ભાગવતપુરાણ : ભારતીય 18 મુખ્ય પુરાણોમાંનું જાણીતું 8મું પુરાણ. ભાગવત પારમહંસ સંહિતા ગણાય છે. વિવિધ દાર્શનિક ઉપદેશ, જીવનદર્શન, વિવિધ ભગવત્સ્તુતિઓ, ભૂગોળ, ખગોળ આદિનું નિરૂપણ કરતા ભાગવતમાં ભગવાન શ્રીકૃષ્ણનું ચરિત્ર કેન્દ્રસ્થાને છે.

ભાગવતપુરાણમાં 12 સ્કન્ધ છે; 335 અધ્યાય અને 18 હજાર શ્લોક છે એ વાત સર્વસ્વીકૃત છે. આમ છતાં અધ્યાય અને શ્લોકોની સંખ્યામાં થોડો મતભેદ છે. પદ્મપુરાણ  અને ચિત્સુખાચાર્ય જેવા આચાર્યોના મત પ્રમાણે ભાગવતમાં 332 અધ્યાય છે. વલ્લભાચાર્ય પણ આ જ મત ધરાવતા દેખાય છે. તેથી ભાગવતના દશમસ્કન્ધના પૂર્વાર્ધના 12, 13 તથા 14મા અધ્યાયોને પ્રક્ષિપ્ત માનીને તેમના ઉપર પોતાની ‘સુબોધિની’ ટીકા લખી નથી; જ્યારે કેટલાક દશમસ્કન્ધના ઉત્તરાર્ધમાં આવેલ 88, 89 અને 90 – એ ત્રણ અધ્યાયોને પ્રક્ષિપ્ત માને છે.

આ જ બાબત ભાગવતના શ્લોકો વિષે પણ છે. આમ તો ભાગવતમાં 18 હજાર શ્લોકો હોવાની પરંપરાગત માન્યતા છે; પરંતુ એમાં શ્લોકસંખ્યા 14,000 જેટલી છે. એમાંના પાંચમા સ્કંધમાં પ્રયોજાયેલા ગદ્યભાગને અનુષ્ટુપના 32 અક્ષરના હિસાબે ગણતાં અર્થાત્ ગ્રંથાગ્ર પદ્ધતિને અનુસરતાં ભાગવત અઢાર હજાર શ્લોકોનો ગ્રંથ છે તેમ સિદ્ધ થાય છે.

‘ભાગવત’ એવું નામ જેમાં આવે છે તેવાં બે પુરાણો છે : (1) વૈષ્ણવભાગવત અર્થાત્ શ્રીમદભાગવત અને (2) શાક્તભાગવત તે દેવીભાગવત. આ બંનેમાં 12 સ્કન્ધ અને 18 હજાર શ્લોક છે. વિષ્ણુપુરાણ, નારદપુરાણ વગેરેમાં શ્રીમદભાગવતનો મહાપુરાણ તરીકે અને દેવીભાગવતનો ઉપપુરાણ તરીકે નિર્દેશ છે. બીજી બાજુ શિવપુરાણ, મત્સ્યપુરાણ આદિમાં દેવીભાગવતનો મહાપુરાણ તરીકે નિર્દેશ થયેલ છે. આને લીધે ભાગવતના મહાપુરાણત્વ વિશે થોડોક વિવાદ ખડો કરવામાં આવ્યો છે, પણ દશ લક્ષણોને આધારે શ્રીમદભાગવત મહાપુરાણ હોવાનું સિદ્ધ થયું છે.

કેટલાક વિદ્વાનો ભાગવતની રચના ‘બોપદેવ’ નામના વિદ્વાને કરી છે તેમ માને છે. આ એ બોપદેવ છે કે જેમણે ‘દેવગિરિ’ના રાજા રામચંદ્ર(ઈ. સ. 1271–1309)ના મંત્રી હેમાદ્રિની પ્રસન્નતા માટે વિવિધ વિષયો ઉપર 26 જેટલા ગ્રંથો લખેલા. તેમાં ભાગવતના આધારે ‘હરિલીલામૃત’ અને ‘મુક્તાફલ’ નામના બે ગ્રંથોનો પણ સમાવેશ થાય છે. એથી યુરોપના અને ભારતના દયાનંદ સરસ્વતી જેવા કેટલાક વિદ્વાનો બોપદેવ ભાગવતકાર હોવાનું જણાવે છે, પણ આ મતનો પ્રતિવાદ થયો છે અને એ સ્પષ્ટ થયું છે કે ભાગવતના કર્તા બોપદેવ નથી, પણ વેદવ્યાસ જ છે. બોપદેવે તો ભાગવતના પ્રચાર માટે તેની અનુક્રમણિકાનો નિર્દેશ કરતો ‘હરિલીલામૃત’ ગ્રંથ લખ્યો છે. આ સ્થિતિમાં ભાગવતના કર્તા બોપદેવ નથી જ એમ મોટાભાગના ભારતીય વિદ્વાનોએ સિદ્ધ કર્યું છે. વળી બોપદેવ ચૌદમી શતાબ્દીમાં આવે છે. જ્યારે શ્રીમદભાગવતનો સમય તો ઈ. સ.ની ચોથી શતાબ્દીનો છે. અર્થાત્ ભાગવતની રચના ગુપ્તકાળ દરમિયાન થઈ છે તેમ પ્રો. દીક્ષિતાર, પ્રો. પણિક્કર વગેરેએ વિવિધ પ્રમાણોને આધારે પ્રતિપાદિત કર્યું છે.

‘विद्यावतां भागवते परीक्षा’ (વિદ્વાનોની પરીક્ષા તો ભાગવતમાં) – એ માન્યતા પ્રમાણે ભાગવત બહુ જ પ્રાચીન કાળથી આદરણીય મહાપુરાણ રહ્યું છે. વૈષ્ણવ સંપ્રદાયોની તો ભાગવત આધારશિલા છે. ઉપનિષદ, ભગવદગીતા અને બ્રહ્મસૂત્ર – એ પ્રસ્થાનત્રયીનું મહત્વ સર્વમાન્ય છે. આમ છતાં, ભાગવતને વૈષ્ણવો દ્વારા ચોથું પ્રસ્થાન માનવામાં આવ્યું છે. ભાગવતમાં પ્રયુક્ત થયેલી ગૂઢાર્થની અભિવ્યંજક ભાષાને શ્રીવલ્લભચાર્યે તો ‘સમાધિભાષા’ એવું નામ આપેલું છે.

ભાગવતની દેશવિદેશમાં હાલમાં બહુ જ વ્યાપક પ્રસિદ્ધિ થયેલી જોવા મળે છે. આવી જ પ્રસિદ્ધિ છેક પ્રાચીન કાળથી છે. વિભિન્ન ધર્માચાર્યોએ પોતપોતાના સંપ્રદાયોના ભક્તિસિદ્ધાંતના સમર્થન માટે અનેક ટીકાઓ લખી છે. તે ઉપરથી ભાગવતની લોકપ્રિયતા અને પ્રાચીનતા સિદ્ધ થાય છે.

આ ટીકાઓમાં (1) આદિ શંકરાચાર્યના ‘અદ્વૈતમત’ને અનુસરીને લખાયેલ ‘શ્રીધર’ સ્વામીની ‘ભાવાર્થદીપિકા’ (શ્રીધરી) ટીકા, (2) શ્રી રામાનુજાચાર્યના ‘વિશિષ્ટાદ્વૈત’ મતને અનુસરીને લખાયેલ સુદર્શનસૂરિકૃત ‘શુકપક્ષીયા’ ટીકા, (3) વીર રાઘવાચાર્યની ‘ભાગવતચન્દ્રિકા’ ટીકા, (4)  શ્રીમધ્વાચાર્યના દ્વૈતમત અનુસાર શ્રી વિજયધ્વજની ‘પદરત્નાવલી’ ટીકા, (5) શ્રી નિમ્બાર્કાચાર્યના દ્વૈતાદ્વૈત મત અનુસાર શુકદેવાચાર્યે લખેલી ‘સિદ્ધાન્તપ્રદીપ’ ટીકા, (6) શુદ્ધાદ્વૈત (શ્રી વિષ્ણુસ્વામીના મત) અનુસાર શ્રી વલ્લભાચાર્યજીની ‘સુબોધિની’ ટીકા, (7) શ્રી ચૈતન્યદેવના અચિન્ત્યભેદાભેદ મત અનુસાર જીવ ગોસ્વામીએ લખેલ ‘ક્રમસન્દર્ભ’ નામની ટીકા, તો એ સાથે જ (8) વિશ્વનાથ ચક્રવર્તીકૃત ‘સારાર્થદર્શિની’ ટીકા – એમ આઠ ટીકાઓથી યુક્ત શ્રીમદભાગવતનું પ્રકાશન ઈ.સ. 1902માં વૃંદાવનમાં થયું હતું; પણ પછી એ સુંદર સંસ્કરણ દુર્લભ બની ગયું હતું. આ સ્થિતિમાં ગુજરાતમાં ભાગવત વિદ્યાપીઠે (સોલા) આ બધી જ ટીકાઓ અને અન્ય કેટલીક ટીકાઓનો સમાવેશ કરીને આ દુર્લભ ટીકાસંપત્તિને સુલભ બનાવી છે. એમાં સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રી ભગવત્પ્રસાદજી દ્વારા નિર્મિત ‘ભક્તમનોરંજની’ ટીકા ઉપરાંત ‘વંશીધરી’, ‘અન્વિતાર્થપ્રકાશિકા’ જેવી ટીકાઓનો પણ સમાવેશ થયો છે.

આ સાથે ભારતની સર્વભાષાઓમાં ભાગવતનાં સંપાદન અને વિવેચન થયેલાં છે. અમદાવાદના ભો. જે. અધ્યયન સંશોધન વિદ્યાભવન તરફથી શ્રીમદભાગવતની સમીક્ષિત આવૃત્તિ અંગ્રેજીમાં ચાર ભાગમાં પાંચ ગ્રથો રૂપે પ્રકાશિત પણ થઈ છે.

વળી ગાર્બે, ગ્રિયર્સન, હૉપકિન્સ, યાકોબી, ઓલ્ડનબર્ગ, કૅનેડી, કીથ, મૅક્ડોનલ, વિન્ટરનિત્ઝ જેવા વિદેશીય વિદ્વાનોએ પણ ભાગવત અને તે પૂર્વેના મહાભારતના અધિનાયક શ્રીકૃષ્ણ ઉપર વિવિધ પ્રકારની મીમાંસાઓ કરેલી છે. સુપ્રસિદ્ધ જર્મન વિદ્વાન મૅક્સમૂલરના ગુરુ બિર્નુફ મહોદયે ભાગવતનું સતત 30 વર્ષ સુધી અધ્યયન કરીને ફ્રેંચ ભાષામાં તેનું ભાષાંતર કર્યું છે. તો ‘ઇસ્કૉન’ના પ્રવર્તક શ્રીભક્તિવેદાન્ત ગોસ્વામી પ્રભુપાદે તથા અન્ય વિદ્વાનોએ સંપૂર્ણ શ્રીમદભાગવતનો અંગ્રેજી અનુવાદ અને વિવેચન કરેલાં છે.

સાધારણ રીતે પુરાણોમાં પ્રાચીન અનુશ્રુતિઓનો સંગ્રહ થયેલો હોય છે. આ સંગ્રહનો આરંભ ‘વંશો’(ખાસ કરીને રાજવંશો)ને લગતી વંશાવળીઓ અને ‘વંશાનુચરિત’ એટલે કે વંશોમાં થયેલ પ્રસિદ્ધ વ્યક્તિઓનું ચરિત – એ બે વિષયોના નિરૂપણથી થયેલો. આગળ જતાં પુરાતન રાજવંશોના સંદર્ભમાં ‘મન્વંતરો’નો વિષય ઉમેરાયો. પછી સૃષ્ટિનાં સર્જન, પ્રલય અને પુન:સર્જનને લગતી અનુશ્રુતિઓ સમાવવા સર્ગ અને પ્રતિસર્ગના વિષય ઉમેરાયા અને पुराणं पज्चलक्षणम्નો ખ્યાલ રૂઢ થયો. આગળ જતાં એમાં ભુવનકોશ, દ્વીપવર્ણન ઉપરાંત વર્ણાશ્રમ–ધર્મ, શ્રાદ્ધ, સંપ્રદાયો, ભક્તિ, તીર્થો, વ્રતો, અવતારો, જ્ઞાતિઓ, જ્યોતિષચક્ર, ઇષ્ટાપૂર્ત, દાન વગેરે ધર્મશાસ્ત્રીય વિષયો ઉમેરાયા અને મહાપુરાણનાં દશ લક્ષણો ગણાયાં. ભાગવતપુરાણ દશ લક્ષણો આ મુજબ ધરાવે છે : (1) સર્ગ, (2) વિસર્ગ, (3) સ્થાન, (4) પોષણ, (5) ઊતિ, (6) મન્વન્તરકથા, (7) ઈશાનુકથા, (8) નિરોધ, (9) મુક્તિ અને (10) આશ્રય. પુષ્ટિમાર્ગમાં આ દશેય લક્ષણોને ભગવાનની દશવિધ લીલા તરીકે સમજાવ્યાં છે. વળી એમાં એ દશની સાથે અધિકાર અને જ્ઞાન એ બે જોડીને એમનું નિરૂપણ કરતા બારેય સ્કંધોને ભગવાનનાં અંગરૂપ ગણાવ્યા છે. આ રીતે પ્રત્યેક સ્કંધની વિગત નીચે પ્રમાણે છે :

(1) પ્રથમ સ્કન્ધ : આ અધિકારલીલા છે. આ સ્કન્ધમાં સત્યાત્મક પરમાત્માનું સ્તુતિરૂપ મંગલ છે. તેમાં વ્યાસજી અને નારદનો મેળાપ અને નારદજીના સૂચનથી વ્યાસજીએ કહેલ ભાગવતની રચનાનો નિર્દેશ છે. આ ઉપરાંત કુન્તીએ કરેલ ભગવાન(શ્રી કૃષ્ણ)ની સ્તુતિ, ભીષ્મ-સ્તુતિ, રાજા પરીક્ષિતનો જન્મ, શુકદેવજીનું આગમન વગેરે વિષયો છે.

(2) દ્વિતીય સ્કન્ધ : જ્ઞાનલીલા. આમાં પરીક્ષિતનો આત્મકલ્યાણ માટેનો પ્રશ્ન, ચતુ:શ્લોકી ભાગવત અને ભાગવતના અન્ય સિદ્ધાન્તોનું નિરૂપણ છે.

(3) તૃતીય સ્કન્ધ : સર્ગલીલા. ઉપર જણાવેલાં પાંચ લક્ષણોમાંના સર્ગના જેવું જ આ લક્ષણ છે. પરમાત્મામાંથી જગત આદિનાં કારણભૂત મહત્ વગેરે તત્વોની, પાંચ મહાભૂત આદિની જે સૃષ્ટિ તેને ‘સર્ગ’ કહેવામાં આવેલ છે. અહીં મુખ્ય રૂપે ભગવાન વિષ્ણુનો વરાહ અવતાર, હિરણ્યાક્ષ દૈત્યનો સંહાર, પછી કપિલ અવતાર અને તેમણે પોતાની માતા દેવહૂતિને મુખ્ય રૂપે સાંખ્યશાસ્ત્રના સિદ્ધાંતોને આધારે કરેલ ઉપદેશ વગેરે આવે છે.

(4) ચતુર્થ સ્કન્ધ : વિસર્ગલીલા. અહીં ‘વિસર્ગ’ને સૃષ્ટિનો પ્રલય ન સમજતાં સ્થૂળ જગતના સમસ્ત વિવિધ પદાર્થોની સૃષ્ટિ એવા અર્થમાં સમજવામાં આવે છે. અહીં ભગવાન શિવનું ચરિત્ર (દક્ષ પ્રજાપતિએ કરેલ યજ્ઞ, તે યજ્ઞનો વિધ્વંસ), ધ્રુવ-ચરિત્ર, ભગવદવતાર, પૃથુરાજાનું ચરિત્ર, રાજા પ્રાચીન બર્હિષનું ચરિત્ર, પુરંજનોપાખ્યાન અને પ્રચેતાઓનાં કથાનકો છે.

(5) પંચમ સ્કન્ધ : સ્થિતિ(કે સ્થાન)-લીલા. સમસ્ત લોકોના આધારરૂપ, આ બ્રહ્માંડ કેવી રીતે સ્થિતિ પામેલું છે તેનું, ઋષભદેવ(જડભરત)ના કથાનકનું અને પછી નવખંડ, ભૂગોળ, ખગોળ, પાતાળ, આદિનું વિસ્તૃત નિરૂપણ છે.

(6) ષષ્ઠ સ્કન્ધ : પોષણ(કે પુષ્ટિ)લીલા. પરમાત્માની કૃપા કે અનુગ્રહને ‘પુષ્ટિ’ એવું નામ આપવામાં આવ્યું છે. અહીં અજામિલનું ઉપાખ્યાન, વૃત્રાસુર દૈત્યનો ઉદ્ધાર તથા મરુત્-દેવોની ઉત્પત્તિનું વર્ણન છે. પુષ્ટિમાર્ગનો ‘પુષ્ટિ’-સિદ્ધાંત અહીં સંકેતિત થયેલ છે.

(7) સપ્તમ સ્કન્ધ : ઊતિલીલા. ‘ઊતિ’ એટલે (કર્મની) વાસના. શુભ, અશુભ અને મિશ્ર – એમ ત્રણ જાતની વાસનાઓ હોય છે. અહીં પ્રહલાદ અને હિરણ્યકશિપુનું કથાનક, ભગવાન નૃસિંહનો અવતાર, તેમની સ્તુતિ, એ પછી સર્વ લોકોના જીવને માર્ગદર્શક સાધારણ ધર્મો, વર્ણધર્મો તથા આશ્રમધર્મોનું નિરૂપણ છે.

(8) અષ્ટમ સ્કન્ધ : મન્વન્તરલીલા. બ્રહ્માજીના એક દિવસ જેટલા કાલના 14 ભાગ પાડવામાં આવ્યા છે. તેમને ‘મન્વન્તર’ નામથી ઓળખવામાં આવે છે. આ એક પૌરાણિક કાલમાનનું નિરૂપણ કરતો વિલક્ષણ માનદંડ છે. પ્રત્યેક મન્વન્તરમાં મનુ, મનુનો પુત્ર, દેવ, ઋષિ, ઇન્દ્ર તથા ભગવાનનો અંશાવતાર – એ છ મળીને ધર્મના સંરક્ષણમાં સાધનરૂપ મનાય છે. આ મન્વન્તરને ‘સદાચાર’ એવું નામ આપવામાં આવ્યું છે. હાલમાં ચાલતા મન્વન્તરનું નામ વૈવસ્વત છે. અહીં ગજેન્દ્રમોક્ષ, સમુદ્ર-મંથન, વામનાવતાર તથા મત્સ્યાવતાર આદિનું નિરૂપણ છે.

(9) નવમ સ્કન્ધ : ઈશાનુકથાલીલા. ઈશ્વર અને તેની પાછળ જનાર ભક્તોનું ચરિત્રનિરૂપણ. અહીં ચ્યવન-સુકન્યા, અંબરીષ રાજા, માન્ધાતા, હરિશ્ચન્દ્ર, ત્રિશંકુ, ભગીરથ, ભગવાન મર્યાદાપુરુષોત્તમ શ્રી રામચંદ્ર, પરશુરામ, યયાતિ, રન્તિદેવ આદિ નૃપતિઓનાં ચરિત્ર અને સૂર્યવંશના તથા ચન્દ્રવંશના રાજાઓની વંશાવલી આપવામાં આવી છે; જે પ્રાચીનકાલીન ભારતની સાંસ્કૃતિક સામગ્રી અને ઇતિહાસ માટે ઉપયુક્ત અમૂલ્ય સામગ્રી પૂરી પાડે છે.

(10) દશમ સ્કન્ધ : નિરોધલીલા. ઈશ્વરને શરણે ગયેલા ભક્તોને માટે સંસારમાં આવાગમનના પ્રપંચની જે નિવૃત્તિ, તે નિરોધ કહેવાય છે. આ સ્કન્ધ ભાગવતનું હૃદય ગણાય છે. ભગવાન શ્રીકૃષ્ણનું પ્રાકટ્ય, તેમની સમગ્ર બાલલીલાઓ, ગોવર્ધનગિરિનો ઉદ્ધાર, રાસલીલા, કંસનો ઉદ્ધાર, રુક્મિણી અને સહસ્રાવધિ અન્ય રાણીઓનો ઉદ્ધાર, શિશુપાલ-જરાસંધ આદિ રાજાઓનો ઉદ્ધાર, સુદામાનું ચરિત્ર, વેદસ્તુતિ આદિનું નિરૂપણ છે.

(11) એકાદશ સ્કન્ધ : મુક્તિલીલા. પોતાના વાસ્તવિક સ્વરૂપ કરતાં જે જુદું (અન્યથા) સ્વરૂપ દેખાય છે, તેને છોડીને વાસ્તવિકમાં સ્થિતિ તેને ‘મુક્તિ’ કહેવામાં આવે છે. આમાં ઋષિના શાપથી યદુકુલનો ક્ષય, નવ યોગેશ્વરોએ શ્રીકૃષ્ણના પિતા વસુદેવને આપેલ ઉપદેશ અને મુખ્યત્વે શ્રીકૃષ્ણે ભગવદગીતામાં જેમ અર્જુનને ઉપદેશ આપ્યો છે તેમ અહીં ઉદ્ધવને ભક્તિ, યોગ, જ્ઞાન, ગુણત્રય-વિભાગયોગ આદિ તત્વોનો આપેલ ઉપદેશ, પછી શ્રી બલરામનો દેહત્યાગ અને પછી શ્રીકૃષ્ણની પણ ઐહિક લીલાની સમાપ્તિ આદિનું નિરૂપણ છે. આ સ્કન્ધ ભારતીય તત્વજ્ઞાનનો લઘુકાય વિશ્વકોશ કહેવાય છે. એ રીતનું ઉચ્ચ ચિંતન ધરાવતો આ સ્કન્ધ છે. ભાગવતમાં પ્રતિપાદિત ‘ભાગવતધર્મ’ કે પાંચરાત્ર ધર્મનો મુખ્ય આધાર પણ આ જ અગિયારમો સ્કન્ધ છે. આ જ ધર્મનાં ‘સાત્વતધર્મ’, ‘એકાન્તિક ધર્મ’ આદિ બીજાં નામ પણ છે અને તેનું મૂળ મહાભારતમાંનું ‘શાંતિપર્વ’ છે.

(12) દ્વાદશ સ્કન્ધ : આશ્રયલીલા. આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરનારા પરમાત્માનો આશ્રય કરવો તે. અહીં ભવિષ્યના રાજાઓનો નિર્દેશ, કલિયુગના વિવિધ દોષો છતાં તેના એક મહાન ગુણ કીર્તનભક્તિનો નિર્દેશ, પરીક્ષિતનો મોક્ષ આદિનું નિરૂપણ છે.

આમ તો ભાગવતના મહાપુરાણત્વનાં નિરૂપક દશ લક્ષણો (કે લીલા) હોવા છતાં, પ્રથમ સ્કન્ધને ‘અધિકાર’ અને દ્વિતીયને ‘જ્ઞાન’ એવું નામ આપવામાં આવ્યું છે.

આ રીતે દશ લક્ષણોથી લક્ષિત ભગવાન શ્રીકૃષ્ણ જ સમસ્ત ભાગવતમાં કેન્દ્રસ્થાને છે, તેથી ભાગવત શ્રીકૃષ્ણનું વાઙમય સ્વરૂપ મનાયું છે. ભગવાન (શ્રીકૃષ્ણ) અને તેમનાં ઉપાસક ભક્તો-ગોપીઓ અને અન્ય સાધકોએ કરેલી ભક્તિ – નવધા ભક્તિ તથા પ્રેમલક્ષણા ભક્તિ તેનું મુખ્ય રૂપે અને તેનાં પોષક જ્ઞાન, કર્મ આદિનું અદ્વિતીય કહી શકાય તેવું તત્વનિરૂપણ તે ભાગવત.

છેલ્લાં આઠ સો વર્ષમાં થયેલ જ્ઞાનેશ્વર, નામદેવ, નરસિંહ મહેતા, મીરાં, સૂરદાસ, ચૈતન્ય, તુકારામ, એકનાથ, સમર્થ શ્રી રામદાસ અને દ્રવિડ તથા કર્ણાટકના અનેક સંતભક્તોનું, તેમની ભક્તિ-નામસંકીર્તન આદિની સાધના માટે, ભાગવત ઉપજીવ્ય રહ્યું છે.

ભાગવતમાં નાનીમોટી, મર્મસ્પર્શી લગભગ 84 જેટલી સ્તુતિઓ છે. તેમાંય ‘વેદસ્તુતિ’ (ભાગવત 10/87) તો વિદ્વજ્જનોની પરીક્ષા રૂપે છે. ભાગવતનાં વિવિધ ગીતો અને તેમાં પણ દશમસ્કન્ધમાં આવેલ વેણુગીત, ગોપીગીત, યુગલગીત, ભ્રમરગીત અને મહિષીગીતનો વૈભવ સંગીત, હવેલી-સંગીત તથા પુષ્ટિમાર્ગના અષ્ટછાપ કવિઓનાં કીર્તનોમાં પ્રેરણારૂપ બનેલ છે. આ સાથે ભાગવતમાં આવેલ કેટલાંક રૂપકાત્મક ઉપાખ્યાનો; દા.ત., પુરંજનોપાખ્યાન (ભાગવત : સ્કન્ધ 4, અધ્યાય 26–29), ભવાટવી-વર્ણન (ભાગવત : 5/13–14) વગેરે સાંસારિક જીવન અને વ્યવહારનું હૂબહૂ ચિત્ર રજૂ કરે છે. સાહિત્યિક ર્દષ્ટિએ જોતાં ભાગવતની ‘સમાધિભાષા’; ઉપમા, રૂપક, અર્થાન્તરન્યાસ આદિ અલંકારો તો સુમધુર અને ભાવવાહી લગભગ પાંત્રીસ જેટલા વિવિધ છંદોનો પ્રયોગ; કેટલાંક ભાવવાહી શબ્દચિત્રો; તેની શૃંગાર, કરુણ અને ભક્તિરસની સમૃદ્ધ સૃષ્ટિ, તો એ સાથે ભૂગોળ, ખગોળ, ઇતિહાસ, નીતિની વિગતો તેમજ વેદો અને નિસર્ગનાં રહસ્યો, સંગીત આદિની અમૂલ્ય સામગ્રી વગેરેને લીધે ભાગવતનું સંસ્કૃત વાઙમયમાં તેમજ વિશ્વસાહિત્યમાં અપૂર્વ સ્થાન છે. દાર્શનિક તત્વોના સમન્વય દ્વારા માનવને સાચી માનવતા તરફ લઈ જતો અને વિશ્વબંધુત્વની ભાવનાનો સંદેશ આપતો આ મહાન ગ્રંથ છે.

ભગવતીપ્રસાદ પંડ્યા