ભાગભદ્ર : શુંગ વંશનો એક રાજા. એ વંશના સ્થાપક પુષ્યમિત્રનો પુત્ર અગ્નિમિત્ર કાલિદાસના ‘માલવિકાગ્નિમિત્રમ્’ નાટકના નાયક તરીકે સુપ્રસિદ્ધ છે. અગ્નિમિત્ર પછી સુજ્યેષ્ઠ (કે વસુજ્યેષ્ઠ), સુમિત્ર (કે વસુમિત્ર) અને ઓદ્રક (કે ઉદાક) નામે રાજાઓ થયા. ભાગવત પુરાણમાં ‘ઓદ્રક’ને બદલે ‘ભદ્રક’ નામ આપેલું છે. બેસનગર(પ્રાચીન વિદિશા)ના ગરુડસ્તંભલેખમાં જણાવ્યું છે કે દેવાધિદેવ વાસુદેવનો આ ગરુડધ્વજ ગ્રીક મહારાજા(એન્ટિઅલ્સિડસ)એ રાજા કૌત્સી-પુત્ર ભાગભદ્રની પાસે મોકલેલા તક્ષશિલાના યવન રાજદૂત ભાગવત હેલિયોદોરે કરાવ્યો છે. એમાં જણાવેલ રાજા ભાગભદ્ર શુંગ વંશનો પાંચમો રાજા ભદ્રક હોવાનું માલૂમ પડે છે. આ સ્તંભલેખ રાજા ભાગભદ્રના રાજ્યકાલના ચૌદમા વર્ષનો એટલે કે ઈ. પૂ. પહેલી સદીનો છે. કેટલાક ‘કૌત્સી-પુત્ર’ને બદલે ‘કાશીપુત્ર’ પણ વાંચે છે.
હરિપ્રસાદ ગં. શાસ્ત્રી