ભરથરી (ગાથા) : રાજા ભરથરીની લોકગાથા. આ લોકગાથા સારંગી વગાડીને ભિક્ષા માંગતા જોગીઓ દ્વારા મૂળ પ્રેમપૂર્વક ગાવામાં આવતી હોય છે. આ જોગીઓ કોઈને આખી ગાથા ગાઈ સંભળાવતા નથી કેમ કે, તેઓ એવી માન્યતા ધરાવે છે કે આખી ગાથા ગાઈ સંભળાવનાર અને એને સાંભળનારનો સર્વનાશ થાય છે. સંસ્કૃતના સુપ્રસિદ્ધ કવિ રાજા ભર્તૃહરિ સુપ્રસિદ્ધ છે, તેમણે શૃંગાર, નીતિ અને વૈરાગ્ય-શતકોની રચના કરી અમરતા પ્રાપ્ત કરી હતી. લોકગીતોમાં વર્ણિત ભરથરી તેમજ રાજા ભર્તૃહરિ બંને એક જ વ્યક્તિ છે કે કેમ તે નક્કી કહી શકાતું નથી, પરંતુ બંનેનાં કથનકો તો ઘણાં મળતાં આવે છે. ભરથરીની કથા આ મુજબ છે –

ઉજ્જૈનમાં રાજા ઇન્દ્રસેન રાજ્ય કરતો હતો. એને ચંદ્રસેન નામે પુત્ર હતો અને ભરથરી એનો પુત્ર હતો. તેની માતાનું નામ રૂપદેઈ અને પત્નીનું નામ સામદેઈ હતું. સામદેઈ સિંહલદ્વીપની રાજકુમારી હતી. ભરથરીને પત્ની સાથે અણબનાવ થયા કરતો આથી સંસારની ઝંઝટમાંથી મુક્ત થવા ભરથરીએ ગુરુ ગોરખનાથનું શરણ સ્વીકાર્યું. સંન્યાસ ધર્મમાં દીક્ષિત થતાં પહેલાં પોતાની પત્ની પાસે ભિક્ષા માગી લાવવી અનિવાર્ય હતી. ભિક્ષા લેવા પોતાને ઘેર ભરથરી ગયા જ્યાં પત્નીએ એમને પિછાણી લીધા અને ભિક્ષા આપવા ઇન્કાર કર્યો પરંતુ ઘણી વિનવણી બાદ ભરથરીને ભિક્ષા પ્રાપ્ત થઈ. ગોરખનાથ પાસે દીક્ષા લઈને ભરથરીએ કામરૂપ (આસામ) દેશની યાત્રા કરી અને પોતાનો યતિ-ધર્મ પાળતા રહ્યા.

આ લોકગાથા ઉત્તરપ્રદેશના પૂર્વી જિલ્લાઓમાં ખાસ પ્રચલિત જણાય છે. ત્યાં ‘સાઈ’ તરીકે ઓળખાતા જોગી લોકો સારંગી વગાડીને આ ગાથા ગાતા ફરે છે, ભરથરીની ગાથામાં સમકાલીન ગોપીચંદની ગાથા પણ વણાય છે. વસ્તુતઃ ભરથરી અને ગોપીચંદ બંને ગોરખનાથના શિષ્યો હતા તેથી બંનેની ગાથાઓ સેળભેળ થઈ હોવાનું જણાય છે.

ભરથરી ગાથામાં શૃંગાર અને કરુણ બંને રસોના પુટ પ્રાપ્ત થાય છે.

પ્રવીણચંદ્ર પરીખ