્યું હતું. વળી બ્રાહ્મણ ધર્મની નિર્ગુણ-નિરાકાર બ્રહ્મની ઉપાસના પણ લોકપ્રિય થઈ શકી નહોતી. વસ્તુત: ધર્મના પથ પર અગ્રેસર થવા માટે મનુષ્ય સમક્ષ મહાવીર અને બુદ્ધ જેવા પૂર્ણ સગુણ પુરુષ આદર્શ રૂપે રહેવા જોઈએ, જેથી એમના ચરિત્ર અને જીવનમાંથી લોકો પ્રેરણા મેળવી શકે. આવા વિચારોના પ્રભાવમાં ઈ. પૂ. બીજી સદીમાં શુંગકાલમાં બ્રાહ્મણ ધર્મના પુનરુદ્ધારકાર્યે જોર પકડ્યું. એ વખતે વૈદિક મર્યાદામાં રહીને વિકસેલો ભાગવત સંપ્રદાય ઉપર્યુક્ત નવીન વિચારોને અનુરૂપ હોઈને લોકપ્રિય થવા લાગ્યો હતો. એમાં ભગવદગીતા જેવી દાર્શનિક પૃષ્ઠભૂમિ હતી ને એના ઉપદેષ્ટા વાસુદેવ-કૃષ્ણની પૂજા પણ હતી. વળી વાસુદેવ પોતે ઉત્તમ ચારિત્ર્યવાન, ગુણવાન, ઉપદેશક આચાર્ય હતા. તેઓ વૈદિક કર્મકાંડો ને પશુહિંસાના વિરોધી પણ હતા. આથી પૂર્ણપુરુષ અને પૂર્ણજ્ઞાની વાસુદેવને મહાવીર તેમજ બુદ્ધની સમકક્ષ મૂકી શકાય એમ હોઈ પુનરુદ્ધારના પુરસ્કર્તાઓએ વાસુદેવને પોતાના ઉપાસ્ય તરીકે સ્વીકારી લીધા. આમ નિર્ગુણ-નિરાકારનું સ્થાન સગુણ-સાકાર ઈશ્વરે લીધું. તેની ભક્તિ સુલભ બની અને તેની સાથે તેની પૂજાપદ્ધતિનો વિકાસ થયો. હવે કર્મકાંડોને સ્થાને ભક્તિની પ્રધાનતા આવી. મંદિરમાં દેવતાની મૂર્તિની પ્રતિષ્ઠા થતાં ત્યાં ભક્તો એકત્ર થઈ ગીત, નૈવેદ્ય વગેરેથી દેવતાને રીઝવવા લાગ્યા. આર્યેતરોમાં તો આ પૂજાપદ્ધતિ સૈકાઓથી પ્રચલિત હતી, તેનો વ્યાપકપણે સ્વીકાર થયો. યાજ્ઞિક અનુષ્ઠાનો કરતાં આ પૂજન-પદ્ધતિ સર્વસુલભ હોવાથી ભાગવત સંપ્રદાય લોકપ્રિય થઈ ગયો. ઈ. સ.ની બીજી સદીમાં તો તે સમગ્ર ભારતમાં પ્રસરી ગયો ને ગુપ્તકાલ સુધીમાં ભારતનો પ્રમુખ ધર્મ બની ગયો.

પુનરુદ્ધારની આ પ્રક્રિયામાં વાસુદેવની પૂજાને સ્થાને વિષ્ણુની પૂજા વ્યાપક બનતી ગઈ. આગળ જતાં અવતારવાદનો વિકાસ થતાં ગીતા-ઉપદેષ્ટા વાસુદેવ-કૃષ્ણ પોતે વિષ્ણુના (પૂર્ણ) અવતાર ગણાવા લાગ્યા. બીજી બાજુ ચિંતનક્ષેત્રે ઋગ્વૈદિક વિષ્ણુ, વિરાટ નારાયણ અને ઐતિહાસિક વાસુદેવની એકરૂપ થયેલી ત્રણ ધારાઓમાં ઈ. સ.ની ત્રીજી સદીના અરસામાં ‘ગોપાલ-કૃષ્ણ’ની ચોથી ધારા ભળી હોવાનું મનાય છે. આ નવીન ધારાએ ઉત્તરકાલમાં કેટલાક વૈષ્ણવ સંપ્રદાયોમાં પ્રધાનતા મેળવી. ઉત્તરકાલીન વૈષ્ણવ સંપ્રદાયોમાં રામાનુજાચાર્ય અને મધ્વાચાર્યના સંપ્રદાયોમાં આ ગોપાલકૃષ્ણ તત્વની સંપૂર્ણપણે ઉપેક્ષા કરવામાં આવી, જ્યારે નિમ્બાર્કાચાર્ય, વલ્લભાચાર્ય, ચૈતન્ય મહાપ્રભુ, હિતહરિવંશ કે હરિદાસી વગેરેના સંપ્રદાયોમાં એનો સાદર સ્વીકાર થયો.

પ્રાચીન ભાગવત સંપ્રદાયે જૂના વૈદિક દેવતાઓ અને તેમની આસપાસ ગૂંથાયેલી કથાઓને આવશ્યક સુધારાવધારા સાથે અપનાવી લઈને તેની સાથે આર્યેતર દેવતાઓનું એકીકરણ કર્યું.

સ્મૃતિકાલમાં પૌરાણિક ભાગવતનું આ સ્વરૂપ ર્દષ્ટિગોચર થાય છે. પુરાણોએ એ બધા દેવતાઓને મૂર્તિ સ્વરૂપમાં ગોઠવીને એ દેવતાઓ માટે વિવિધ પ્રકારની ઉપાસના-પદ્ધતિઓ ઉપસાવી. બીજી બાજુ પૌરાણિક ભાગવત સંપ્રદાયે બ્રહ્મના નિર્ગુણ-નિરાકાર સ્વરૂપને મુકાબલે ઉપાસનાયોગ્ય એવા સગુણ-સાકાર બ્રહ્મને લોકોના કલ્યાણકારક ભગવાનનું રૂપ આપ્યું. ભગવાનના અનંત દીપ્તિ, શક્તિ, સૌંદર્ય, ઐશ્વર્ય અને માધુર્યયુક્ત સ્વરૂપની પ્રતિષ્ઠા લોકોનું રક્ષણ, પાલન અને રંજન કરનાર તરીકે કરવામાં આવી. શ્રીમદભાગવત-પુરાણમાં ભગવાનના આ સ્વરૂપનું નિરૂપણ થયેલું જોવામાં આવે છે. ભગવાનના આ ભક્તિસુલભ સ્વરૂપની શરણ-ભક્તિનો દક્ષિણના આળવાર ભક્ત-સંતોએ વ્યાપક પ્રચાર કર્યો. પુરાણા ભાગવત ધર્મમાં ભગવાનનો અવતાર સાધુઓના પરિત્રાણ અને દુષ્ટોના દમન માટે થતો હોવાનું મનાતું હતું. આળવારોએ ભગવાનના અવતારનું પ્રયોજન પોતાના ભક્તો પર કૃપા કરવા માટે પોતાની લીલાનો વિસ્તાર કરવાનું છે અને તેથી ભક્તે ભગવાનની કૃપા મેળવવા માટે એને શરણે જવું જોઈએ – આ ભાવના પર જોર આપવા માંડ્યું. તેમણે સંસ્કૃત ગ્રંથોમાં વર્ણિત અને કેવળ અમુક લોકો સમજી શકે એવી વૈષ્ણવ ભક્તિને જનસમૂહ સુધી પહોંચાડવા માટે લોકભાષામાં ભક્તિગીતો રચ્યાં. તેમણે ગામેગામ ઘૂમીને સામાન્ય જનતામાં ભક્તિનો પ્રચાર કર્યો. આળવારોની ભક્તિને શાસ્ત્રીય સ્વરૂપ આપવાનું કાર્ય મધ્યકાલીન વૈષ્ણવ આચાર્યોએ ઉપાડી લીધું. ભક્તિમાર્ગના નિરૂપણમાં રામાનુજાચાર્યે નારાયણ અને લક્ષ્મીની, નિમ્બાર્કે કૃષ્ણ અને રાધાની, મધ્વાચાર્યે વિષ્ણુની, વલ્લભાચાર્યે બાલકૃષ્ણની અને ચૈતન્યે યુવાન કૃષ્ણની માધુર્યપૂર્ણ ભક્તિ પર ભાર મૂક્યો. આ બધા આચાર્યો આળવારોની જેમ નાતજાતના ભેદભાવને માનતા નહોતા. તેમણે પોતાના સિદ્ધાંતો સમજાવવા સંસ્કૃતમાં ગ્રંથો રચ્યા હોવાથી બહુજનસમાજ ઉપરાંત બુદ્ધિવાદીઓને પણ તેઓ ભક્તિમાર્ગ તરફ આકર્ષી શક્યા.

આળવારો અને આચાર્યોની ભક્તિનાં બધાં ઉમદા તત્વોને અપનાવી લઈ એમાં જરૂરી નવાં તત્વો ઉમેરી ચૌદમી સદીના ઉત્તરાર્ધમાં ઉત્તર ભારતમાં સ્વામી રામાનંદે ભક્તિ-આંદોલન જગાવ્યું, જે તેમના કબીર અને રૈદાસ જેવા સમર્થ શિષ્યોને લઈને જોતાજોતામાં દેશભરમાં પ્રસરી ગયું. દક્ષિણની ભાગવતભક્તિધારાએ ઉત્તર ભારતમાં સગુણ અને નિર્ગુણ – એમ બે ભક્તિધારાઓનું બીજારોપણ કર્યું. સમય જતાં સગુણ ભક્તિધારામાં રામભક્તિધારા અને કૃષ્ણભક્તિધારા – એવા બે ફાંટા પડ્યા. રામભક્તિધારામાં ગોસ્વામી તુલસીદાસ અગ્રેસર હતા. કૃષ્ણભક્તિધારામાં વલ્લભાચાર્ય, સૂરદાસ, ચૈતન્ય, નરસિંહ મહેતા, મીરાંબાઈ, જ્ઞાનેશ્વર, તુકારામ, શંકરદેવ વગેરે અનેક ભક્તો અને સંતો થયાં. કૃષ્ણભક્તિધારાનો વ્યાપક ફેલાવો થયો. નિર્ગુણ ભક્તિધારામાં કબીર, રૈદાસ, નાનક અને દાદુ દયાળ જેવા નામાંકિત સંતો થયા.

આમ મધ્યકાલ સુધીમાં આવતાં ભાગવત સંપ્રદાયનાં બે સ્વરૂપ જોવા મળે છે. એક સામાન્ય વૈષ્ણવોપાસકો કે જેઓ વિષ્ણુ અને તેમના અવતારોની પૂજા-આરાધના કરતા હતા. આ સ્વરૂપ લગભગ બધે પ્રચારમાં હતું. અને બીજું, સાંપ્રદાયિક વૈષ્ણવતા. સાંપ્રદાયિક વૈષ્ણવો વૈષ્ણવ ભક્તો તો હતા, પરંતુ તેઓ સામાન્ય વૈષ્ણવોપાસકોથી ભિન્ન થવા લાગ્યા હતા.

ભાગવત સંપ્રદાયના અનુયાયીઓ શાલિગ્રામની કે મુખ્યત્વે, શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલા અને લક્ષ્મી તથા ગરુડ વડે શોભતા ભગવાન વિષ્ણુની પ્રતિમાઓની પૂજા-ઉપાસના કરે છે. વળી તેમના અવતારની – ખાસ કરીને વરાહ, નૃસિંહની, અમુક અંશે તો રામ અને કૃષ્ણની – વ્યાપકપણે મૂર્તિપૂજા થાય છે. વિષ્ણુ કે વાસુદેવને અનુલક્ષીને અષ્ટાક્ષરમંત્ર (ૐ નમો નારાયણાય) કે દ્વાદશાક્ષર મંત્ર(ૐ નમો ભગવતે વાસુદેવાય)નો જાપ ભક્તિભાવપૂર્વક જપમાળાથી કે આંગળીના વેઢા ગણીને કરાય છે. મંત્રજપ ઉપરાંત નિયમપૂર્વકની સેવાપૂજા, ભજનકીર્તન, એકાદશી, જન્માષ્ટમી, રામનવમી જેવાં વ્રતોનું પાલન; ગોકુળ, મથુરા, વૃંદાવન, અયોધ્યા, દ્વારકા, જગન્નાથપુરી, કાંચી, શ્રીરંગમ્, તિરુપતિ, નાથદ્વારા વગેરે તીર્થોની યાત્રા; ગળામાં કંઠી અને શરીર પર છાપ-તિલક ધારણ કરવાં તથા શ્રીમદભગવદગીતા, શ્રીમદભાગવત અને રામાયણનાં પારાયણ કરવાં વગેરે મહત્વના વૈષ્ણવાચાર ગણાય છે. સંપ્રદાયભેદે આ આચારોમાં મંત્ર, સેવા-પૂજા-પદ્ધતિ, તિલક-કંઠી, ભજનકીર્તનના સ્વરૂપાદિમાં વૈવિધ્ય જોવામાં આવે છે. સમગ્ર ભારતમાં આજે પણ આ સંપ્રદાય હિંદુ ધર્મના મુખ્ય સંપ્રદાય તરીકે પોતાનું સ્થાન જાળવી રહ્યો છે.

પ્રવીણચંદ્ર પરીખ