ભરતસ્વામી (તેરમી સદી) : સામવેદ પરના ભાષ્યના લેખક. વૈદિક ભાષ્યોના ઇતિહાસમાં આચાર્ય સાયણ પૂર્વે સામવેદ-ભાષ્યોમાં બે ભાષ્યોની વિગત મળે છે : માધવના અને ભરતસ્વામીના ભાષ્યની. ભરતસ્વામીએ સામવેદના બ્રાહ્મણ ‘સામવિધાન-બ્રાહ્મણ’ ઉપર પણ ભાષ્ય રચ્યું હતું. સામવેદભાષ્ય પ્રકાશિત નથી. ભાષ્યકાર પોતાના ભાષ્યમાં સ્વપરક નિર્દેશો આપે છે. તે મુજબ (1) તેઓ કાશ્યપ ગોત્રના બ્રાહ્મણ હતા. (2) તેમના પિતાનું નામ નારાયણાર્ય હતું. (3) તેમની માતાનું નામ યજ્ઞદા હતું. (4) તેઓ પ્રસિદ્ધ વૈષ્ણવતીર્થ શ્રીરંગપટ્ટમમાં રહેતા હતા. (5) તે વખતે ત્યાં હોયસળ વંશના રાજા રામનાથનું શાસન હતું. (6) પિતા નારાયણાર્ય ભરતસ્વામીના ગુરુના સ્થાને હતા. (7) ભરતસ્વામીએ સમગ્ર સામવેદ ઉપર ભાષ્ય રચ્યું છે. ભરતસ્વામીનું સમયનિર્ધારણ સરળ છે; કારણ કે એમણે નિર્દેશ કર્યો છે તે રામનાથ ઐતિહાસિક વ્યક્તિ છે. હોયસળ વંશના આ પ્રતાપી સમ્રાટ દક્ષિણ ભારતના અધિપતિ હતા. 1295માં એમનું અવસાન થયેલું. ભરતસ્વામી એમના સમકાલીન હોય તે સ્વાભાવિક છે. એમણે સંભવત: 1289માં ભાષ્યરચના કરી છે. એમનાથી લગભગ 70 વર્ષ પછી સાયણભાષ્ય રચાયું છે. ભરતસ્વામીનું ભાષ્ય એકદમ સંક્ષેપવાળું છે. પુરોગામી ભાષ્ય માધવભાષ્યની એમણે સારી એવી સહાય લીધી હોય, તે સંભવિત છે. ઐતરેય બ્રાહ્મણ અને આશ્વલાયન સૂત્રોમાંથી તેઓ ઘણાં અવતરણ લે છે. 1875 મંત્રના પૂરેપૂરા સામવેદ પર આચાર્ય ભરતસ્વામી અને આચાર્ય સાયણનાં ભાષ્યો મળે છે; તેમાંથી આચાર્ય ભરતનું ભાષ્ય સાયણ કરતાં ચઢિયાતું છે, તેવો અભિપ્રાય આચાર્ય વૈદ્યનાથ શાસ્ત્રીનો છે. ભાષ્ય અપ્રકાશિત સ્થિતિમાં છે. એની પ્રતિઓ તાંજોર, મદ્રાસ (ચેન્નઈ), મૈસૂર વગેરે સ્થળોએ પ્રાપ્ત થાય છે. ભરતસ્વામીએ સામવેદના ઉત્તરાર્ચિક પર ભાષ્ય રચ્યું હોય તેવું બર્નેલ માનતા નહોતા. પરંતુ તે સાચું નથી. ભરતસ્વામી જેવા વિદ્વાન ભાષ્યકાર, જ્યાં સુધી સામવેદ ઉપર ભાષ્ય પૂરું ન થાય ત્યાં સુધી સામવેદના બ્રાહ્મણ ‘સામવિધાન-બ્રાહ્મણ’ ઉપરનું પોતાનું ભાષ્ય શરૂ કરે એ શક્ય નથી.
રશ્મિકાન્ત પદ્મકાન્ત મહેતા