ભાગવત (રાજા) (અ. ઈ. પૂ. 73) : શુંગ વંશનો નવમો રાજા. મહારાજ ભાગવતના રાજ્યાભિષેક પછીના બારમા વર્ષના બેસનગર ગરુડસ્તંભલેખમાં જણાવેલ મહારાજ ભાગવત વિદિશાનો એ નામનો ભિન્ન રાજા છે. શુંગ વંશના મહારાજ ભાગવતે 32 વર્ષ જેટલું લાંબું રાજ્ય ભોગવ્યું. એનો પુત્ર દેવભૂતિ એનો ઉત્તરાધિકારી થયો. એ સ્ત્રીસંગમાં અતિરત રહેતો હતો. તેને અમાત્ય વસુદેવે રાણીના વેશમાં રહેલી દાસી દ્વારા મારી નખાવ્યો. શુંગ રાજા ભાગવત વિશે આથી વિશેષ માહિતી મળતી નથી.
હરિપ્રસાદ ગં. શાસ્ત્રી