ભવભાવના (ઈ. સ. 1114) : પ્રાકૃત કથાગ્રંથ. કર્તા મલધારી હેમચન્દ્રસૂરિ. 531 ગાથાઓ. મેડતા અને છત્રપલ્લીમાં શ્રીમંત શ્રાવકોની વસ્તીમાં રહી ઈ. સ. 1114માં રચ્યો – 13,000 શ્લોકપ્રમાણની સ્વોપજ્ઞવૃત્તિ સાથે. ઋષભદેવ કેશરીમલજી જૈન શ્વેતામ્બર સંસ્થા, રતલામ દ્વારા બે ભાગમાં 1936માં પ્રકાશિત. 12 ભાવનાઓનું 12 દિવસમાં પઠન થાય છે. વચ્ચે વચ્ચે સંસ્કૃત અને અપભ્રંશ પદ્યો મૂક્યાં છે. હેલિકા, પ્રહેલિકા, સમસ્યાપૂર્તિ, સુભાષિતો મનોરંજક બન્યાં છે. ઘણાં વર્ણનો સ્વાભાવિક અને સુંદર છે. ‘નેમિનાથચરિત્ર’માં હરિવંશકુલની ઉત્પત્તિને દશ આશ્ચર્યોમાં ગણાવી છે. ભરત ચક્રવર્તીને આર્યવેદના કર્તા જણાવ્યા છે. પર્વતક, મધુપિંગ અને પિપ્પલાદને અનાર્યવેદના જનક કહ્યા છે. યાજ્ઞવલ્ક્ય અને સુલસાના પુત્ર, વેદાધ્યયનથી માતાપિતાને હરાવનાર પિપ્પલાદે પોતે શીલભ્રષ્ટ માબાપનું સંતાન છે તેમ જાણ્યા પછી તેમને મારવા અનાર્યવેદો રચ્યા; જેમાં પિતૃમેધ, માતૃમેધ, પશુમેધ જેવા યજ્ઞોનું પ્રતિપાદન કર્યું. રુદ્રદત્તે આ યજ્ઞો બંધ કરાવી જૈન ધર્મનો પ્રચાર કર્યો. જીવનની વિવિધ અવસ્થાઓ ઉપર પ્રકાશ ફેંકતાં અનેક ચિત્રો છે. સાધુ-સંતોને જોઈ મોં મચકોડતી કજિયાળી સાસુ ભૂઈનું તથા કૌશાંબીના અતિદરિદ્ર બ્રાહ્મણ પરિવારનું કરુણાજનક ચિત્રણ સુંદર છે. હાથી પકડવાની રીત અને અશ્વલક્ષણોનો ઉલ્લેખ છે. મથુરામાં સુપાર્શ્વજિનનો સુવર્ણસ્તૂપ હોવાનો ઉલ્લેખ છે. ‘કોઈ યુવતી પાસેથી ગુપ્ત વાત ઝટ કરતી પ્રગટ થઈ જાય, તેમ સમુદ્રના તોફાનમાં જહાજ તૂટવાનો તડતડ અવાજ આવ્યો’ – એવી નવીન ઉપમા તેમાં આપી છે. બ્રાહ્મણ અને ક્ષત્રિયાણીની કન્યા સોમશ્રીએ સમસ્ત વેદોનો અભ્યાસ કરી વિદ્યામાં પોતાને હરાવનારને પરણવાની પ્રતિજ્ઞા કર્યાનો ઉલ્લેખ છે. દેશભાષા તથા નીતિવેત્તાઓનો દેશાચાર ન જાણનાર મૂર્ખ ધુતારાઓ દ્વારા ડગલે ને પગલે ઠગાય છે એવું વિધાન કર્યું છે. એ સમયે પ્રચલિત મરેલાનાં અસ્થિ ગંગામાં પધરાવવાના રિવાજનો ઉલ્લેખ છે. વસુદેવે આર્ય અને અનાર્ય બંને વેદોનો સાંગોપાંગ અભ્યાસ કરેલો તેવો સ્પષ્ટ ઉલ્લેખ છે. વાસુદેવ કૃષ્ણ બ્રહ્મદત્ત નામના બ્રાહ્મણ પાસે વેદાધ્યયન કરવા ગયા ત્યારે તેમને પૂછવામાં આવેલું કે આર્યવેદ ભણવા છે કે અનાર્ય ! પ્રાકૃત, સંસ્કૃત અને અપભ્રંશ – એ ત્રણેય ભાષાઓનાં સુંદર પ્રબોધક સુભાષિતો આ ગ્રંથમાં આપેલાં છે.
જયન્ત પ્રે. ઠાકર