ભાંડારકર, રામકૃષ્ણ ગોપાળ (જ. 5 જુલાઈ 1837, માલવણ, જિ. રત્નાગિરિ; અ. 24 ઑગસ્ટ 1925, પુણે) : પ્રખર વિદ્વાન, સંશોધક, સમાજસુધારક, ભાષાશાસ્ત્રી અને ઇતિહાસવેત્તા. પિતા મામલતદાર કચેરીના અવલ કારકુન હતા. માતાનું નામ રમાબાઈ. મૂળ અટક પત્કી, પણ પૂર્વજો સરકારી ખજાનાનું કામ સંભાળતા હોઈ ‘ભાંડારકર’ અટક પ્રચલિત થઈ. પ્રાથમિક શિક્ષણ માલવણની સ્થાનિક શાળામાં અને માધ્યમિક શિક્ષણ મુંબઈની એલ્ફિન્સ્ટન હાઇસ્કૂલમાં લઈ 1854માં મૅટ્રિક થયા. 1862માં બી. એ. અને ત્યારબાદ એમ.એ. થયા. ગણિત, અંગ્રેજી અને ઇતિહાસના વિષયોમાં તેમને રસ હતો. પુણે અને મુંબઈના પ્રાચીન પદ્ધતિના વિદ્વાનો પાસે વ્યાકરણ, વેદાન્ત વગેરે વિષયોનો અભ્યાસ પણ કર્યો.
તેમણે શરૂઆતમાં 1865માં સિંધના હૈદરાબાદ અને પછી કોંકણના રત્નાગિરિમાં હાઇસ્કૂલના આચાર્ય તરીકે નોકરી કરી. 1868થી 1882 સુધી એલ્ફિન્સ્ટન કૉલેજમાં સંસ્કૃતના પ્રાધ્યાપકપદે રહ્યા. ત્યારબાદ પુણેની ડેક્કન કૉલેજમાંથી પ્રોફેસર કિલહૉર્ન નિવૃત્ત થતાં તેમની જગ્યાએ નિમાયા. 1870માં જૂની દેવનાગરી લિપિવાળું તામ્રપત્ર તેમને મળ્યું અને તેમણે તેની વાચના કરી. ભાંડારકરે આવી લિપિવાળાં તામ્રપત્રોનો અભ્યાસ કરીને કેટલાક નિબંધો પ્રસિદ્ધ કર્યા. તેમની વિદ્વત્તાની કદર કરીને અનેક સંશોધન-સંસ્થાઓએ તેમને પોતાના માનાર્હ સભ્ય બનાવ્યા. 1879માં સરકારના પુરાતત્વખાતાએ પ્રાચીન સંસ્કૃત લેખોનું સંશોધનકાર્ય તેમને સોંપ્યું અને તેના ફળરૂપે અભિલેખોના પાંચ ગ્રંથો પ્રસિદ્ધ થયા. 1885માં જર્મનીની ગોટિંજન યુનિવર્સિટીએ તેમને પીએચ.ડી.ની ડિગ્રી આપી. 1891માં સરકારે તેમને C.I.E.નો ઇલકાબ આપ્યો. ભારતની ઇતર યુનિવર્સિટીઓએ પણ તેમનું માનાર્હ ડિગ્રીઓથી બહુમાન કર્યું હતું. 1893માં તેઓ મુંબઈ યુનિવર્સિટીના કુલપતિ થયા. તેમણે 80 વરસ પૂર્ણ કર્યાં ત્યારે તેમના માનમાં અભ્યાસપૂર્ણ લેખો સાથેનું ‘ભાંડારકર ફેલિસિટેશન વૉલ્યુમ’ પ્રસિદ્ધ કરીને તેમને તે અર્પણ કરવામાં આવ્યું. ત્યારબાદ ‘ભાંડારકર ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ’ની સ્થાપના થઈ જે તેમના પુરાતત્વ સંશોધનકાર્યનું જીવંત સ્મારક છે. ભાંડારકરે તેમનો પ્રાચીન પુસ્તકોનો બહુમૂલ્ય સંગ્રહ આ સંસ્થાને ભેટ આપ્યો હતો. આ સંગ્રહમાં મહાભારતની વિવિધ પ્રકારની સેંકડો હસ્તપ્રતો હતી.
હાઇસ્કૂલના વિદ્યાર્થીઓને સંસ્કૃત શીખવવા માટે મરાઠી અને અંગ્રેજીમાં બે પુસ્તકો, ઉપરાંત તેમણે ‘અર્લી હિસ્ટરી ઑવ્ ડેક્કન’ (1892), ‘વૈષ્ણવિઝમ, શૈવિઝમ ઍન્ડ માઇનોર સેક્ટ્સ ઑવ્ ઇન્ડિયા’ (1913) અને ભવભૂતિના ‘માલતીમાધવમ્’ નાટક ઉપર સંસ્કૃતમાં ટીકા લખી હતી. તેમના અવસાન પછી તેમનાં લખાણોનો સંગ્રહ ‘ક્લેક્ટેડ વર્ક્સ ઑવ્ આર. જી. ભાંડારકર’ નામથી પ્રસિદ્ધ થયો હતો.
તેઓ 1867માં સ્થપાયેલી પ્રાર્થનાસભાના આધારસ્તંભ હતા. તેઓએ આ પ્રવૃત્તિમાં 1869માં જોડાઈને 50 વરસ સુધી તે સભાનું ધર્મપ્રચારનું કાર્ય સંભાળ્યું હતું. તેઓ ‘પરમહંસ સભા’ના સભ્ય પણ હતા. ‘ગૃહ્યસૂત્રો’ને આધારે ઉપનયન, લગ્ન વગેરે ષોડશ સંસ્કારો અંગે તેમણે ‘સંસ્કારવિધિ’ નામે પુસ્તક લખ્યું હતું. ‘કેસરી’ પત્ર દ્વારા પ્રાર્થનાસમાજ ખ્રિસ્તીધર્મનો આડકતરી રીતે પ્રચાર કરે છે એવા આક્ષેપોનો તેમણે લેખો લખી બચાવ કર્યો હતો. પ્રાર્થનાસભામાં યોગ્ય પોશાકમાં સ્ત્રીઓ-પુરુષો સાથે ભાગ લે તેને તેમણે સમર્થન આપ્યું હતું.
સમાજસુધારક તરીકે તેમણે કુરૂઢિઓનો ત્યાગ કરવા તથા સ્ત્રીશિક્ષણ, જાતિભેદનિષેધ, વિધવાવિવાહ, અંત્યજોદ્ધાર જેવી પ્રવૃત્તિઓને ટેકો આપ્યો હતો અને તેમની વિધવા પુત્રીનાં ફરી લગ્ન કર્યાં હતાં. તેમણે ‘તુકારામ સોસાયટી’ દ્વારા અભંગોનું અર્થઘટન કર્યું હતું. તેઓ સંસ્કૃત ઉપરાંત પાલિ, અર્ધમાગધી વગેરે પ્રાચીન ભાષાઓના પણ અભ્યાસી હતા. તેઓ ડેક્કન એજ્યુકેશન સોસાયટી, શિક્ષણ પ્રસારક મંડળી, ફિમેલ એજ્યુકેશન સોસાયટી, સેવાસદન જેવી મુંબઈ અને પુણેની અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. 88 વર્ષે તેમનું અવસાન થતાં તેમના પાર્થિવ અવશેષોને પ્રાર્થનાસમાજના પટાંગણમાં સ્તૂપ રૂપે સાચવવામાં આવ્યા છે.
શિવપ્રસાદ રાજગોર